નિતાંતરીત: નીતા દવે
જ્યાં બંધન ન હોય ને એ સંબંધ સાચો..! આપણે ઘણી જગ્યાએ આવા શબ્દો સાંભળવા મળતા હોય છે. જ્યાં પરસ્પર સ્વતંત્રતા હોય મુક્તતા હોય અને સ્વેચ્છીક વ્યવહાર હોયઆ સંબંધોનું સૌંદર્ય છે.આવું આપણે બધા ક્યાંક ને ક્યાંક માનીએ છીએ અને સ્વીકારિયે પણ છીએ. પરંતુ જીવી શકતા નથી. શું કારણ હોઈ શકે? આવી દ્વિરંગી મનોદશાનું..? આપણે દરેક સંબંધોને પોત પોતાની મન મરજીથી જીવવા ઈચ્છીએ છીએ.. પછી એ હજુ માત્ર સમજણના પગથિયે ઉભેલું નાનું બાળક હોય કે જીવનની લાંબી સફરના યાત્રા થી અનુભવ નું ભાથું મેળવનાર ઘરના વયોવૃદ્ધ વડીલ હોય..! દરેક વ્યક્તિની સંબંધો પ્રત્યેની મુલવણી અલગ હોય છે. કારણ કે દરેક વ્યક્તિની વેદના સંવેદના અને પ્રકૃતિ પણ અલગ હોય છે.
- Advertisement -
વ્યક્તિ એકલી ત્યાં સુધીએ સ્વકેન્દ્રી હોય છે. જ્યારે બીજી વ્યક્તિને પોતાના જીવનમાં સ્થાન આપે ત્યારે બંને વચ્ચે એક સંબંધ રચાય છે. પરસ્પર રીતે લાગણીથી જોડાયેલી બે વ્યક્તિ માંથી બંને પોતપોતાની દુનિયામાં સ્વતંત્રતા ઈચ્છે છે.પરંતુ સામેના પાત્રને સ્વતંત્રતા આપી શકતા નથી.આ બાબત દરેક વ્યક્તિએ જીવનમાં ક્યારેક ને ક્યારેક અથવા એમ કહી શકાય કે વારંવાર અંગત સંબંધોમાં અનુભવી હશે.ક્યારેક ખુશી તો ક્યારેક આ કારણ થી જ અકડામણ પણ અનુભવી હશે.આ સત્યને આપણે બધા જાણીએ છીએ છતાં સ્વીકારી શકતા નથી.તેનું કારણ શું..? આવો પ્રશ્ર્ન સહજ ભાવે આપણા દરેકના મનમાં ઉદ્ભભવતો હોય છે.
દરેક લાગણીને પોતાની એક પઝેસીવનેશ હોય છે, પોતાનાં સબંધ સાથે એક માલિકીપણાનો ભાવ હોય છે.જેવી રીતે નાનું બાળક પોતાનું ગમતિલું રમકડું કોઈની સાથે વેહચતું નથી એવી જ મનોદશા આપણે પરિપક્વ થયા પછી પણ સંબંધોમાં કેળવી લેતા હોઈએ છીએ. અહીંયા આ વાત માત્ર પ્રેમી પ્રેમિકા, પતિ પત્ની, પુરતી સીમિત રહેતી નથી. દરેક સંબંધને આ ભાવ સાથે આપણે વર્ણવી શકીએ.શું એવું કહી શકાય કે આ પઝેસીવનેશ કે માલિકીપણું એ સંબંધો માટે પગની બેડી સમાન કે બંધન રૂપ છે..? લાગણીમાં પઝેસિવનેશ ન હોવી જોઈએકે હોવી જોઈએ..?
સંવેદનામાં માલિકીપણું આ શબ્દ પ્રયોગ થોડો અમાનવીય અર્થ ધરાવતો હોય એવું પ્રતિત થાય છે. આથી સૌ પ્રથમ તો બંધન કોને કહી શકાય એ સ્પષ્ટ થવું અગત્યનું છે. સબંધમાં બંધનની પરિભાષા શું આંકી શકાય..? સંતાનને ઘરે આવતા રાત પડી જાય ત્યારે માતા પિતા કોલ કરીને ખીજાય, જવાબદારીનું ભાન અપાવેપતિ બહાર હોય અને દિવસ આખાનું ઓફિશિયલ શેડ્યુલ એકદમ વ્યસ્ત હોય આ સમય દરમિયાન પત્નીનું તેમને જમવા માટેનો હઠપૂર્વકનો આગ્રહ કરવોકોલેજમાં સાથે ભણતા મિત્રનું પોતાના બીજા મિત્રને ખોટી આદતોથી દૂર રાખવા માટે ઝઘડવું એક શિક્ષકનું વિદ્યાર્થીને અભ્યાસમાં આગળ વધવા માટે સતત ટોકવું!!! શું આને આપણે સંબંધોનું બંધન એવું નામ આપી શકીશું..? નહીં, આ પરસ્પર જીવાતી લાગણીઓની ઉષ્મા છે. જે બંને પાત્રોને એકમેક સાથે જોડી રાખવા ફેવિકોલ જેવું મજબૂત કામ કરતી હોય છે.એ કાળજી છે.. પરસ્પર સંવેદનાથી જોડાયેલા સંબંધોને સંભાળીને રાખવા માટેની, એ ચિંતા છે..
પોતાના અંગત કે સ્વજનના ભવિષ્ય માટેની..!ખરા અર્થમાં જોઈએ તો સંબંધમાં બંધન આ ખ્યાલ જ ભૂલ ભરેલો છે. કારણકે બંધનમાં પ્રાણીઓને રાખી શકાય માણસોને નહીં. પોપટને પાંજરામાં પુરી અને સીતારામ બોલતા શીખી શકાય પણ અંગત સ્વજન પાસે આપણી ભાષા નાં અને આપણી ભાવનાઓના શબ્દો બોલાવી શકાય નહિ.સંબંધોનું સૌંદર્ય પોતાનું વ્યક્તિ જેવું છે,જેમ છે,તેવી જ રીતે તેનો સ્વીકાર થાય તેમાં રહેલું હોય છે.આ જ બાબત સંબંધના બંને છેડે ઊભેલા વ્યક્તિઓને સમાન રીતે લાગુ પડવી જોઈએ.લાગણીશીલ પરંતુ ઉગ્ર ભાષામાં બોલાયેલા સ્વજનના શબ્દોને નહિ પરંતુ તેની અંદર રહેલી તેની સંવેદનાને સમજવી જોઈએ. આપણે સૌ ભારતીય પરંપરા સાથે જોડાયેલા છીએ જ્યાં દરેક સંબંધથી પોતાની એક ગરિમા હોય છે.કેટલાક હક હોય છે અને સામે એટલી જ ફરજો પણ હોય છે. સંબંધોમાં રહેલી આ સીમાબદ્ધતા જ સબંધોનું આયુષ્ય નક્કી કરતી હોય છે. માત્ર વિચાર કરીએ કે જો આપણી સામાજિક વ્યવસ્થામાં આવા હક અને ફરજ નિર્ધારિત થયેલા ન હોય તો કયો સંબંધ પોતાના કર્તવ્ય માટે કટિબદ્ધ બની રહેત..? શું બાળકો માતા પિતાના લાગણીસભર દબાણને સ્વીકારત..? પતિ પત્ની બંને પરસ્પર એકબીજાની સાથે વફાદારી નિભાવી શકત.? મૈત્રી વચ્ચે સ્વાર્થ નો અવકાશ વધી જાત અને વ્યવસાયિક સંબંધો પણ ભ્રષ્ટાચારી બની રહેત.સંબંધોમાં રહેલું બંધન એ કર્તવ્ય પરાયણતાની સીમારેખા છે. સંબંધોમાં રહેલા કેટલાક સામાજિક બંધનો છે માટે સમાજ માં સંબંધોનું અસ્તિત્વ અડીખમ છે એવું કહી શકાય.
- Advertisement -
આધુનિક સમયને ધ્યાનમાં રાખતા આજના કહેવાતા મોર્ડન સમાજમાં એક નવા નામ સાથે સંબંધનું અસ્તિત્વ જોવા મળે છે. જેને આપણે લીવ ઇન રિલેશનશિપ કહીએ છીએ. શું ખરેખર આવા સંબંધોમાં રિલેશનશિપ હોય છે પણ ખરી..? પરસ્પરની સગવડતાઓ સચવાય,પરસ્પરની જરૂરિયાત પૂરી થાય,અને પરસ્પર બંનેનાં સ્વાર્થની પૂર્તિ ન થાય ત્યાં સુધી જોડાઈને રહેતા સંબંધો શું ખરેખર લાંબુ આયુષ્ય જીવી શકે ખરા..? સંબંધોમાં કમિટમેન્ટ ખૂબ જરૂરી હોય છે. દુનિયાથી છુપાઈને આપેલા ખોખલા વચનો નહીં.પરંતુ એક જવાબદારી ફરજ અને હક સાથે બંધાતો સંબંધ સમાજમાં તો ખરો જ પરંતુ બંને પાત્રો માટે પણ એક સન્માનનીય સંવેદના બની જતો હોય છે. પ્રેમ વહેંચવાથી વધે આવું આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું છે. પરંતુ બધા સંબંધોમાં પ્રેમ વહેંચવાથી વધે એવું શક્ય બનતું નથી. અમુક સંબંધોમાં પ્રેમની પૃષ્ઠભૂમિ પરસ્પર બે કેન્દ્ર વચ્ચે જ સ્થિર થયેલી હોય છે. આ કેન્દ્ર બિંદુ સાથે જોડાયેલા બે પાત્ર એકબીજા માટે અનંતના સાથીદાર હોય છે.માલિકીપણું કે અસલામતીનો ભાવ જ્યાં અનુભવાય એ વ્યક્તિ એ સંબંધ ક્યારે આપણો હતો જ નહીં એવું માનવું.જે સંબંધમાં પરસ્પર બંને પાત્રોમાં એકબીજા માટેની સમજણ નથી.એક બીજાની સંભાળ કે ચિંતા નથી. એ કોઈ સગપણ જ નથી. એ સ્વાર્થની પૂર્તિ માટેની સગવડ કહી શકીએ પણ સબંધ તો કહેવાય જ નહિ. કારણ કે સાચો સબંધ એક સંવેદનાને જન્મ આપે છે, લાગણીઓને સ્થિરતા આપે છે, સમાજમાં માન સન્માન આપે છે અને જાત પ્રત્યેની સજાગતા આપે છે અને સૌથી અગત્યનું પરસ્પર પરિપકવ રીતે સંબંઘથી જોડાયેલા બંને વ્યક્તિને જીવનની દરેક સારી ખરાબ પરિસ્થિતિમાં સાચા અર્થમાં સધિયારો આપે છે. સંબંધએ કોઈ બંધન નથી પણ પરસ્પરની સંવેદનાનો પર્યાય છે.