ગુજરાતમાં હાર્ટને લગતી બીમારીના રોજ 200 કેસો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હૃદય સંબંધિત બીમારીમાં સતત વધારો થઇ રહ્યો છે. જાન્યુઆરીથી જુલાઇ મહિનામાં વર્ષ 2023 અને 2024ના આંકડા જાહેર થયા છે જેમાં રાજકોટમાં વર્ષ 2023માં 2637 કેસ અને વર્ષ 2024માં 3103 કેસ હૃદય સંબંધી બીમારીના નોંધાયા હતા. આ મામલે અમદાવાદ ટોપ પર છે, સુરત બીજા ક્રમે અને રાજકોટ ત્રીજા ક્રમે છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હૃદય સંબંધિત બીમારીમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં વર્ષ 2023માં જાન્યુઆરીથી જુલાઈ તેમ સાત મહિનામાં કાર્ડિયાક સંબંધિત 40,258 કેસ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને મળ્યા હતા.
આમ દરરોજના 191 જેટલા કેસ હતા, આ વખતે વર્ષ 2024ના સાત મહિનામાં 47,180 કોલ્સ મળ્યા છે એટલે કે રોજના 224 જેટલા કાર્ડિયાક ઇમરજન્સી કેસમાં દર્દીઓને હોસ્પિટલે તાત્કાલિક સારવાર માટે પહોંચાડવામાં આવ્યા છે. જુલાઈ મહિનામાં ગુજરાતમાં 7133 કોલ આવ્યા છે, જે ગત વર્ષના આ સમયગાળામાં 6,322 દર્દી હતા.
સિવિલ યુ.એન. મહેતા હૃદય રોગની હોસ્પિટલ સાથે સંકળાયેલા તબીબોનું કહેવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી યુવાનોમાં હૃદય રોગના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હકીકત એ છે કે, ઝડપી અને અનિયમિત જીવનશૈલી, સ્ટ્રેસ, આલ્કોહોલનું સેવન, સ્મોકિંગ, ફાસ્ટ ફૂડ સહિતના કારણો તેના માટે જવાબદાર છે. 30થી 40 વર્ષની વયના યુવાનોમાં આ રોગનું પ્રમાણ 20 થી 22 ટકા આસપાસ વધ્યું છે.
હૃદય રોગની તકલીફ વાળા દર્દીએ પૂરતી ઊંઘ લેવી જોઈએ, તબીબી સલાહ પ્રમાણે કસરત કરવી જોઈએ, સાત કલાકથી ઓછી ઊંઘ હોય તેવા લોકોમાં આ બીમારીની સંભાવના રહેલી છે. ખાનગી હોસ્પિટલ સાથે સંકળાયેલા તબીબોના કહેવા પ્રમાણે હાર્ટ ફેલ થવાના આકસ્મિક મોતના કિસ્સામાં પોસ્ટમોર્ટમ આધારે તારણ મેળવાય એ જરૂરી છે. એક સરકારી રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં વર્ષ 2021ના સમયગાળામાં 2280થી વધુ લોકોના હાર્ટ ફેલ થવાના કારણે મોત થયા છે. આમાં 45થી 54 વર્ષના 400થી વધુ દર્દીઓનો સમાવેશ છે.