તાલાલામાં સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતી ધામધૂમથી ઉજવાઈ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.30
ગીરના પાટનગર તાલાલા શહેરમાં સંત શિરોમણી પૂ.પા.જલારામબાપાની 226 મી જન્મજયંતિ ભારે ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી. આ પ્રસંગે સવારે જલારામ મંદિરમાં રઘુવંશી સમાજનું નુતન વર્ષનું સ્નેહ મિલન યોજાયું હતું ત્યારબાદ જલારામ બાપાને અન્નકૂટ ધરી મહાઆરતી યોજાઈ હતી.આ ઉપરાંત જલારામ મંદિરેથી વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી.આ શોભાયાત્રા આતશબાજી અને ઢોલ નગારા ના તાલ સાથે નગરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ લોહાણા મહાજન વાડીએ પહોંચી હતી.જયાં બંને ટાઈમ રઘુવંશી સમાજના તમામ પરિવારોએ સમૂહ ભોજન કર્યું હતું.
- Advertisement -
તાલાલા શહેરમાં જલારામ જયંતિને વધાવવા આગલાં દિવસે વિશાળ બાઈક રેલી નીકળી હતી.જેમા રઘુવંશી સમાજના યુવાનો અને બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.આ ઉપરાંત રંગોળી સ્પર્ધા પણ યોજાઈ હતી જેમાં ઘરેઘરે રંગોળી કરી સંત શિરોમણી જલારામ બાપાના આકર્ષક ફ્લોટ્સ બનાવ્યા હતા.
લોહાણા સમાજના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા
તાલાલામાં પૂ.જલારામ બાપાની જન્મજયંતી પ્રસંગે તાલાલા શહેર તથા તાલુકામાં વસવાટ કરતા રઘુવંશી સમાજના નાનાં મોટાં વેપારી ભાઈઓએ ધંધા રોજગાર બંધ રાખી જલારામ જન્મજયંતી પ્રસંગે દિવસ દરમ્યાન યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં ઉમળકાભેર જોડાયા હતાં.



