સુરતમાં સ્કિન ટેન રિમૂવલ સાબુ લાવી 4 મહિનાથી ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ ‘મીશો’ પર નકલી ‘ઘર સોપ્સ’ બનાવી વેચતા બે વેપારી ₹2.04 લાખના જથ્થા સાથે ઝડપાયા, મુખ્ય સપ્લાયર ફરાર
સુરત શહેરમાં બનાવટી અને ભેળસેળયુક્ત કોસ્મેટિક ચીજવસ્તુઓનું વેચાણ કરતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લસકાણા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાણીતી ઘર સોપ્સ બ્રાન્ડના ડુપ્લિકેટ સાબુના જંગી જથ્થા સાથે બે ઓનલાઇન વેપારીઓને ઝડપી પાડયા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા ચાર મહિનાથી આ ગોરખધંધો ચલાવતા હતા અને મોટા વરાછાના સપ્લાયર પાસેથી નકલી સાબુ લાવી માત્ર પેકિંગ કરીને ઓનલાઇન પ્લેટફોર્મ ‘મીશો’ પર ધૂમ વેચાણ કરતા હતા. પોલીસે સ્થળ પરથી ₹૨.૦૪ લાખની કિંમતના ૨,૦૦૦ બોક્સ સાબુ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લસકાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, લસકાણા ગઢપુર રોડ પર આવેલી એન.સી. ઠક્કર સ્કૂલ સામેના સહજાનંદ હબની ઓફિસ નંબર-૧૦૪માંથી ડુપ્લિકેટ સાબુનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે ઓફિસ પર છાપો મારતાં ત્યાંથી “GHAR SOAPS AYURVEDA + SCIENCE MAGIC SOAP’ નામની બ્રાન્ડના હૂબહૂ ડુપ્લિકેટ સાબુ મળી આવ્યા હતા. સ્થળ પરથી એક બોક્સમાં ૩ સાબુ પેક કરેલા હોય તેવા કુલ ૨,૦૦૦ બોક્સ (કુલ ૬,૦૦૦ નંગ સાબુ) જપ્ત કરવામાં આવ્યા હતા. ₹૧૦૨ લેખે ગણતરી કરતા કુલ ₹૨,૦૪,૦૦0/- ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ છેલ્લા ૪ મહિનાથી આ ડુપ્લિકેટ સાબુનું વેચાણ કરી રહ્યા હતા. આ સાબુ સ્કિન ટેન રિમૂવલ (મેજિક સોપ) તરીકે સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય છે. ઓરિજિનલ કંપનીનું ૩ સાબુનું પેકેટ બજારમાં ₹૩૯૯માં વેચાય છે, જેની સામે આ આરોપીઓ ભારે ડિસ્કાઉન્ટ કે ઓફરના નામે ઓનલાઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશો પર માત્ર ₹૧૦૨ માં નકલી સાબુ ગ્રાહકોને પધરાવી આર્થિક ફાયદો મેળવતા હતા. કોઈ ગ્રાહક પ્રોડક્ટ રિટર્ન કરે તો તેનું એડ્રેસ પણ પોતાના ઘરનું આપેલું હતું.
આ કેસમાં પકડાયેલા બંને આરોપીઓની ઓળખ ચિરાગભાઈ નાગજીભાઈ રંગાણી (ઉં.વ. ૩૧, રહે. આશિર્વાદ રો-હાઉસ, સરથાણા જકાતનાકા, મૂળ અમરેલી) અને દીપકભાઈ કાળુભાઈ રાદડિયા (ઉં.વ. ૩૪, રહે. શ્યામ એન્ટેલિયા, મોટા વરાછા, મૂળ અમરેલી) તરીકે થઈ છે. આરોપીઓએ જણાવ્યું કે તેમની ઓફિસ માત્ર પેકેજિંગ યુનિટ તરીકે કામ કરતી હતી. નકલી સાબુનો જથ્થો મોટા વરાછા ખાતે રહેતો શખ્સ સપ્લાય કરતો હતો. પોલીસ સપ્લાયરની ઓફિસે પહોંચી ત્યારે તે દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.




