વ્યવસાયવેરો નહીં ભરનારા હજારો વેપારીઓને નોટિસ, 1500 કરતાં વધુ મિલકતો લિંકઅપ કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારનાં ટેક્સ વસૂલવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી મિલકત અને પાણીવેરા માટે કડક કાર્યવાહી કરાતી હતી. જોકે, ચાલુ વર્ષે પ્રોફેશનલ ટેક્સ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મનપાએ વ્યવસાય વેરો નહીં ભરનારા હજારો વેપારીઓને નોટિસ ફટકારી છે. તેમજ 1500 કરતા વધુ મિલકતો પ્રોપર્ટીનાં નંબરની સાથે લિંકઅપ કરવામાં આવી છે. જેને પગલે કુલ 35 કરોડનાં ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં 21.50 કરોડની વ્યવસાય વેરાની આવક થઈ છે.
- Advertisement -
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ વસુલાત શાખાએ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન વ્યવસ્યાવેરાનો 35 કરોડનો ટાર્ગેટ પુરો કરવા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને લાંબા સમયથી વ્યવસાય વેરો નહીં ભરનારા 95,529 વેપારીઓ અને વેપારી પેઢીઓને જપ્તીની નોટિસ આપવામાં આવી છે. આવી જ રીતે 1520 પેઢીઓને પ્રોપર્ટી ટેક્સ નંબર સાથે લિંકઅપ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની કડક કાર્યવાહીને કારણે અત્યાર સુધીમાં 21.50 કરોડનો વ્યવસાય વેરો વસુલાયો છે.
ટેક્સ વિભાગના જણાવ્યા મુજબ ચાલુ નાણાંકિય વર્ષ 2024-25માં વ્યવસાયવેરા માટે 35 કરોડનો ટાર્ગેટ છે. આ ટાર્ગેટ પુરો કરવા એપ્રિલ મહિનાથી જ વેપારી પેઢીઓને ડિમાન્ડ નોટિસ આપવાનું શરૂ કરાયું હતું. જે અંતર્ગત લાંબા સમયથી વ્યવસાય વેરો ભરપાઇ કરતા નથી તેવા વેપારીઓને જપ્તીની નોટિસ આપવાનું શરૂ કરાયું છે. છેલ્લા આઠ મહિના દરમિયાન આવા 95,929 વેપારીઓને જપ્તીની નોટિસ આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ વોર્ડ નં. 1માં 28,595 વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત તમાામ 18 વોર્ડમાં 1520 વેપારી પેઢીઓને પ્રોપર્ટી નંબર સાથે લિંકઅપ કરવામાં આવી છે. તેમજ કુલ 2,338 વેપારી પેઢીઓના કેવાયસી અપડેટ કરવામાં આવ્યા છે. વ્યવસાયવેરા મુદ્દે વાંધા અરજી કરનારા 941 વેપારીઓને સુનાવણી માટે નોટિસ મોકલવામં આવી છે. હાલ 2,201 વેપારી પેઢી તરીકે નોંધાયેલી છે. અને 576 પગારદાર કર્મચારીઓ સાથેની પેઢી મળી 2,774 પાસેથી 21.50 કરોડનો પ્રોફેશનલ ટેક્સ વસુલાયો છે. જેમાં સૌથી વધુ વેરો 522 કરોડ વોર્ડ નં. 7માંથી વસુલાયો છે.