એક ડમ્ફર, 6 ટ્રેક્ટર સહિત કુલ 55 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરીથી સક્રિય થયેલા ખનિજ માફિયાઓને અટકાવવા હવે ખાણ ખનિજ વિભાગ પણ મેદાને આવ્યું છે. જેમાં ગત 12 જુલાઈના રોજ “ખાસ-ખબર”દ્વારા પ્રસિધ્ધ કરેલ અહેવાલને ધ્યાને લઈ સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગ દ્વારા સાયલાના ચોરવીરા ગામે સીમ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન પર મંગળવારે બપોરના સમયે દરોડો કર્યો હતો. સુરેન્દ્રનગર ખનિજ વિભાગના ઈનચાર્જ ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વાઢેર અને તેઓની ટીમ દ્વારા ચોક્કસ હકીકત મેળવી સાયલા તાલુકાના ચોરવીરા ગામે સીમ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર કોલસાની 9 ખાણો પર દરોડો કરી 18 સિંઘ અને કેસિંગ, 6 ટ્રેક્ટર, 4 બકેટ તથા કોલસો ભરીને વાહન કરતા એક ડમ્ફર સહિત કુલ 55 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગેરકાયદેસર કોલસાના ખનનમાં સંડોવાયેલ ખનિજ માફીયાઓ સામે ખાણ ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરી છે.



