પુત્રની પીડાથી શરૂ થયું મિશન : 22 વર્ષ પહેલા અપુલભાઇ જોષીએ એક ફાઉન્ડેશનની સ્થાપના કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ટાઈપ-1 ડાયાબિટીસથી પીડાતા પોતાના ચાર વર્ષના દીકરાનું દુ:ખ જોતા રાજકોટના અપુલ જોષીનું હૃદય હચમચી ગયું. આજે એ જ પીડા સેવા બની ગઈ છે. જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 22 વર્ષમાં 2 હજારથી વધુ બાળકોને સહાય અને આશાનો આધાર મળ્યો છે.
અપુલ જોષીએ શરૂ કરેલી યાત્રા આજે હજારો બાળકો માટે આશાનું કિરણ બની છે. ડાયાબિટીસ શબ્દ સાંભળતા જ મોટા વયના લોકોનું નામ મનમાં આવે છ ે, પરંતુ ટાઈપ-1 ડાયાબિટીસ એવી બીમારી છે જે નાના બાળકોને પણ અસર કરે છે. જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અપુલ જોષી જણાવે છે કે આ સંસ્થા છેલ્લા 22 વર્ષથી કાર્યરત છે. સૌરાષ્ટ્ર-રાજકોટમાં લગભગ 2,250 બાળકો છે જે ડાયાબિટીસથી પીડિત છે. આ તમામ બાળકોનું આ સંસ્થામાં નિ:શુલ્ક રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. અપુલભાઈએ જણાવ્યું કે સંસ્થામાં સૌથી નાનું બાળક 8 મહિનાનું છે જે ડાયાબિટીસથી પીડિત છે.
આ ફાઉન્ડેશન દાતાઓની મદદથી બાળકોને દિવસમાં 3 થી 4 વાર ઇન્સ્યુલિન આપે છે. 3-4 વખત બ્લડ ચેક કરવામાં આવે છે. એટલે કે, બાળકોને 8 થી 10 વખત સોય ખાવી પડે છે. આપણે જ્યારે આપણા બાળકોને સામાન્ય વેક્સિન આપવી હોય ત્યારે પણ તેમને અગાઉથી તૈયાર કરીએ છીએ અને વેક્સિન આપ્યા બાદ બાળક એક અઠવાડિયા સુધી ફરિયાદ કરે છે કે મને દુખે છે, મને દુખે છે. ત્યારે વિચાર કરો કે જ્યારે આ નાના કુમળા બાળકોને દિવસમાં 8-10 વખત સોય ખાવી પડે તો તેમના અને તેમના પરિવાર પર શું વિતતું હશે. અપુલ જોષી કહે છે કે આ રોગ ખૂબ જ ખર્ચાળ છે અને જો સુગર લેવલ વધારે રહે તો બાળકની આંખ અને કિડનીને પણ અસર કરી શકે છે. આ સંસ્થા દ્વારા સમયાંતરે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર્દીઓને પોતાના સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખવી તે અંગે માહિતી આપવામાં આવે છે.
- Advertisement -
આ સાથે જ દરેક બાળકના આંખના, કિડનીના અને દાંતના રિપોર્ટ કરાવવામાં આવે છે. આ ઉપરાંત, જરૂરિયાતમંદ 800થી વધુ બાળકોને મફતમાં સારવાર આપવામાં આવી રહી છે. 14 નવેમ્બર એટલે વર્લ્ડ ડાયાબિટીસ ડે. આ વિશે અપુલ જોષીએ કહ્યું કે આપણું ભારત આજે ડાયાબિટીસનું પાટનગર બની રહ્યું છે. તેથી આપણે સૌને જાગૃતિ લાવવાની અને હેલ્થ કોન્સિયસ થવાની જરૂર છે. આપણી ફૂડ હેબિટ અને ફિઝિકલ એક્ટિવિટી ન થતી હોવાના કારણે ડાયાબિટીસના કેસો વધી રહ્યાં છે.
અપુલભાઈનું માનવું છે કે જાગૃતિ અને નિયમિત ચેકઅપ દ્વારા આ રોગને કાબૂમાં રાખી શકાય છે. ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ એ જ છે કે કોઈપણ બાળક માત્ર આર્થિક અછતને કારણે ઇન્સ્યુલિન અથવા સારવારથી વંચિત ન રહે.
16 નવેમ્બરે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં અવેરનેસ કાર્યક્રમ
જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા 16 નવેમ્બરને રવિવારે સવારે 10:30 કલાકે રૈયા રોડ આલાપ ગ્રીન સિટીની સામે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે એજ્યુકેશન અને અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં અપૂર્વ મુની સ્વામી વિશેષ ઉપસ્થિત રહી ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકોને આર્શીવચન પાઠવશે.



