પ્રથમ હિયરિંગ 29 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાયું હતું જેમાં કુલ 836 અસરગ્રસ્તોને મામલતદારે સાંભળ્યા હતા
આસામી પોતાની માલિકીના નક્કર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જશે, તો તેમની પાસેથી જમીન ખાલી કરાવવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદીના કાંઠાને સાબરમતી રિવરફ્રન્ટ જેવો આધુનિક ઓપ આપવા માટે વહીવટી તંત્રએ કમર કસી છે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર વર્ષોથી જામી ગયેલા 1350 જેટલા રહેણાંક અને વ્યાવસાયિક દબાણો દૂર કરવાની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. આજે ગુરુવારથી પૂર્વ મામલતદાર કચેરી ખાતે આ આસામીઓનું બીજું હિયરિંગ શરૂ થતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
અગાઉ જ્યારે હિયરિંગ હતું ત્યારે 590માંથી 416 હાજર રહ્યા જ્યારે બીજા દિવસે 540માંથી 250 પરિવારો આવ્યા અને ત્રીજા દિવસે 250 પરિવારોમાંથી 170 અસરગ્રસ્તો આધાર પુરાવા લાવ્યા હતા આમ ત્રણ દિવસમાં કુલ 836 અસરગ્રસ્તોને મામલતદારે સાંભળ્યા હતા. જો કે, હજુ કોઈ પરિવાર નક્કર આધાર-પુરાવા રજૂ કરવામાં સફળ રહ્યા હતા તેથી ફરી નોટિસ અપાઈ હતી. તંત્ર દ્વારા બીજી વખત નોટિસ આપ્યા બાદ આજે 8 જાન્યુઆરીના રોજ હિયરિંગ રાખવામાં આવ્યું હતું. જંગલેશ્વરના રહીશો પોતાના મકાન કે દુકાનના માલિકી હક સાબિત કરવા માટે લાઈટ બિલ, મ્યુનિસિપલ વેરા બિલ, રેશનિંગ કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો સાથે પૂર્વ મામલતદાર કચેરી પહોંચ્યા હતા. કચેરી બહાર લોકોની લાંબી કતારો જોવા મળી હતી અને વાતાવરણમાં ચિંતા અને અજંપો જોવા મળ્યો હતો. પૂર્વ મામલતદાર નિલેશ અજમેરાએ જણાવ્યું હતું કે, આ તમામ આસામીઓને લેન્ડ રેવન્યુ એક્ટની કલમ 61 હેઠળ નોટિસ આપવામાં આવી છે. જો કોઈ આસામી પોતાની માલિકીના નક્કર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જશે, તો તેમને કલમ 202 હેઠળ અંતિમ નોટિસ પાઠવી જમીન ખાલી કરાવવામાં આવશે. નોટિસની મુદત પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધરી આજી નદીનો કાંઠો ખુલ્લો કરવામાં આવશે.



