ઘર કંકાસના કારણે પરિણીતાએ બે સંતાનોને સાથે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ
જામકંડોરણા પોલીસે મૃતદેહો પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સનાળા ગામમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. ઘર કંકાસના કારણે માતાએ બે સંતાનો સાથે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. મૃતકો દાહોદના હોવાનું સામે આવ્યું છે અને મજુરી કામ અર્થે સનાળા આવ્યા હતા. બનાવની જાણ થતાં જામકંડોરમા પોલીસ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, દાહોદના ધાનપુરના કાટુ ગામનો પરિવાર મજુરીકામ અર્થે જામકંડોરાણાના સનાળા ગામમાં આવ્યો હતો. પરિવાર વાડી વિસ્તારમાં મજુરી કામ કરતો હતો. મજુરી કામમાંથી પરિવારના સભ્ય ઘરે પરત આવ્યા ત્યારે ઘરનો દરવાજો કોઇએ ખોલ્યો ન હતો. જેથી આસપાસ રહેતા અન્ય મજુરોને બોલાવીને ઘરનો દરવાજો તોડવામાં આવ્યો હતો. દરવાજો તોડીને અંદર જોતા માતા અને બે સંતાનોના મૃતદેહ મળી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગતો અનુસાર, ઘર કંકાસના કારણે સીનાબેન ઇશ્વરભાઈએ દીકરી કાજલ અને દીકરા આયુષને પહેલા ઝેરી દવા પીવડાવી હતી અને બાદમાં પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં જામકંડોરાણા પોલીસ પહોંચી હતી અને ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.