જૂનાગઢ ભાજપની જૂથબંધી ચરમસીમાએ
મ્યુ.કમિશનરને લેખિતમાં આપ્યું રાજીનામુ: સ્થાનિક લોકો મારુ રાજકારણ ખતમ કરવાનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકામાં જૂથબંધી ચરમસીમા હોય તેમ હવે ધીરે ધીરે બહાર આવી રહ્યું છે મનપામાં ચૂંટાયેલ ભાજપના સભ્યોના અંદરો અંદરના ડખા વધી રહ્યા છે એવા સમયે ભવનાથ વિસ્તારના વોર્ડ – 9ના કોર્પોરેટર અભાભાઇ કટારા એ પોતાનું રાજીનામુ મ્યું.કમિશ્નરને આપ્યું છે છેલ્લી ત્રણ ટર્મ થી ચૂંટાતા એભાભાઇ કટારા એ લેખિતમાં પત્ર લખીને સ્થાનિક કોર્પોરેટર અને યાત્રાળુ સમિતિના ચેરમેન પદેથી રાજીનામુ અપાતા જૂનાગઢ ભાજપ હડકંપ મચી ગયો છે.
જૂનાગઢ મહાનગર પાલિકાના ગીરનાર દરવાજા વિસ્તાર અને ભવનાથ તળેટી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી માંથી છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટાય આવે છે ત્યારે અચાનક રાજીનામુ આપતા એભાભાઇ કટારાએ કમિશનરને લેખિતમાં જણાવ્યું હતું કે અમો જૂનાગઢ મહાનગર વોર્ડ નંબર 9ના વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર તેમજ યાત્રાળુ સમિતિના ચેરમેન તરીકે નિષ્ઠા પૂર્વક કામગીરી કરી રહ્યા હતા પરંતુ હાલ અમો સ્થાનિક કોર્પોરેટર અને યાત્રાળુ સમિતિના ચેરમેન પદેથી રાજીનામુ આપવા ઇચ્છતા હોય જેથી અમારૂ રાજીનામુ મંજુર કરવા આપ સાહેબને નમ્ર વિનંતી કરી હતી.
વોર્ડ – 9 ના કોર્પોરેટર એભાભાઈ કટારા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મારા મોટાભાઈ કરમણભાઈ કટારાને ભાજપે ડે.મેયર પણ બનાવ્યા હતા અને 7 ટર્મથી અમારા પરિવારના સભ્યો આ વિસ્તારમાંથી ચૂંટાય આવ્યા છે જેમાં મારા મોટાભાઈની હત્યા પણ થઈ હતી તેમ જણાવ્યું હતું વધુમાં રાજીનામાં બાબતે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એ અમારા પરિવારને ખુબ આપ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમારા માટે ભગવાન સમાન છે રાજીનામુ આપવા પાછળનું કારણ અમને બદનામ કરીને ગમેતેમ હેરાન પરેશાન કરવામાં આવે છે અને અમારું રાજકારણ ખતમ કરવા માંગે છે જેમાં અમુક લોકોના ત્રાસથી હું સ્વૈચ્છિક રાજીનામુ આપું છું.
- Advertisement -
ભાજપના ચૂંટાયેલ સભ્યના અંદરો અંદરના ડખામાં રાજીનામું
જૂનાગઢ વોર્ડ નંબર – 9 ના એભાભાઇ કટારા અને તેજ વોર્ડના ચૂંટાયેલ આરતીબેન જોશીના બંને પરિવારના પુત્રોની ઘણા સમયથી માથાકૂટ ચાલી આવેછે અને સામસામી ફરિયાદ પણ ભવનાથ પોલીસ સ્ટેશનમાં થઇ છે ત્યારે એવા સમયે એભા કટારાએ મનપા સભ્ય પદેથી રાજીનામુ આપતા જૂનાગઢ મહાનગરના ભાજપ રાજકારણમાં ગરમાવો આવ્યો છે હવે પ્રદેશ કક્ષા શું નિર્ણય લેછે તે જોવાનું રહ્યું હાલતો ભાજપની જૂથબંધી ચરમસીમા એ જોવા મળી રહી છે.