તાજેતરમાં જ ચોરીના ગુનામાં ઓબ્ઝર્વેશન હોમમાં કેદ થયેલ બાળ આરોપીએ ભાગવાનો પ્લાન બનાવ્યો હતો
વધુ 6 બાળ આરોપીને પકડવા માટે પોલીસે 10થી વધુ ટિમ દોડાવી
- Advertisement -
સળીયો વાળી અગાસી પરથી ભાગ્યા હતા : માછીમારી કરતા પકડાયેલો પાકિસ્તાની સગીર તુરંત જ પરત આવી ગયો
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસે આવેલા બાળ સંરક્ષણ ગૃહમાં રહેતાં 54 સગીર આરોપીમાંથી 11 બાળક રવિવારે સવારે સીસીટીવી કેમેરા અને લોખંડની જાળી તોડીને નાસી છૂટતાં પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જો કે, તુરંત જ એક પાકિસ્તાની સગીર પોતાની મેળે પરત આવી ગયો હતો અને મોડી સાંજ સુધીમાં પોલીસે ચાર બાળ આરોપીને લીમડી અને વિરમગામથી પકડી પાડી હજુ 6 સગીરોને પકડવા પોલીસની 10થી વધુ ટીમ કાર્યરત છે બાળ આરોપીઓ નાશી ગયાની જાણ થતા જ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ અને ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, રાકેશ દેસાઈ, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી, એ ડિવિઝન પોલીસ મથકો સ્ટાફ તથા ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ હાથ ધરી જાણવાજોગ નોંધ કરવામાં આવી હતી.
- Advertisement -
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ, બાળ સંરક્ષણ ગૃહમાં હાલ 54 બાળકો રહે છે વ્હેલી સવારે નાસી છૂટેલા 11 બાળકો બે ગ્રુપ બનાવી કાવતરું રચી નાસી છુટ્યા હતા જેમાં 6 બાળકો એક ગ્રૂપમાં અને અન્ય 5 બાળકો બીજા ગ્રૂપમાં ભાગ્યા હતા ભાગેલા બાળકો પૈકીનો એક પાકિસ્તાની સગીર આરોપી જાતે જ પરત ફરી આવ્યો હતો. જ્યારે બાકીના 10 બાળકો નાસી છૂટ્યા હતા પોલીસ દ્વારા અલગ અલગ 10થી વધુ ટીમો બનાવી આ તમામ ગુમ બાળકોને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા ગઈકાલે જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતુ કે, આ ઘટના સામાન્ય નથી સમગ્ર ઘટના પૂર્વ આયોજિત કાવતરું છે. બાળકોએ ત્રણ રૂમની ઉપર આવેલો કેમેરો પણ તોડી નાખ્યો હતો જેને લીધે તેની હિલચાલ કેમેરામાં કેદ થાય નહિ અને ભાગતા પહેલા બાળકોએ એક બાળકનો સહારો લીધો હતો તે બાળક અચાનક કઈક વાગ્યું હોવાના ઢોંગ કરતો રહે અને વોર્ડનનું ધ્યાન તેનાં પર રહે તેથી પાછળના ભાગેથી બીજા બાળકો લોખંડની જાળી તોડીને ભાગવામાં સફળ રહે. દરમિયાન બે બાળ આરોપી લીમડી અને બે બાળ આરોપી વિરમગામ પહોંચ્યા હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે ચારેય બાળ આરોપીની કબ્જો લઈ પરત લાવવામાં આવ્યા હતાં. જ્યારે હજુ છ બાળ આરોપી વોન્ટેડ છે.
તાજેતરમાં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં એક બાળ આરોપી પકડાયો હતો. જેને પોલીસે બાળ સંરક્ષણ ગૃહમાં ધકેલી દીધા બાદ તે બાળ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જે બાદ પોલીસે તેની શોધખોળ કરી ગઈ તા.12ના રોજ પરત બાળ સુરક્ષા ગૃહમાં મોકલ્યો હતો. જે બાદ તેણે નાસી છૂટવાનો અન્ય બાળ આરોપી સાથે પ્લાન કરી ફરાર થઈ ગયા હતા.
હત્યા, જીવલેણ હુમલો, દુષ્કર્મ, પોક્સો સહિત ગુનાના આરોપીઓ
નાસી છૂટેલા બાળ આરોપીઓમાં ઓરિસ્સાના એક બાળક સામે હત્યાનો ગુનો, કચ્છના બાળક સામે ગંભીર ગુનાના કાવતરાનો, બિહારના સગીર સામે હથિયાર, વાંકાનેરના સગીર સામે હત્યા, બોટાદના સગીર સામે ધમકી, જુનાગઢના સગીર સામે પોકસો, અમદાવાદના સગીર સામે હત્યાની કોશિશ અને રાજકોટના સગીર સામે લૂંટનો ગુનો નોંધાયો છે.




