પાણીમાં યોગ દ્વારા આરોગ્ય અને તંદુરસ્તીનો સંદેશ
આજે સાંજે ૬:૩૦થી ૭:૩૦ દરમિયાન યોજાશે વિશેષ તાલીમ સત્ર
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
૨૧ જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને સફળ અને યાદગાર બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત રેસકોર્સ સ્થિત આરએમસી સ્વિમિંગ પૂલ ખાતે એકવા યોગ માટેનું રિહર્સલ અને તાલીમ સત્ર યોજવામાં આવી રહ્યું છે. યોગ દિવસ નિમિત્તે આયોજિત થનારા એકવા યોગ કાર્યક્રમને લઈને ૧૯ જૂન (શુક્રવાર) અને ૨૦ જૂન (શનિવાર) એમ બે દિવસ સાંજે ૬:૩૦ વાગ્યાથી ૭:૩૦ વાગ્યા સુધી સ્વિમિંગ પૂલમાં પ્રાયોગિક રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે. આ રિહર્સલમાં યોગપ્રેમીઓ અને તાલીમાર્થીઓને પાણીમાં કરવામાં આવતા વિવિધ યોગાસનો તથા તેના લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. એકવા યોગ એ પરંપરાગત યોગ અને જળક્રીડાનું અનોખું સંયોજન છે, જેમાં પાણીની અંદર અથવા પાણીના સહારે વિવિધ યોગાસનો કરવામાં આવે છે. પાણીના પ્રતિકાર અને સહાયક શક્તિને કારણે શરીર પર ઓછો ભાર પડે છે તેમજ સાંધા, સ્નાયુઓ અને કરોડરજ્જુ માટે આ પ્રકારનો યોગ વધુ લાભદાયી માનવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને આયોજિત આ પહેલનો મુખ્ય હેતુ નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધારવાનો, સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો તેમજ યોગના નવા આયામોથી લોકોને પરિચિત કરવાનો છે. રેસકોર્સ સ્થિત આરએમસી સ્વિમિંગ પૂલ ખાતે યોજાઈ રહેલા આ રિહર્સલમાં ઉત્સાહભેર ભાગ લઈ રહેલા યોગપ્રેમીઓમાં યોગ દિવસને લઈને વિશેષ ઉત્સુકતા જોવા મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાની આ અનોખી પહેલ શહેરના યોગપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે અને ૨૧ જૂનના મુખ્ય કાર્યક્રમ માટેની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.




