ચિત્રકાર કલાબ્ધિની ચિત્રકૃતિ અને એસ.એમ. ડાભીના ઠઠ્ઠાચિત્રો શારદામાં પ્રસિદ્ધ થતા હતા, આજથી એકાદ સદી પૂર્વે રાજકોટથી પ્રસિદ્ધ થતું આ સામયિક એટલું દળદાર અને દમદાર હતું કે તેની પાસે વર્તમાન સામયિકો અને દિવાળી અંકો ફિક્કા લાગે!
શારદા : ગોકુળદાસ રાયચુરાના તંત્રીપદ હેઠળ એપ્રિલ 1924માં રાજકોટમાંથી શારદા બહાર પડવાનું શરૂ થયું હતું. સાહિત્ય, કળા, સંસ્કાર અને લોકસાહિત્યના પ્રસાર અર્થેનું આ સામયિક દર મહિનાની 15 તારીખે પ્રસિદ્ધ થતું હતું. શારદાની છૂટક કિંમત બાર આના અને વાર્ષિક લવાજમ છ રૂપિયા હતું. શારદા પ્રથમ અંકથી જ આર્ટ પેપર પર છપાતું આવ્યું હતું, તેમાં રંગબેરંગી ચિત્રો અને તસવીરો મોટા પ્રમાણમાં છપાતા હતા. તેનું મુખપૃષ્ઠ ત્રીરંગી આવતું હતું અને દરેક અંકમાં ચારથી છ પાનાં જેટલી રંગીન તસવીરો-ચિત્રો પણ આવતા હતા. શારદાનું કદ ડેમીથી થોડું મોટું અને ક્રાઉનથી પહોળાઈમાં સહેજ નાનું હતું. શારદાના પ્રત્યેક અંકમાં સો જેટલા પાનાં રહેતા હતા જેમાં વાંચકોને લેખ, વાર્તા, કવિતા, નાટક, જીવનચરિત્ર, લોકકથા, સાહસકથા અને પ્રવાસવર્ણન વગેરે વૈવિધ્યપૂર્ણ વાંચનસામગ્રી વાંચવા મળતી હતી. અન્ય કોઈ સામાયિકની છાપવા જેવી સામગ્રી મહાગુજરાત શીર્ષક હેઠળ શારદામાં પ્રગટ કરવામાં આવતી હતી. શારદામાં લેખ, વાર્તા, કવિતાના મથાળા ખાસ રીતે ડિઝાઈન કરીને તૈયાર કરવામાં આવતા હતા. ચિત્રકાર કલાબ્ધિની ચિત્રકૃતિ અને એસ.એમ. ડાભીના ઠઠ્ઠાચિત્રો શારદામાં પ્રસિદ્ધ થતા હતા. આજથી એકાદ સદી પૂર્વે રાજકોટથી પ્રસિદ્ધ થતું આ સામયિક એટલું દળદાર અને દમદાર હતું કે તેની પાસે વર્તમાન સામયિકો અને દિવાળી અંકો
ફિક્કા લાગે!
- Advertisement -
શારદાના દર મહિને પ્રગટ થતા અંકો સિવાય તેના લોકસાહિત્યના વિશેષાંકો પણ આકર્ષક હતા, હાલની તારીખે પણ ધ્યાન ખેંચે અને બે ઘડી વાંચવા મજબૂર કરે એવા છે. શારદાના તંત્રી ગોકુળદાસ રાયચુરા પત્રકાર ઉપરાંત સારા લેખક પણ હતા, તેમના દ્વારા લખેલા લોકસાહિત્યના પુસ્તકોની જાહેરખબર શારદામાં આવતી હતી. ગોકુળદાસ રાયચુરા દાલચીવડાના ઉપનામથી શારદામાં હાસ્યલેખ લખતા હતા. શારદામાં શરૂઆતના અને અંતના થોડા પાનાંઓમાં વિવિધ વિષયને લગતી જાહેરખબરો આવતી હતી. આ સિવાય અંદરના પાનાં પર સાહિત્ય અને સંશોધન વિષયક લેખનસામગ્રી પ્રકાશિત થતી હતી જેના લેખકો ઝવેરચંદ મેઘાણી, ડોલરરાય માંકડ, નાનજી કાલિદાસ મહેતા, જદુરામ ખંધેરિયા, મોહનલાલ ચુનીલાલ ધામી, મેઘાણંદ ગઢવી, મેરૂભા ગઢવી, રાજકવિ માવદાનજી, કુસુમાકર, કલ્યાણરાય જોશી વગેરે હતા. નવોદિત અને અજાણ્યા સર્જકોની કૃતિઓ શારદામાં વધુ છપાતી એટલે ઘણીવાર તેની ટિકા પણ થતી હતી.
શારદાના તંત્રી ગોકુળદાસ રાયચુરા શારદા પર થતી ટિકા-ટિપ્પણીને અવગણતા હતા. આ એ શારદા જ હતું જેણે રાજકોટમાં અનેક લોકોને લખતા કર્યા હતા. સાહિત્ય અને સંસ્કારનું સામયિક શારદા 1924માં શરૂ થઈ 40 વર્ષ બાદ 1964માં બંધ પડ્યું ત્યારે રાજકોટ-સૌરાષ્ટ્રના પત્રકારત્વને એક મોટી ખોટી પડી હતી.
કૌમુદી : વિજયરાય કલ્યાણરાય વૈદ્યે 1924માં કૌમુદીનો પ્રથમ અંક પ્રગટ કર્યો હતો. કૌમુદી સાહિત્ય સમીક્ષાનું સ્વતંત્ર સામયિક હતું. કૌમુદી અમદાવાદમાં છપાતું હતું અને તેનું વ્યવસ્થા સરનામું કુમાર કાર્યાલય તથા સંપાદન સંપર્ક માટેનું સરનામું વિજયરાય વૈદ્યનું વિલેપાર્લેનું રહેતું હતું. કૌમુદીના દરેક અંક 200 પાનાંના રહેતા હતા, એક પુસ્તક જેટલા મોટા. જેમાં વિવિધતાસભર વાંચનસામગ્રી આવતી હતી. આ ત્રીમાસિક સામયિકનું લવાજમ સાડા ત્રણ રૂપિયા હતું. કૌમુદી શરૂ થયા બાદ સમયની સાથે તેનું સ્વરૂપ પણ બદલતું જતું હતું. 1927માં એને નવું પુસ્તક ગણી નવેસરથી પ્રથમ વર્ષ ગણવામાં આવે છે. તેનું કદ ડેમીથી થોડું મોટું અને ક્રાઉનથી પહોળાઈમાં સહેજ નાનું હતું. ક્યારેક ભાવનગર, ક્યારેક અમદાવાદ, ક્યારેક વડોદરા તો વળી ક્યારેક મુંબઈથી બહાર પડનાર કૌમુદી વારંવાર તેનું કદ અને કલેવર બદલતું રહેતું હતું. શારદાની જેમ જ કૌમુદી પણ પોતાના વિશેષાંકો માટે જાણીતું બનેલું હતું. કૌમુદી દ્વારા કલાપી અંક (1925), સાહિત્ય અંક (1926), નાન્હાલાલ અંક (1927), અંબાલાલ દેસાઈ અંક (1929), અરવિંદ અંક (1935) વિશેષાંક બહાર પાડવામાં આવ્યા હતા. આકર્ષક અંકની સાથે અવનવા વિશેષાંકો આપનાર કૌમુદીનું ત્રીમાસિકમાંથી માસિકમાં પણ રૂપાંતર થયું હતું. વિજયરાય વૈદ્યએ કૌમુદીમાં સેવકગણની યોજના દ્વારા સાહિત્યવ્રતનો આદર્શ મૂક્યો હતો. કૌમુદીને ચલાવવા માટે આશ્રયદાન લેવામાં આવતું હતું.
- Advertisement -
કૌમુદીમાં સાહિત્યિક વિવેચન ઉપરાંત જીવનલક્ષી લેખો પ્રસિદ્ધ થતા હતા. ઝવેરચંદ મેઘાણી, નરસિંહ રાવ, દેશળજી પરમાર, ચં.ચી. મહેતા, નૃસિંહ વિભાકર, ગજેન્દ્ર પંડ્યા, ગગનવિહારી મહેતા વગેરે ખ્યાતનામ સર્જકો કૌમુદીમાં નિયમિત લખતા જ હતા. આમ છતાં આ સામયિકમાં મોટા લેખકોના નામ અને લેખન પર વિશેષ ધ્યાન આપવામાં આવતું નહતું. કૌમુદીમાં લેખનની ગુણવત્તા પર વધુ ભાર મૂકવામાં આવતો હતો, તેથી તેમાં મોટાભાગના લખનારાઓ અજાણ્યા હતા, જાણીતા લેખકોની કૃતિઓનો ઓછો સમાવેશ કરવામાં આવતો હતો. સાહિત્ય, કળા અને વિવેચનનું આ સામયિક એનાં પ્રકાશન વર્ષ દરમિયાન ગુજરાતી પત્રકારત્વમાં ખાસ્સું એવું આદર પામ્યું હતું. સાહિત્ય પરિષદ પણ તેની નોંધ લેતું થઈ ગયું હતું. દુ:ખદ ઘટના એ બની કે, સમય પસાર થતા આ સામયિક પર મોટું દેવું થઈ ગયું હતું. કૌમુદીનું પ્રકાશન અનિયમિત બનતું ગયું હતું. અચાનક જ મે-જૂન 1936થી કૌમુદીમાં વિજયરાય વૈદ્યનું નામ આવતું બંધ થઈ ગયું, તેની જગ્યાએ પહેલા પ્રકાશક અને પછી સંપાદક તરીકે પણ મૂળશંકર સોમનાથ ભટ્ટનું નામ આવવાનું શરૂ થઈ ગયું હતું. વિજયરાય વૈદ્ય કૌમુદીમાંથી છૂટા પડ્યા. લેખક, પત્રકાર, વિવેચક, ચેતનના સહતંત્રી, હિંદુસ્તાનના ઉપતંત્રી, ગુજરાતના ઉપતંત્રી, યુગધર્મના ઉપતંત્રી વિજયરાય વૈદ્ય દ્વારા તન, મન, ધનથી કૌમુદી ચલાવ્યા બાદ માનસી નામનું સામયિક 1938માં શરૂ કરવામાં આવ્યું હતું.
વધારો : વિજયરાય વૈદ્યએ કૌમુદી અને માનસી બંને સામયિકો દ્વારા કુલ મળી સાડા ત્રણ દસક ગુજરાતી પત્રકારત્વમાં પોતાનું યોગદાન આપ્યું હતું. વિજયરાય વૈદ્ય કૌમુદીની જેમ જ માનસીના અંક પ્રસિદ્ધ કરવામાં નિયમિતતા જાળવી શક્યા નહતા. માનસીના વાંચકોને જૂન 1939 તેમજ સપ્ટેમ્બર 1939ના અંક રૂપે પોતાનું પુસ્તક જૂઈ અને કેતકી મોકલી પુસ્તકને જ અંક તરીકે ગણી લેવાની વિનંતી કરવામાં આવી હતી. વિજયરાય વૈદ્ય માનસીને સર્જન અને ચિંતનની ગ્રંથશ્રેણી તરીકે ઓળખાવતા હતા. તેઓ માનસી એટલે સકલ મનોવ્યાપારનો આવિર્ભાવ એવું કહેતા હતા. ડેમી સાઈઝના ત્રીમાસિક માનસીના મુખપૃષ્ઠ પર એક ચિત્ર આવતું હતું જેમાં ભગવાન શંકર અને તેમના આયુધો દર્શવાતા હતા. આ સામયિકમાં વાર્તા, કવિતા, નાટક, નિબંધ, પ્રવાસવર્ણન, જીવનચરિત્ર, શબ્દચિત્ર અને વિવેચન આવતા હતા, નિકષ, મનન, મંજુષા, વાસરિકા જેવા વિવિધ વિભાગોમાં ગ્રંથસમીક્ષા, ચિંતનાત્મક, પ્રેરણાત્મક લખાણો, હિંદી-સંસ્કૃત સાહિત્યની જાણકારી, સાંપ્રત સાહિત્યિક ઘટનાઓની ચર્ચા આવતા હતા. માનસીમાં વિશ્વનાથ ભટ્ટ, ડોલરરાય માંકડ, અંબાલાલ પુરાણી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, દુર્ગાશંકર શાસ્ત્રી, ધનસુખલાલ મહેતા, કે.કા. શાસ્ત્રી વગેરે લેખકોના લેખો આવતા હતા. વિજયરાય વૈદ્યએ વાંચકોને વિશેષાંકોની ભેટ આપવાની પરંપરા માનસીમાં જાળવી રાખી હતી. ધનસુખલાલ મહેતા સ્મૃતિ અંક (1940), ધ મૂન ઈઝ ડાઉન – મૂળશંકર ભટ્ટ દ્વારા જ્હોન સ્ટાઈન બેકની અનુવાદિત નવલકથા (1942), આનંદ શંકર ધ્રુવ સંસ્મરણ અંક (1947) અને બટુભાઈ ઉમરવાળી (1950) માનસીના મુખ્ય વિશેષાંક હતા. માનસી અઢી દાયકા જેટલું ચાલીને ડિસેમ્બર 1960માં બંધ પડ્યું હતું. વિજરાય વૈદ્યએ કૌમુદી અને માનસી પછી રોહિણી સામયિક પ્રગટ કરવાનું શરૂ કર્યું હતું.