મેયર પદે ડો. નેહલ શુક્લ અને ડેપ્યુટી મેયર પદે દક્ષાબેન વસાણી સહિતની નવી ટીમને અભિનંદન પાઠવ્યા
નવનિયુક્ત પદાધિકારીઓના સેવાભાવી નેતૃત્વ હેઠળ રાજકોટ શહેર વિકાસના નવા શિખરો સર કરશે તેવી આશા વ્યક્ત કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ તરીકે મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેનભાઈ ખીમાણિયા તથા દંડક સંજયસિંહ રાણાની વરણી થવા બદલ તમામ નવનિયુક્ત પદાધિકારીઓને રાજકોટના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા પંચાયતી રાજના અધ્યક્ષ ઉદય કાનગડએ હાર્દિક શુભેચ્છાઓ તથા અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશાં વિકાસલક્ષી રાજકારણ અને જનકેન્દ્રિત સુશાસન માટે પ્રતિબદ્ધ રહી છે. રાજકોટ શહેર ભાજપ શાસિત મહાનગરપાલિકાના નેતૃત્વ હેઠળ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રોડ-રસ્તા, ફ્લાયઓવર, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા અભિયાન, ગાર્ડન વિકાસ, રમતગમત અને આધુનિક નગરસુવિધાઓ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને શહેરના આ સર્વાંગી વિકાસમાં મહાનગરપાલિકાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવનિયુક્ત પદાધિકારીઓના અનુભવી, યુવાન અને સેવાભાવી નેતૃત્વ હેઠળ રાજકોટ શહેર હવે વિકાસની નવતર દિશામાં આગળ વધશે. આ નવી ટીમ દ્વારા શહેરને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને સુવિધાસભર બનાવવા માટે એક નવી ઉર્જા સાથે કામગીરી કરવામાં આવશે. જનઆકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે આખી ટીમ ભાવના સાથે કાર્ય કરી રાજકોટને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવામાં સફળતા મેળવશે તેવી ઉજ્જવળ આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે વિકાસયાત્રા અવિરત રહેશે
- Advertisement -
ધારાસભ્ય ઉદય કાનગડએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ના મૂળ મંત્રને સાકાર કરવા માટે ભાજપના તમામ જનપ્રતિનિધિઓ સતત જનસેવામાં કાર્યરત છે અને તેના કારણે જ રાજકોટ શહેરમાં વિકાસયાત્રા અવિરત આગળ વધી રહી છે. ભાજપના નાનામાં નાના કાર્યકર્તાથી લઈને ઉચ્ચ પદાધિકારીઓ સુધી સૌ કોઈ સેવા એ જ સંગઠન ના પવિત્ર ભાવ સાથે સામાન્ય માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે હંમેશાં કાર્યરત રહે છે. રાજકોટ શહેર આજે વિકાસ, સુશાસન અને જનવિશ્વાસનું સમગ્ર રાજ્યમાં એક મજબૂત મોડેલ બની રહ્યું છે. અંતમાં ધારાસભ્ય ઉદય કાનગડએ તમામ નવનિયુક્ત પદાધિકારીઓને તેમના આગામી સફળ કાર્યકાળ માટે અંત:કરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજકોટ શહેર જનસહયોગ તેમજ સુશાસન દ્વારા વધુ પ્રગતિ કરે તેવી મંગલ કામના વ્યક્ત કરી હતી.



