25મીએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને ૩૦મીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટની મળશે બેઠકઃ નીતિવિષયક નિર્ણયો અને શૈક્ષણિક પ્રસ્તાવો પર અંતિમ મંજૂરીની મહોર મારવામાં આવશે
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી પદવીદાન સમારોહનું આયોજન નવરાત્રિ પૂર્વે તા. ૮ ઓક્ટોબરના રોજ યુનિવર્સિટી કેમ્પસ સ્થિત નવનિર્મિત ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં આ ભવ્ય દીક્ષાંત સમારોહ યોજાશે, જેમાં વિવિધ વિદ્યાશાખાના તેજસ્વી સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ ડિગ્રી-ડિપ્લોમા એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.આ પદવીદાન સમારોહના પૂર્વઆયોજન અર્થે આગામી તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (EC)ની મહત્વપૂર્ણ બેઠક મળશે. આ બેઠકમાં ડિગ્રી અને ડિપ્લોમાધારકોને પદવી એનાયત કરવાની રૂપરેખા તૈયાર કરવા સાથે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) મુજબના અભ્યાસક્રમોને બહાલી આપવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ આગામી તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળશે, જેમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા લેવાયેલા વિવિધ નીતિવિષયક નિર્ણયો અને શૈક્ષણિક પ્રસ્તાવો પર અંતિમ મંજૂરીની મહોર મારવામાં આવશે. આ સાથે જ યુનિવર્સિટી તંત્ર દ્વારા સમારોહની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.




