રાજકોટને અન્યાય : લોકલ ટ્રેનના અભાવે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, મહિલાઓ અને શ્રમિકો સૌથી વધુ પરેશાન
રાજકોટથી અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેક અને ઇલેક્ટ્રિફિકેશન બાદ પણ પ્રજાને રાહત નહીં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતના સૌથી ઝડપી વિકાસ પામતા શહેરોમાં સ્થાન મેળવનાર રાજકોટ આજે પણ રેલવેની મૂળભૂત લોકલ ટ્રેન સુવિધાથી વંચિત રહેતા પ્રજામાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા છ વર્ષથી રાજકોટથી વાંકાનેર, થાનગઢ અને સુરેન્દ્રનગર વચ્ચે દૈનિક અપડાઉન કરતા હજારો મુસાફરો લોકલ ડેમુ અથવા મેમુ ટ્રેનની માંગ ઉઠાવી રહ્યા છે, છતાં આજદિન સુધી કોઈ સુવિધા શરૂ કરવામાં આવી નથી. હવે પ્રજાએ રાજકોટ-અમદાવાદ રૂટ પર અત્યાધુનિક ‘નમો ભારત’ અથવા ‘અમૃત ભારત’ ટ્રેન શરૂ કરવાની પણ માંગ ઉઠાવી છે. રાજકોટથી અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેક અને ઇલેક્ટ્રિફિકેશનનું કામ વર્ષો પહેલા પૂર્ણ થઈ ચૂક્યું છે. છતાં રોજબરોજ મુસાફરી કરતા લોકો માટે લોકલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી નથી. ખાનગી વાહન અથવા બસ દ્વારા મુસાફરીનો ખર્ચ આશરે રૂ.10 પ્રતિ કિલોમીટર સુધી પહોંચે છે, જ્યારે ઇલેક્ટ્રિક ટ્રેનમાં આ ખર્ચ 35 પૈસા પ્રતિ કિલોમીટરથી પણ ઓછો હોવાનું જણાવાઈ રહ્યું છે. આથી મધ્યમવર્ગ, શ્રમિકો અને વિદ્યાર્થીઓ માટે ટ્રેન સૌથી સસ્તું અને સુરક્ષિત પરિવહન માધ્યમ બની શકે તેમ છે. રાજકોટથી વાંકાનેર, થાનગઢ અને સુરેન્દ્રનગર વચ્ચેનો રોડ માર્ગ ભારે ટ્રાફિક અને અકસ્માતો માટે ઓળખાય છે. રોજિંદા અકસ્માતોમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થાય છે, જેના કારણે સરકારની આરોગ્ય યોજનાઓ પર પણ વધારાનો ભાર પડે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે જો નિયમિત લોકલ ટ્રેન શરૂ કરવામાં આવે તો રોડ પર વાહનોનું પ્રમાણ ઘટશે, ઇંધણની બચત થશે, પ્રદૂષણ ઓછું થશે અને અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થશે. વાંકાનેર અને થાનગઢનો સિરામિક ઉદ્યોગ સમગ્ર દેશમાં ઓળખાય છે. અહીં કામ કરતા હજારો શ્રમિકો દરરોજ રાજકોટ સહિતના વિસ્તારોમાંથી અપડાઉન કરે છે. મહિલાઓ, વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને વૃદ્ધોને હાલ ખાનગી વાહન કે અનિયમિત બસ સેવા પર નિર્ભર રહેવું પડે છે. મુસાફરોનું કહેવું છે કે નિયમિત ડેમુ/મેમુ ટ્રેન શરૂ થાય તો હજારો પરિવારોને સીધી રાહત મળશે.
સ્થાનિક પ્રજાએ વિસ્તારના ધારાસભ્યો, સાંસદો અને રાજ્યસભાના સભ્યો સામે પણ સવાલ ઉઠાવ્યા છે. છેલ્લા છ વર્ષથી પ્રજા મુશ્કેલી ભોગવી રહી છે, ત્યારે શું એક લોકલ ટ્રેન પણ રાજકોટને અપાવી શકાતી નથી? એવો સવાલ હવે જાહેર મંચો પર ગુંજી રહ્યો છે. પ્રજાની માંગ છે કે રાજકોટ-વાંકાનેર-થાનગઢ-સુરેન્દ્રનગર રૂટ પર તાત્કાલિક ડેમુ/મેમુ લોકલ ટ્રેન શરૂ કરવામાં આવે તેમજ રાજકોટ-અમદાવાદ વચ્ચે ઝડપી અને આધુનિક ‘નમો ભારત’ ટ્રેન સેવા શરૂ કરીને સૌરાષ્ટ્રને રેલવે ક્ષેત્રે યોગ્ય ન્યાય અપાય.
દૈનિક અપડાઉન કરતા 25 હજારથી વધુ મુસાફરો પ્રભાવિત
- Advertisement -
આ માંગ માત્ર રાજકોટ પૂરતી મર્યાદિત નથી. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર એમ ત્રણ જિલ્લાઓના લાખો લોકો આ રૂટ સાથે જોડાયેલા છે. રાજકોટ, મોરબી, વાંકાનેર, થાનગઢ, વઢવાણ, મૂળી અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં 350થી વધુ ગામડાઓના લોકો માટે આ રૂટ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અંદાજે 25 હજારથી વધુ લોકો દરરોજ અપડાઉન કરે છે, જ્યારે કુલ લાભાર્થી મુસાફરોની સંખ્યા 7 લાખથી વધુ હોવાનું જણાવાયું છે.
અમદાવાદ-વડોદરા માટે ડઝનો ટ્રેનો, રાજકોટ માટે એકપણ કેમ નહીં?
સ્થાનિકોમાં સૌથી મોટો સવાલ એ છે કે અમદાવાદથી વડોદરા વચ્ચે માત્ર 110 કિમીના અંતરે દૈનિક 19થી વધુ લોકલ ટ્રેનો દોડે છે, જ્યારે અમદાવાદથી સુરત વચ્ચે 28 લોકલ ટ્રેનો ચાલે છે. તેની સામે રાજકોટથી સુરેન્દ્રનગર વચ્ચે 116 કિમીનું અંતર હોવા છતાં એકપણ દૈનિક લોકલ ટ્રેન ઉપલબ્ધ નથી. આંકડા મુજબ અમદાવાદ-વડોદરા રૂટ પર કુલ 1પ2 ટ્રેનો, જ્યારે અમદાવાદ-સુરત રૂટ પર 117 ટ્રેનો દોડે છે. તેની સામે રાજકોટ-સુરેન્દ્રનગર રૂટ પર કુલ 46 ટ્રેનો હોવા છતાં એકપણ લોકલ ટ્રેન નથી. આ પરિસ્થિતિને લઈને લોકો રાજકોટ સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
ટ્રેન ચૂકી જાય તો આખો દિવસ મુશ્કેલી
હાલ રાજકોટથી સુરેન્દ્રનગર જવા માટે સવારે 6 વાગ્યે જામનગર-સુરત ઇન્ટરસિટી (ટ્રેન નં. 22960) મુખ્ય વિકલ્પ માનવામાં આવે છે. જો મુસાફરો આ ટ્રેન ચૂકી જાય તો દિવસ દરમિયાન અન્ય કોઈ અનુકૂળ ટ્રેન ઉપલબ્ધ નથી. વધુમાં, બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને કારણે આ ટ્રેન પણ મહિનામાં અનેક દિવસો રદ થતી હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે. કોરોના કાળ દરમિયાન બંધ કરાયેલી ઓખા-વીરમગામ ટ્રેન હજુ સુધી ફરી શરૂ ન થતાં લોકોમાં રોષ વધુ વધી રહ્યો છે.
2711 કરોડની આવક છતાં એક લોકલ ટ્રેન નહીં?
રાજકોટ રેલવે ડિવિઝને વર્ષ 2025 દરમિયાન આશરે રૂ.2711 કરોડની રેકોર્ડ આવક નોંધાઇ છે. ગુડ્સ ટ્રેન દ્વારા માલવહનમાં છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. મુસાફરો માટે મૂળભૂત લોકલ ટ્રેન સેવા શરૂ ન થતી હોવાના પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે જ્યારે રાજકોટ રેલવે માટે કમાઉ દિકરો સાબિત થઈ રહ્યું છે, ત્યારે પ્રજાને લોકલ ટ્રેન જેવી જરૂરી સુવિધાથી વંચિત કેમ રાખવામાં આવે છે?



