ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની માહિતી અને માર્ગદર્શન આપવા આત્મા પ્રોજેક્ટના વિવિધ માધ્યમો દ્વારા કાર્ય કરી રહ્યુ છે. રાજ્યના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરે અને તેમનો ખેતી ખર્ચ ઘટે તેમજ જમીનની ફળદ્રુપતા અને સમગ્ર જીવસૃષ્ટિનું આરોગ્ય જળવાઈ રહે તેમજ પર્યાવરણમાં પણ સંતુલન બની રહે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
પ્રાકૃતિક કૃષિ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ દ્વારા મેંદરડા તાલુકાના સિમર ગામ તથા માંગરોળ તાલુકાના દિવરાણા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ અન્વયે કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાકૃતિક કૃષિની આપણે કેમ જરૂર પડી અને તેનાથી થતા ફાયદા બાબતે ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જમીનની ફળદ્રુપતામાં પ્રાકૃતિક કૃષિનો ફાળો, જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવાનાં ઉપાયો, પર્યાવરણનું જતન, ઉપરાંત દેશી ગાયના છાણ અને ગૌમુત્ર દ્વારા જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિ તથા તેની ઉપયોગીતા અને ફાયદાઓ વિશેનું માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી દિપક રાઠોડ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર એસ.કે.પરમાર તથા કૃષિ યુનિવર્સિટી જૂનાગઢનાં વૈજ્ઞાનિકો હાજર રહી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.