વર્ષ 2026માં મળશે નવી સુવિધાઓની ભેટ
જામનગર રોડ પર રૂ. 7.36 કરોડના ખર્ચે 100 બાળકોની ક્ષમતાનું આધુનિક ચિલ્ડ્રન હોમ બનશે
- Advertisement -
યુનિવર્સિટી રોડ પર અધિકારીઓ માટે આલીશાન આવાસ તૈયાર થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં વર્ષ 2026 દરમિયાન સામાજિક કલ્યાણ અને વહીવટી ક્ષેત્રે મહત્વના બાંધકામો પૂર્ણ થવા જઈ રહ્યા છે. જામનગર રોડ પર આવેલું 68 વર્ષ જૂનું સ્પેશિયલ હોમ ફોર બોયઝ તોડીને તેના સ્થાને રૂ. 7.36 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતું નવું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભક્તિનગર સર્કલ પાસે ક્ધયાઓ માટે અને યુનિવર્સિટી રોડ પર ડેપ્યુટી કલેક્ટરો માટે નવા ક્વાર્ટર્સનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
ચિલ્ડ્રન હોમના સુપ્રિટેન્ડેન્ટ રોહિત પીપરીયાના જણાવ્યા મુજબ, જૂનું બિલ્ડિંગ વર્ષ 1957નું હોવાથી નવા નિર્માણની જરૂરિયાત હતી. સપ્ટેમ્બર 2026 સુધીમાં તૈયાર થનારા આ નવા ભવનમાં 100 બાળકો રહી શકશે. અહીં ક્લાસરૂમ, લાઈબ્રેરી, કોમ્પ્યુટર લેબ, મલ્ટીપર્પઝ હોલ અને ઔદ્યોગિક તાલીમ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. હાલમાં 33 નિરાધાર બાળકો અહીં આશ્રય લઈ રહ્યા છે, જેમને હવે વધુ સારી સવલતો મળશે. યુનિવર્સિટી રોડ પર રૂ. 6.34 કરોડના ખર્ચે ડેપ્યુટી કલેક્ટર માટે 3 માળના 9 ક્વાર્ટર્સ તૈયાર થઈ રહ્યા છે, જેમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને ગાર્ડન જેવી સુવિધાઓ હશે. સાથોસાથ ભક્તિનગર સર્કલ પાસે રૂ. 6.75 કરોડના ખર્ચે સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સનું કામ પણ નવેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ નવા પ્રોજેક્ટ્સથી શહેરના વહીવટી માળખા અને સામાજિક સુરક્ષા વ્યવસ્થામાં મોટો સુધારો જોવા મળશે.



