ચિપથી ડેટા જોવા મશીનનો ઉપયોગ કરવો પડતો હતો, હવે મોબાઇલથી સ્કેન કરી શકાશે
ખાસ-ખબર સંવાદદાતા
વાહનવ્યવહાર વિભાગ આગામી દિવસોમાં આરસીબુક અને ડ્રાઇવિંગ લાઇસન્સમાં પરિવર્તન લાવશે. આરસી બુકમાં હવે સ્માર્ટચિપને બદલે પહેલી ક્યુઆર કોડ લગાવાશે. આરસીબુક અને પાકાં લાઇસન્સના સ્માર્ટકાર્ડમાં અત્યારસુધી ચિપનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે ક્યુઆર કોડ રહેશે. અત્યારસુધી ડેટા જોવા માટે ચિપ માટે સ્પેશિયલ મશીનનો ઉપયોગ થતો હતો, પરંતુ ક્યુઆર કોડ મોબાઇલમાં સ્કેન કરીને ડેટા જોઇ શકાશે. રાજ્યમાં રોજની અંદાજે 15 હજાર આરસીબુક અને 20 હજાર લાઇસન્સ તૈયાર થાય છે. 1 સપ્ટેમ્બરથી આરસીબુકનું કામ કરતી વિવાદાસ્પદ સિલ્વરટચ કંપની લાઇસન્સની કામગીરી સંભાળશે. રાજ્યની આરટીઓ કચેરીમાં આરસીબુક અને લાઇસન્સની સૌથી વધુ પરેશાની છે. વાહનમાલિકોને એક-એક મહિના સુધી આરસીબુક મળતી નથી અને લાઇસન્સ તો બેથી અઢી મહિને મળે છે. 34 આરટીઓ કચેરીની અંદર સ્માર્ટચિપ કંપની લાઇસન્સની કામગીરી કરે છે. વર્તમાન લાઇસન્સની કામગીરી કરતી સ્માર્ટચિપ કંપનીના અગ્રણીના જણાવ્યા મુજબ ચિપની અછતને લીધે સ્માર્ટકાર્ડ પૂરતી સંખ્યામાં આવતા નથી. નવા સ્માર્ટકાર્ડમાં ચિપ દૂર થઇ જતાં ક્યુઆર કોડમાં હવે કાર્ડની પરેશાની ઘટી જવાનો નવી કંપનીએ દાવો કર્યો છે.
- Advertisement -
હાલ RC બુકમાં અમલ થશે, કામગીરી સેન્ટ્રલાઈઝ રહેશે
આરસી બુકમાં અત્યારસુધી જે સ્માર્ટ ચિપ હતી એને બદલે હવે ક્યુઆર કોડ છપાશે. હાલ આ કામગીરી માત્ર આરસી બુક માટે જ છે, પરંતુ આ સિસ્ટમ ક્યારથી અમલી થશે એ નક્કી થયું નથી, પરંતુ આ કામગીરી સેન્ટ્રલાઈઝ થશે, એટલે કે એક જ જગ્યાથી રાજ્યભરની આરટીઓમાં કાર્ડ મોકલાશે. વાહન વ્યવહાર વિભાગના આદેશ બાદ નિયમ પ્રમાણે નવા કાર્ડ અમલી કરવામાં આવશે. – પ્રતીક લાઠિયા, ઇન્ચાર્જ આરટીઓ, રાજકોટ.