ગિરનાર બચાવો મહારેલી: જૂનાગઢમાં સનાતનીઓનું જનમહેરામણ ઉમટી પડ્યું
ગિરનાર પર્વત પર જમીન ફાળવણીના વિવાદમાં સનાતનીઓનું આક્રમક વલણ
- Advertisement -
ગિરનાર પર્વતની સનાતન ધર્મની જગ્યા પર છાસવારે બનતા છમકલાં સામે રોષ
ગિરનાર સંરક્ષણ સમિતિ રચના કરાઈ: હજુ કોઇ નિર્ણય નહીં આવે તો ફરી આંદોલનની ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
- Advertisement -
પવિત્ર ગિરનાર પર્વત પર જૈન સમાજની સંસ્થાને જમીન ફાળવવાના મુદ્દે છેલ્લા એકાદ મહિનાથી ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. ગિરનારના અસ્તિત્વને બચાવવા અને સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે જૂનાગઢમાં ’સનાતન સ્વાભિમાન મહારેલી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં સનાતનીઓ, સાધુ-સંતો અને ધર્મપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. જૂનાગઢના રસ્તાઓ ’હર હર મહાદેવ’ અને ’જય ગિરનારી’ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
ઝાંસીની રાણીના સર્કલ પાસેના મેદાનથી શરૂ થયેલી આ ભવ્ય રેલીનું સમાપન કલેક્ટર કચેરીએ થયું હતું. હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને કારણે એવા દ્રશ્યો સર્જાયા હતા જાણે મહાશિવરાત્રીનો મેળો ભરાયો હોય. રેલીમાં સંતો-મહંતોની આગેવાનીમાં સામાન્ય નાગરિકો, હિન્દુ સંગઠનોના કાર્યકરો અને મોટી સંખ્યામાં માતાજીઓ પણ જોડાયા હતા. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ મહારેલી દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ’ગિરનાર સંરક્ષણ સમિતિ’ની રચના કરવામાં આવી છે. ભવનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ સમિતિ ગિરનારના સંરક્ષણ અને સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે કાયમી ધોરણે કામ કરશે. હાલમાં કામચલાઉ ધોરણે આ સમિતિમાં મહાદેવગીરી બાપુ અનેભગવતીદાસ બાપુ એમ બે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, ત્યારબાદ અન્ય સભ્યોને પણ જોડવામાં આવશે. આ સમિતિ હવે ગિરનારના પ્રશ્નો માટે સરકાર અને વહીવટીતંત્ર સાથે સંકલન સાધી લડત ચલાવશે.
અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી બાપુએ રેલીને સંબોધતા સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “ગિરનારના જંગલમાં અગાઉ દત્તાત્રેય ભગવાનના પ્રશ્નો હોય, નિર્વાણ લાડુનો મુદ્દો હોય કે ગોરખનાથની ટૂંકનો મામલો હોય, વારંવાર સનાતનીઓની આસ્થાને ઠેસ પહોંચાડવાના પ્રયાસો થયા છે. હવે સીતાવન નજીક એક ચોક્કસ સમુદાયને 2000 વાર જમીન ફાળવી દેવામાં આવી છે, જ્યારે સનાતનીઓને એક ફૂટ જમીન મળતી નથી. જો કોઈ એક વ્યક્તિને જમીન આપો છો, તો બધાને આપો. શું અન્ય સાધુ-સંતો કે જેઓ સાધના-અનુષ્ઠાન કરે છે, તેમનો કોઈ ગુનો છે?” તેમણે જૈન સમુદાયને ફાળવેલી આ જમીન કોના કહેવાથી અને શા માટે આપવામાં આવી, તેની સ્પષ્ટતા કરવાની માંગ કરી હતી. કલેક્ટર કચેરીએ પહોંચેલી આ વિશાળ જનમેદનીએ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સોંપ્યું હતું. જેમાં મુખ્યત્વે નીચે મુજબની 60 માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સીતાવન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ બાંધકામને તાત્કાલિક દૂર કરવામાં આવે. આ વિસ્તારમાં આવેલા અંદાજે 120 દુર્લભ વૃક્ષો સહિત કુલ 500-600 વૃક્ષોને સુરક્ષિત કરવામાં આવે, ગૌમુખી ગંગા તરફ જતા રામજી મંદિર પાસે 1980થી જૈન ધર્મની એક પેઢી દ્વારા વન વિભાગની જમીન પર કરવામાં આવેલ પાકું બાંધકામ તાત્કાલિક હટાવવામાં આવે., ગિરનાર ક્ષેત્ર પવિત્ર ભૂમિ છે, તેથી અહીં કોઈપણ ધાર્મિક જગ્યામાં જૈન મુનિઓના અગ્નિ સંસ્કાર કે સમાધિ સ્થાન બનાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો, ગિરનાર ક્ષેત્રમાં વર્ષોથી વસતા સાધુ-સંતો અને પૂજારીઓને ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવતી કનડગત બંધ કરવામાં આવે, ગિરનાર પર સનાતન ધર્મીઓ સાથે જે ભેદભાવ રાખવામાં આવે છે તે બંધ થાય અને ધાર્મિક જગ્યાઓને વીજ જોડાણ આપવામાં આવે, 1962/63માં બનેલા ફોરેસ્ટ સેટલમેન્ટ મુજબ, જે જગ્યાઓ જંગલ વિસ્તારમાંથી બાકાત રાખવામાં આવી છે, તે જગ્યાઓનું સિટી સર્વે નંબર આપીને સનાતન સંસ્થાઓને માલિકી હક આપવામાં આવે.
આ રેલી અને સંમેલનમાં સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયોના સંતોનું મિલન જોવા મળ્યું હતું. જેમાં સીતાવનના મહંત અને ગિરનાર સંરક્ષણ સમિતિના અધ્યક્ષ મહામંડલેશ્વરભગવતીદાસ બાપુ, રામ ટેકરીના મહામંડલેશ્વર કિશનદાસ બાપુ, ભવનાથના મહંત મહેશગીરી બાપુ, અવધૂત આશ્રમના મહાદેવગીરી બાપુ, મેંદરડા ખાખી મઢીના મહામંડલેશ્વર સુખરામદાસ બાપુ, જટાશંકર મંદિરના મહંત પૂર્ણાંદજી બાપુ, ભારતી આશ્રમના હરિહરાનંદ ભારતી બાપુ અને અન્ય ઘણા આશ્રમોના સંતો જોડાયા હતા. આ ઉપરાંત વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, બીએપીએસના સંતો, કિન્નર અખાડાના માતાજીઓ, વિશ્વ હિન્દુ પરિષદના વિપુલભાઈ રાવત, એડવોકેટ જયેશ ખેસવાણી અને અન્ય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિતિ રહી હતી. આ રેલી માત્ર એક વિરોધ પ્રદર્શન નહોતું, પરંતુ સનાતન ધર્મના રક્ષણ માટેની એક મક્કમ માંગણી હતી. જૂનાગઢના ઈતિહાસમાં આ એક યાદગાર ઘટના બની રહી છે, જ્યાં સમગ્ર રાજ્યના સાધુ-સંતો એક મંચ પર આવીને ગિરનારની પવિત્રતા જાળવવા માટે એકજૂથ થયા છે. હવે જોવું રહ્યું કે સરકાર અને વહીવટીતંત્ર આ 60 માંગણીઓ પ્રત્યે કેવો પ્રતિભાવ આપે છે. સંતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે જ્યાં સુધી ગિરનારનું અસ્તિત્વ સુરક્ષિત નહીં થાય અને અન્યાય દૂર નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.



