કૃમિ ઉપરાંત કેન્સર અને એઇડ્સની સારવારમાં વાવડીંગના ઉપયોગી
વાવડિંગનું એમ્બેલીન રાઇબ્સ નામનું ફાઈટો કેમિકલ બ્રેસ્ટ કેન્સર સામે અસરકારક: સંશોધનો
- Advertisement -
ત્વચા વિકાર અને ત્વચાનો રંગ સુધારવામાં જેઠીમધ સાથે તે અદભૂત પરિણામો આપે છે
આયુર્વેદથી થોડા પરિચિત એવા લોકો વાવડિંગના નામથી અજાણ ન જ હોય. ખાસ કરીને બાળકોને થતી કૃમિની વ્યાધિમાં તેનો ઉપયોગ આપણાં દેશમાં સદીઓથી થતો આવ્યો છે. વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો તે એક દ્વિદલિય વનસ્પતિ છે. તેને વારાંગ્લથી પણ કહેવામાં આવે છે. જોકે કૃમિ ઉપરાંત કેન્સર અને એઇડ્સની સારવારમાં વાવડીંગના ઉપયોગને લગતા સંશોધનોમાં તે ખાસ્સી અસરકારક પુરવાર થઈ રહી છે. તે મિર્સિનેસી કુળની એક વનસ્પતિ છે અને તેનું વૈજ્ઞાનિક નામ એમબેલિયા રાઈબ્સ (ઊળબયહશફ શિબયત) છે. મધ્ય હિમાલયથી શ્રીલંકા સુધીના ભારતના 1,500 મી.ની ઊંચાઈ સુધી પર્વતીય વિસ્તારો, સિંગાપુર અને મ્યાનમારમાં થાય છે. તે મોટું ક્ષુપ સ્વરૂપ ધરાવે છે. તેની શાખાઓ પાતળી હોય છે અને પર્ણો ભાલા જેવા આકારના, એકદમ નાના, લગભગ મગના દાણાના કદના હોય છે. તેનો રંગ કાળાશ પડતો રાતો હોય છે અને તેની એક ખાસ સુગંધ હોય છે. તેનામાં થોડું તેલ પણ હોય છે. તે એમ્બેલિન 2.5 %થી 3.1 %, ક્વિર્સિટોલ 1.0 % અને મેદીય ઘટકો 5.2 %; ક્રિસ્ટેમ્બિન, રાળ, ટેનિન અને અલ્પ જથ્થામાં બાષ્પશીલ તેલ ધરાવે છે. એમ્બેલિન (2.5 : (ડાઇહાઇડ્રોક્સિ-3 લોરિલ પી-બેન્ઝોક્વિનોન) સોનેરી પીળા રંગની સોયો સ્વરૂપે થાય છે અને પાણીમાં અદ્રાવ્ય તથા આલ્કોહોલ, ક્લોરોફોર્મ અને બેન્ઝિનમાં દ્રાવ્ય હોય છે. તે પટ્ટીકીડા સામે અસરકારક હોય છે, પરંતુ સૂત્રકૃમિ કે અંકુશકૃમિ સામે અસરકારક નથી.
આલ્કોહોલીય એમ્બેલિન રેશમ અને ઊનને રંગ આપે છે. તે ગુણધર્મોમાં અળસી અને સરસવ જેવું ઘેરા રંગનું મેદીય તેલ આપે છે. વાવડિંગ તીખાં, ઉષ્ણ, લઘુ, કડવાં, દીપન અને રુચ્ય છે. તે વાયુ, કફ, અગ્નિમાંદ્ય, અરુચિ, ભ્રાંતિ, કૃમિ, શૂળ, આધ્માન, પ્લીહોદર, અજીર્ણ, દમ, ઉધરસ, હૃદરોગ, વિષદોષ, મલાવષ્ટંભ, આમ, મેદ અને મેહનો નાશ કરે છે. તે કૃમિઘ્ન છે. તે ખાવાથી પેશાબનો રંગ લાલ થઈ જાય છે. વાવડિંગના ચૂર્ણની માત્રા નાના બાળકને એક નાની ચમચી દિવસમાં બે વખત અને મોટા માણસને મોટો ચમચો ભરી આપવામાં આવે છે. તેનો સ્વાદ ઉત્તમ અને સુગંધિત હોય છે. સુશ્રુતસંહિતામાં જણાવ્યા મુજબ વાવડિંગને જેઠીમધ સાથે આપવાથી શરીરને બળ મળે છે અને વૃદ્ધાત્વની ગતિ મંદ કરે છે. ચરકસંહિતામાં વાવડિંગને કૃમિનાશક, કોઢનાશક અને શિરોવિરેચન (નાકમાંથી પાણી નિતારનાર) તેમજ ગુલ્મ, શૂળ, ખાંસી અને શ્વાસનાશક વર્ણવવામાં આવેલ છે. વાવડિંગ પેટનાં દર્દની નાશક, પાચનશક્તિ વધારનાર, પેટમાંના કૃમિ કાઢનાર, અજીર્ણ અને ચામડીના રોગોનો નાશ કરનાર છે. પેટમાંના ચપટા કૃમિ કાઢવાને સૂકા વાવડિંગનાં ફળ વાટી નવ વરસની અંદરના બાળકને એક ચમચો અને મોટી ઉંમરના માણસને બે ચમચા માખણ અને સાકર સાથે મેળવીને આપવામાં આવે છે. તેનાથી રેચ પણ લાગે છે અને પાણીમાં મેળવી આપતાં પેટના કૃમિ નીકળી જાય છે.
- Advertisement -
વળી, હરસના દર્દમાં પણ તે આપવામાં આવે છે. તે શરીર પર થતી નાની ફોડકીઓનો નાશ કરે છે. તેનાં મૂળ અને છાલનો સ્વાદ કડવો હોય છે. તેનાં ફળ ખાંસી, શરદી અને શ્વાસના રોગમાં ઘણા અસરકારક છે. આ ફળ ઉપરની છાલ, સાબુદાણા અને માખણ સાથે મેળવી આપવાથી ઝાડાના રોગમાં અત્યંત ફાયદો થાય છે. દૂધમાં મેળવીને પીતાં કમળો મટે છે. વળી પિત્તના રોગોમાં પણ તે આપવામાં આવે છે. જો ઝાડો થતી વખતે જોર પડતું હોય અને આમ નીકળતો હોય તો લીંબુના રસ સાથે મેળવીને આપવામાં આવે છે. વાવડિંગનું મૂળ ચોખાના ધોવાણમાં ઘસી આપવાથી સર્પવિષ ઊતરી જાય છે. વાવડિંગ અને કાળા તલ સરખે ભાગે લઈ સૂંઘવાથી છીંકો આવી આધાશીશી મટે છે. કમળામાં વાવડિંગ અને લીંડીપીપર બંનેને પાણીમાં વાટી નશ્ય અને અંજનમાં ઉપયોગ કરવામાં આવે છે.