TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં બે ATP બાદ હવે ઈલેશ ખેરને પણ રાહત મળી
મનપાએ તપાસ સમિતિનો રિપોર્ટ આપ્યા વગર ડિસમીસ કર્યા હતાં
- Advertisement -
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં મનપા દ્વારા ગત 8 જુલાઈના રોજ 6 અધિકારીને ડિસમિસ કરતો ઓર્ડર કરવામાં આવ્યો હતો. આ પછી બે ATPએ હાઇકોર્ટના દ્વાર ખખડાવતા તેમને રાહત મળતા બાદમાં ચીફ ફાયર
ઓફિસર ઈલેશ ખેર દ્વારા પણ હાઇકોર્ટના દ્વાર ખખડાવતા હવે તેમને પણ રાહત મળી છે. બન્ને ATP માફક ઈલેશ ખેરને પણ ડિસમીસ નહીં ‘સસ્પેન્ડ’ ગણી અડધો પગાર ચૂકવવા હાઇકોર્ટએ આદેશ કર્યો છે.
રાજકોટ મનપા દ્વારા 8 જુલાઈના રોજ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ટાઉન પ્લાનિંગ વિભાગના ગૌતમ જોષી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણાને બરતરફ મતલબ
કે ડિસમીસ કરવાનો હુકમ કર્યો હતો. આ પછી મુકેશ મકવાણા અને રાજેશ મકવાણાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે, મહાપાલિકાએ તેમને નોકરીમાંથી કાઢતા પહેલાં તપાસ સમિતિનો ઈન્કવાયરી રિપોર્ટ આપ્યો ન હતો. રિપોર્ટ
ન મળવાને કારણે તેઓ પોતાનો બચાવ રજૂ કરી શક્યા ન હતા, જે ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. કોઈ પણ કર્મચારીને ડિસમીસ કરતા પહેલાં રિપોર્ટની નકલ આપવી ફરજિયાત છે. આ પ્રકારની દલીલ બાદ બન્ને અધિકારીને
ડિસમીસ નહીં પણ સસ્પેન્ડ ગણવાનો હુકમ કરી મનપાને નોટિસ ઇસ્યુ કરી હતી.
આ પછી મનપાના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવતા અડધો પગાર ચૂકવવાનો હુકમ કરતા 6 પૈકી 3 અધિકારી હાલ સસ્પેન્ડ જ ગણવામાં આવશે અને તેમને મહિને અડધો પગાર
મળતો રહેશે. જ્યારે રોહિત વિગોરા, ગૌતમ જોષી અને જયદીપ ચૌધરી પણ હાઈકોર્ટના દ્વાર ખટખટાવે તેવી શક્યતા નકારી શકાતી નથી. આ ચકચારી કેસમાં તમામ આરોપીઓ જામીન મુક્ત છે, ત્યારે હવે ત્રણ અધિકારીઓએ
પોતાની બરતરફીના હુકમ પર સ્ટે મેળવી ‘રાહત’ મેળવી છે.




