સતત ત્રીજા વર્ષે ગબ્બર તળેટી પાસે વિશાળ વોટરપ્રૂફ ડોમમાં સાત દિવસ સુધી યાત્રાળુઓને નિઃશુલ્ક ભોજન-પ્રસાદ
શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમના પરંપરાગત મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 26 સપ્ટેમ્બર સુધી યોજાનારા આ ભવ્ય મેળામાં દેશ-વિદેશમાંથી લાખો માઈભક્તો અંબાજી માતાજીના દર્શન માટે ઉમટી પડશે. ખાસ કરીને પગપાળા યાત્રા કરીને આવતા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી જૂથો દ્વારા સેવા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેવાકાર્યમાં રાજકોટના ‘સહકાર ગ્રુપ’ દ્વારા સતત ત્રીજા વર્ષે કરવામાં આવતી નિઃશુલ્ક અન્નસેવા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. સહકાર ગ્રુપ દ્વારા સાત દિવસ સુધી યાત્રાળુઓ માટે વિનામૂલ્યે ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે.
- Advertisement -
ભાદરવી પૂનમ મેળા દરમિયાન યાત્રાળુઓની ભોજન વ્યવસ્થા માટે અગાઉ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી. જોકે, છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટના સહકાર ગ્રુપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા (પીન્ટુભાઈ-ખાટડી) અને તેમની સેવાભાવી ટીમ દ્વારા કોઈ શુલ્ક લીધા વિના નિઃશુલ્ક અન્નસેવાની જવાબદારી સ્વીકારી હતી. આ વર્ષે સહકાર ગ્રુપ દ્વારા ગબ્બર તળેટી પાસે વિશાળ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરી ભોજનશાળા ઉભી કરી છે. અહીં મેળાના સાતેય દિવસ યાત્રાળુઓ માટે ચા-નાસ્તા ઉપરાંત બંને સમય શુદ્ધ અને સાત્વિક ભોજન નિઃશુલ્ક પીરસવામાં આવે છે.
આ વિશાળ અન્નક્ષેત્રને સફળ બનાવવા માટે સહકાર ગ્રુપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા સાથે અશોકભાઈ પટેલ, દીપકસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, કર્મરાજસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, જયરાજસિંહ, જયદીપભાઈ ધાંધલ, વૃંષાકભાઈ મંત્રી, મનીષભાઈ મિસ્ત્રી, મિતેશભાઈ, યુવરાજસિંહ, વિરેન્દ્રસિંહ વાઘેલા, જીતભાઈ જલારામ, અભિષેકભાઈ, મયંકભાઈ કોટક તથા યુવરાજસિંહ ઝાલા સહિતના સેવાભાવી સભ્યો રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે.




