69 દિવસના વહીવટી શાસનનો અંત: રાજકોટ જિલ્લા પંચાયતને મળ્યા નવા સુકાની
જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા બાદ નવા પદાધિકારીઓની નિમણૂંક
- Advertisement -
કારોબારી ચેરમેન તરીકે પેઢલા બેઠકના નરશીભાઈ સોજીત્રા, પક્ષના નેતા તરીકે પારુલબેન કણસાગરા નિમાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રની સૌથી મહત્વની ગણાતી રાજકોટ જિલ્લા પંચાયતમાં 69 દિવસના વહીવટી શાસન (એડમિનિસ્ટ્રેટર શાસન) નો અંત આવ્યો છે અને ફરી એકવાર ચૂંટાયેલી પાંખનું શાસન શરૂ થયું છે. કુલ 36 બેઠકોમાંથી 34 બેઠકો સાથે પ્રચંડ બહુમતી ધરાવતા ભારતીય જનતા પક્ષે (ઇઉંઙ) જિલ્લા પંચાયતના સુકાનીઓની ચૂંટણીમાં અપેક્ષિત જીત મેળવી સત્તાનું સુકાન સંભાળી લીધું છે.
જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં યોજાયેલી આ સત્તાવાર ચૂંટણી પ્રક્રિયા બાદ નવા પદાધિકારીઓની વરણીની જાહેરાત કરવામાં આવી હતી.
પ્રમુખ પદ માટે ગઈકાલે ભાજપના ઉમેદવાર તરીકે સંજયભાઈ પીપળિયાએ ફોર્મ ભર્યું હતું. જેની સામે આમ આદમી પાર્ટીના મોવિયા બેઠકના સભ્ય ભારતીબેન જેતાણીએ પણ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે ચૂંટણી પ્રક્રિયાના અંતે ભાજપના સંજયભાઈ પીપળિયા વિજેતા જાહેર થયા હતા. બીજી તરફ, ઉપપ્રમુખ પદ માટે માત્ર સામતભાઈ બાંભવાએ જ ઉમેદવારી પત્ર ભર્યું હોવાથી, વિરોધ પક્ષ તરફથી કોઈ ઉમેદવાર ન હોવાના કારણે તેઓ બિનહરીફ ચૂંટાયા હતા.
પક્ષ દ્વારા આ વરણીઓમાં જ્ઞાતિ અને પ્રદેશના સંતુલનને જાળવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે. અગાઉના પાંચ વર્ષ દરમિયાન ભૂપતભાઈ બોદર અને પ્રવિણાબેન રંગાણી પ્રમુખ પદે રહ્યા બાદ, આ સતત ત્રીજી વખત રાજકોટ તાલુકાને જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ મળ્યું છે. કુવાડવા બેઠક પરથી ચૂંટાયેલા સંજયભાઈ પીપળિયા ચુવાળિયા કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.ગોંડલના કોલીથડ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા માલધારી સમાજના સામતભાઈ બાંભવાને ઉપપ્રમુખ પદ સોંપાયું છે. આ સાથે ગોંડલ તાલુકાને સતત બીજી વખત ઉપપ્રમુખ પદ મળ્યું છે. જેતપુર તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને વર્તમાન ઉપપ્રમુખ નરશીભાઈ સોજીત્રા (જેઓ પેઢલા બેઠક પરથી ચૂંટાયા છે) ને પંચાયતની સૌથી પાવરફુલ ગણાતી કારોબારી સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે, જેનાથી લેઉવા પટેલ સમાજને મોટું પ્રતિનિધિત્વ મળ્યું છે.
નવા પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. આજે વરણીના પ્રસંગે જિલ્લા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ટેકેદારો અને પક્ષના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને નવા શાસકોને વધાવી લીધા હતા.
હવે પછી પંચાયતની વિવિધ વિષય સમિતિઓની રચના કરવા માટે ટૂંક સમયમાં પ્રમુખ દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવશે. આ સામાન્ય સભામાં સમિતિઓના સભ્યો નક્કી થયા બાદ, જે તે સમિતિની વ્યક્તિગત બેઠકોમાં તેના અધ્યક્ષોની (ચેરમેન) સત્તાવાર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
- Advertisement -
રૂપિયા ઉડાડી હોદ્દેદારોને વધાવતા સમર્થકો
નવા હોદ્દેદારોના નામોની જાહેરાત થતાં જ રાજકોટ જિલ્લા પંચાયત પરિસરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પંચાયત કચેરી ખાતે એકત્રિત થયેલા ભાજપના કાર્યકરો અને સમર્થકોએ ઢોલ-નગારાના નાદ સાથે વિજેતા હોદ્દેદારોને વધાવી લીધા હતા. જો કે, આ ઉજવણી દરમિયાન પંચાયત પરિસરમાં જ ઉત્સાહમાં આવી ગયેલા સમર્થકો દ્વારા જાહેરમાં રૂપિયા ઉડાડ્યા હતા.



