મોંઘા ટૂર પેકેજ અને ટ્રાફિકથી બચવા લોકોમાં નજીકના ‘શોર્ટ ડેસ્ટિનેશન‘નું આકર્ષણ વધ્યું, પરંતુ રસ્તા સહિતની સુવિધાઓનો અભાવ
પ્રદ્યુમન પાર્ક ઝૂ તરફના દબાણગ્રસ્ત રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ સુધારવા તંત્ર સમક્ષ માંગ
- Advertisement -
દિવાળીના તહેવારોની રજાઓમાં રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પ્રવાસન સ્થળો પર સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. તા. ૮થી દિવાળીની રજાઓ શરૂ થઈ હતી, જેમાં દિવાળીના દિવસે લોકો બહુ ઓછા ફરવા જાય છે, પરંતુ ધોકા અને ખાસ કરીને બેસતા વર્ષના દિવસથી રાજકોટવાસીઓ શહેરથી પાંચથી પચાસ-સાઠ કિલોમીટર સુધીમાં આવેલા હરવા-ફરવાના સ્થળો તેમજ ધર્મસ્થળોએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મોંઘાદાટ ટૂર પેકેજ અને રજાના દિવસોમાં દૂરના સ્થળોએ જામતી ભીડ તથા ટ્રાફિક જામથી કંટાળીને લોકોમાં ઓછા ખર્ચે નજીકના અંતરના (શોર્ટ ડેસ્ટિનેશન) પ્રવાસોનું મહત્વ વધ્યું છે. મહાપાલિકા સંચાલિત રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં તા. ૮થી તા. ૧૩ સુધીના ૬ દિવસમાં ૬૧,૭૫૮ લોકોએ ટિકિટ લઈને ૫૦૦થી વધુ વન્યપ્રાણીઓ-પંખીઓ અને લીલાછમ વનને માણ્યું હતું. આ ઉપરાંત લાલપરી-રાંદરડા તળાવમાં વિહરતા પંખીઓ, આજી-ન્યારી ડેમ સાઈટ, કાલાવડ રોડ પર વાગુદડ ઉદ્યાન, આજી ડેમ ડાઉનસ્ટ્રીમમાં હાઈવે પર રામવનથી માંડીને ખીજડી માતાના મંદિર સહિતના સ્થળોએ ભીડ ઉમટી હતી અને શહેરના ગોંડલ રોડ, જામનગર રોડ, ભાવનગર રોડ, મોરબી રોડ તેમજ અમદાવાદ રોડ સહિત તમામ માર્ગો પર લોકો કાર લઈને નીકળી પડ્યા હતા. દરેક રજા ટાણે સ્થાનિક પ્રવાસન વધી રહ્યું છે, પરંતુ હજુ તંત્ર દ્વારા આ સ્થળોની સૂચિ તૈયાર કરીને ત્યાં પહોળા, સમથળ અને દબાણમુક્ત રસ્તા, ટ્રાફિક બંદોબસ્ત, રોડલાઈટ અને સફાઈ સહિતની વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. ખાસ કરીને પ્રદ્યુમન પાર્ક ઝૂ પાસે જવાનો રસ્તો હજુ દબાણગ્રસ્ત છે, ત્યારે મહાપાલિકા, કલેક્ટર અને પોલીસ સહિતના તંત્રો દ્વારા સુવિધા વધારીને સ્થાનિક પ્રવાસનને ઉત્તેજન આપવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે
- Advertisement -




