બપોરે 12 થી 4 દરમિયાન શ્રમિકો સાઇટ પર કામ ન કરે તેવા આદેશ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
- Advertisement -
સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી આકરી ગરમી પડી રહી છે. ત્યારે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાંત અધિકારી સાથે હીટવેવ સંદર્ભે જરૂરી સમીક્ષા કરી હતી જેમાં ખાસ કરીને જિલ્લામાં આવતા પ્રવાસીઓનુ આરોગ્ય ન જોખમાય તે માટે પ્રવાસન સ્થળોના ટિકિટ કાઉન્ટર સહિતના સ્થળોએ હીટવેવથી બચવા માટેની માર્ગદર્શિકા લગાવવા ઉપરાંત પીવાના પાણી, ઓઆરએસ સહિતની જરૂરી વ્યવસ્થાઓ રાખવા માટે સૂચના આપી હતી.
જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. આ સંજોગોમાં કલેકટરે નાગરિકોને અપીલ કરી હતી, ખાસ કરીને વોકિંગ કરવા જતા લોકોને સૂર્યોદય પહેલા અને સૂર્યોદય પછી જ વોકિંગ કરવું અને વોકિંગનું અંતર ઘટાડવા માટે અનુરોધ કર્યો હતો. ઉપરાંત બપોરના 12 વાગ્યા થી 4 વાગ્યા દરમિયાન શ્રમિકો સાઇટ પર કામ ન કરે એ સુનિશ્ચિત કરવા પણ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. તેમજ ખેડૂતોને, મનરેગા શ્રમિકોને બપોરના સમયે કામગીરી બંધ રાખવા માટે સૂચના આપી હતી આ ઉપરાંત હાલ શાળાઓમાં વેકેશન હોય પ્રવાસન સ્થળો, બસ ડેપો જ્યાં લોકોની વધુ અવરજવર રહેતી હોય ત્યાં પાણી, શેડ, ઓઆરએસ, મેડિકલ કીટની સુવિધા ઉપલબ્ધ રાખવા પણ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. આ સાથે આરોગ્ય તંત્રને રાત્રિના સમયે પણ સતર્ક રહેવા માટે નિર્દેશ આપ્યા હતા.