ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ સરકારી કર્મચારીઓના હિત સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા પોતાની વર્ષો જૂની પડતર માંગણીને લઈને અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે અને સરકારનું નાક દબાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં મેડિકલ કોલેજમાં જુનિયર તબીબોની હડતાળ બાદ હવે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ પણ સરકાર સામે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.
મોરબી જીલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રેડ પે મુદ્દે બે થી ત્રણ વાર આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા જોકે દરેક વખતે સરકાર માત્ર ઠાલા વચન આપી હડતાળ પાછી ખેંચી લેવડાવતી હોય આરોગ્યકર્મીઓની સમસ્યા જેમને તેમ યથાવત્ પડી છે ત્યારે ફરી એકવાર શુક્રવારથી મોરબી જીલ્લાના 250 આરોગ્ય કર્મચારીઓ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ ગ્રેડ પે માંગણી મુદ્દે અચોક્કસ હડતાળ પર ઉતરી ગયા છે. આ અંગે અગાઉ પણ વિવિધ જિલ્લાના આરોગ્ય અધિકારી, ડીડીઓ, કલેક્ટર તેમજ સીએમ કાર્યાલય સુધી રજુઆત કરવામાં હતી અને માંગણીનો નહીં સ્વીકાર થાય તો હડતાળ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી હતી તેમ છતા સરકાર દ્વારા પગલાં લેવામાં ન આવતા હડતાળ પર ઉતરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યભરમાં એક તરફ તલાટી મંત્રી હડતાળ પર હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પંચાયતમાં તમામ કામગીરી ઠપ થઈ છે તો બીજી તરફ હાલ તહેવારોનો સમય હોય તેમજ વરસાદી વાતાવરણને પગલે બીમારી ફેલાવવાની સંભાવના વધી જતી હોય છે આવા સમયે જો હેલ્થ વર્કરો હડતાળ પર જશે તો ગ્રામ્ય વિસ્તારોમાં દવા છંટકાવ, મલેરિયા નાબુદ અભિયાન અંતર્ગતથી કામગીરી કુપોષણ ભારત અંતર્ગત સગર્ભા માતાના આરોગ્ય ચકાસણી, નાના બાળકોથી લઈ સગર્ભા સ્ત્રીઓને વેક્સિન ઉપરાંત કોરોનાની વેક્સિન સહિતની તમામ કામગીરી પણ ખોરંભે ચઢે તેવી સંભાવના વધી છે.