અમરેલીની બાજુમાં મોટા આંકડિયા નામનું એક ગામ છે. આ ગામમાં રહેતા કનુભાઈ સેંજાણીએ દીકરા હાર્દિકને ભણાવવા માટે વ્યાજે પૈસા લીધા અને હાર્દિકને ભણવા માટે રાજકોટ એક સ્વનિર્ભર શાળામાં બેસાડ્યો. ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યું (માર્કશીટનો ફોટો અહિયા મુકેલો છે) જેમાં હાર્દિકને ભૌતિક વિજ્ઞાનમાં માત્ર 17 માર્ક્સ જ આવ્યા અને નાપાસ થયો. બાકીના વિષયોમાં પણ બહુ ઓછા માર્ક્સ હતા. વ્યાજે પૈસા લઈને ભણાવ્યા પછી આવું પરિણામ આવે એટલે કોઈપણ પિતાને ગુસ્સો આવે એ સ્વાભાવિક છે પરંતુ કનુભાઈએ નાપાસ થયેલા દિકરા હાર્દિકને એનુ મનોબળ તૂટે એવો એકપણ શબ્દ ન કહ્યો. માત્ર એટલું જ કહ્યું કે ‘બેટા, ચિંતા કરવાની જરૂર નથી, મહિના પછી પાછી પરીક્ષા આવશે. તું એક જ વિષયમાં નાપાસ છો એટલે એ પરીક્ષા પાસ કરીને આગળના અભ્યાસમાં લાગી જજે.’
હાર્દિકે એક વિષયની પરીક્ષા પાસ કરી લીધી અને કેમેસ્ટ્રી વિષય સાથે બી.એસ.સી. શરુ કર્યું. બી.એસ.સી.નો અભ્યાસ અંગ્રેજીમાં હોવાથી બહુ સમાજ પડતી નહોતી એટલે પ્રથમ સત્રમાં 4 માંથી મુખ્ય 3 વિષયમાં નાપાસ થયો. બીજા સત્રમાં પણ 3 વિષયમાં નાપાસ અને ત્રીજા સત્રમાં પણ ત્રણ વિષયમાં નાપાસ. દીકરાનું આ પરિણામ જોઈને પિતા કનુભાઈએ એકદિવસ હાર્દિકને પોતાની પાસે બેસાડ્યો અને જો ભણવામાં મન ન લાગતું હોય તો ખેતી સંભાળી લેવાનું કહ્યું. હાર્દિકે ફૂલ ટાઈમ ખેતર જવાનું ચાલુ કર્યું. થોડા દિવસમાં જ એને સમજાઈ ગયું કે આ કાળી મજૂરી કરવા કરતા ભણવું વધુ સારું છે.

પિતાએ કરાવેલા આ અનોખા અનુભવની હાર્દિક પર એવી અસર થઇ કે ચોટલી વાળીને ભણવામાં લાગી ગયો અને ચોથા સેમેસ્ટરમાં તમામ વિષયમાં પાસ થયો એ ઉપરાંત આગળના વર્ષોમાં જે વિષયોમાં નાપાસ થયો હતો એ વિષયોમાં પણ પાસ થઇ ગયો. પાંચમાં સેમેસ્ટરમાં આવ્યો ત્યારે પૂ.પ્રમુખસ્વામી મહારાજની સંસ્થા દ્વારા પ્રકાશિત થતા ‘સ્વામીનારાયણ પ્રકાશ’ નામના માસિકમાં ‘આદર્શ વિદ્યાર્થી કેમ બની શકાય ?’ એ વિષય પરનો લેખ વાંચ્યો જેનાથી હાર્દિકને વિશેષ પ્રેરણા મળી અને વધુ મહેનત કરવાનું બળ મળ્યું. પાંચમાં સેમેસ્ટરમાં કેમેસ્ટ્રી વિષયમાં એ એની કોલેજમાં બીજા નંબર પર આવ્યો જેનાથી આત્મવિશ્વાસ પણ વધ્યો. કોલેજના છેલ્લા વર્ષમાં તો એવી કમાલ કરી કે ડીસસ્ટીંગશન સાથે કેમેસ્ટ્રી વિષયમાં પ્રથમ સ્થાન પર આવ્યો.

એમ.એસ.સી. કરવા માટે ચાર જગ્યાએ અરજી કરી અને તમામ જગ્યાએ એડમિશન મળી ગયું. વિદ્યાનગરમાંથી એમ.એસ.સી. પણ ડીસસ્ટીંગશન સાથે પૂરું કર્યું. કેમ્પસ ઈન્ટરવ્યુંમાં નોકરી મળી ગઈ પરંતુ આગળ અભ્યાસ કરવાની ઈચ્છા હતી એટલે સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની પી.એચ.ડી. કરવા માટેની પ્રવેશ પરીક્ષા પાસ કરીને પી.એચ.ડી.નો અભ્યાસ શરુ કર્યો. પી.એચ.ડી.નાં અભ્યાસ દરમ્યાન જ સરકારી કંપની ઓ.એન.જી.સી.માં સારા પગારની નોકરી મળી ગઈ. નોકરીની સાથે અભ્યાસ ચાલુ રાખ્યો અને હમણા થોડા સમય પહેલા પી.એચ.ડી. પણ પૂર્ણ કર્યું ( ફોટો મુકેલો છે) 12મા ધોરણમાં નાપાસ થયેલો હાર્દિક પિતાના પ્રોત્સાહન અને પોતાની મહેનતના બળે આજે ડો.હાર્દિક સેંજાણી બની ગયો છે. મિત્રો, નાપાસ થઈએ કે નબળું પરિણામ આવે એટલે બધું પૂરું નથી થઇ જતું. હાર્દિક જેવા અસંખ્ય વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે તમને તમારી જાત પર વિશ્ર્વાસ હોય તો પ્રચંડ પુરુષાર્થ દ્વારા તમે સફળતાના શિખરો સર કરી શકો છો. વાલીઓ અને વિદ્યાર્થીઓ એક વાત ખાસ સમજે કે પડવાથી ક્યારેય પતન નથી થતું, પડ્યા રહેવાથી પતન થાય છે.