ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.16
મોરબી-હળવદ હાઇવે પર આવેલ ઘુટુ ગામની રામકો સોસાયટીમાં રહેતા 800 જેટલા લોકો માટે રોજિંદું જીવન મુશ્કેલ બન્યું છે. 2009માં પ્લોટિંગ અને 2010માં બાંધકામ થયેલ હોવા છતાં આજે પણ સોસાયટીમાં લાઈટ, પાણી, રોડ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે.
80 વીઘા વિસ્તારમાં આવેલી આ સોસાયટીના રહીશો લક્ષ્મીબેન, કિલાબેન અને કંતાબેન સહિતના લોકોએ જણાવ્યું કે તેઓએ અનેક વખત ગ્રામ પંચાયતથી માંડીને ધારાસભ્ય સુધી રજૂઆતો કરી છે, પરંતુ અધિકારીઓ ફક્ત ખાતરી આપે છે, કોઈ હકીકતરૂપ કામગીરી થતી નથી. સ્થાનિક આગેવાન હિતુભા રાઠોડ અને ગેલાભાઈ ટોળીયાના જણાવ્યા મુજબ, બિલ્ડરોએ પ્લોટ વેચ્યા બાદ જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે. ઘૂટું ગામના તલાટી મંત્રી ભાવેશભાઈ કસૂન્દ્રાએ જણાવ્યું કે, બિનખેતી જમીન પર થયેલા બાંધકામમાં સુવિધાઓ પૂરું પાડવાની જવાબદારી બિલ્ડરની છે. રોડ અને કોમન પ્લોટ પંચાયતને સોંપાયા પછી જ પંચાયત કાર્યવાહી કરી શકે. પરંતુ 15 વર્ષ પછી પણ આ જવાબદારી પંચાયતને સોંપાઈ નથી. વિકસિત ભારતના દાવાઓ વચ્ચે આ સોસાયટીના રહીશો હજુ સુધી પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે.



