9 દિવસમાં 5 રૂપિયાનો વધારો, અમદાવાદમાં પેટ્રોલ ₹99.07 અને ડીઝલ ₹94.99 પ્રતિ લિટર થયું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા મોંઘુ થઈને ₹99.51 પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. ડીઝલ 91 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું છે. તેના ભાવ ₹92.49 પર પહોંચી ગયા છે. અમદાવાદમાં પેટ્રોલ 99.07 અને ડીઝલ 94.99 રૂપિયા પ્રતિ લિટર થયું.
આ ઉપરાંત, દિલ્હી-એનસીઆરમાં સીએનજીની કિંમતોમાં 1 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. આ ફેરફાર બાદ દિલ્હીમાં ઈગૠ હવે 81.09 રૂપિયા પ્રતિ કિલો મળશે. છેલ્લા 10 દિવસમાં આ ત્રીજો વધારો છે. આ પહેલા સરકારે 15 મેના રોજ સીએનજીના ભાવમાં 2 રૂપિયા અને પછી 18 મેના રોજ 1 રૂપિયાનો વધારો કર્યો હતો.
ઈંધણની કિંમતોમાં 9 દિવસમાં આ ત્રીજો વધારો છે. 4 દિવસ પહેલા 19 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 90 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે, 15 મેના રોજ પણ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.
આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં થતી વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઈલના ભાવ 70 ડોલર હતા જે હવે વધીને 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે.
ક્રૂડની કિંમતો વધવાથી તેલ કંપનીઓ દબાણમાં હતી. તેથી કંપનીઓએ નુકસાન ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે. જો ક્રૂડ ઓઈલની કિંમતોમાં લાંબા સમય સુધી તેજી જળવાઈ રહેશે તો પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે.
આ પહેલા સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવા માટે સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટીમાં 10-10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. પેટ્રોલ પરની ડ્યુટી ₹13 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને ₹3 રૂપિયા, જ્યારે ડીઝલ પર ₹10 થી શૂન્ય કરી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા એક લિટર પેટ્રોલ પર કુલ 21.90 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવતી હતી.
સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ઘટ્યા પછી તે 11.90 રૂપિયા રહી ગઈ હતી. આ જ રીતે, એક લિટર ડીઝલ પર કુલ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી 17.8 રૂપિયાથી ઘટીને 7.8 રૂપિયા પર આવી ગઈ હતી.
સરકારનો આ નિર્ણય પેટ્રોલ-ડીઝલની કિંમતોને સ્થિર રાખવા માટે હતો. આ નિર્ણયને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા ન હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો અને ડોલર સામે રૂપિયાની સ્થિતિના આધારે દેશમાં ઇંધણના ભાવ નક્કી કરવામાં આવે છે. સરકારી તેલ કંપનીઓ ‘ડેઇલી પ્રાઇસ રિવિઝન’ એટલે કે ડાયનેમિક પ્રાઇસિંગ સિસ્ટમ હેઠળ દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો અપડેટ કરે છે. ગ્રાહક સુધી પહોંચતા પહેલા તેલની કિંમતોમાં અનેક પ્રકારના ટેક્સ અને ખર્ચ ઉમેરાય છે
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી મોંઘવારી વધશે
માલભાડું વધશે: ટ્રક અને ટેમ્પોનું ભાડું વધી જશે, જેના કારણે અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજી, ફળ અને રાશન મોંઘા થઈ જશે.
ખેતીનો ખર્ચ: ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડશે, જેના કારણે અનાજનો ખર્ચ વધશે.
બસ-ઓટોનું ભાડું: જાહેર પરિવહન અને સ્કૂલ બસોના ભાડામાં પણ વધારો જોવા મળી શકે છે.



