પારેવડી ચોકથી જૂની કલેકટર કચેરી તરફ જવા માટે રોડ ડેવલોપ કરી ટૂંક સમયમાં એક તરફ વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવશે: મ્યુનિ. કમિશનર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે થ્રી આર્મ ઓવરબ્રિજની ચાલી રહી છે. તાજેતરના ભારે વરસાદને પગલે બ્રિજની કામગીરીને પણ થોડી અસર પહોંચી હતી. જોકે હવે વરસાદ થંભી ગયો હોઈ, ઓવરબ્રિજની કામગીરી શકય તેટલી વધારે ઝડપથી આગળ ધપે તેવા પ્રયાસો શરૂ કરવામાં આવેલ છે. સાથોસાથ આ બ્રિજની કામગીરીને કારણે સ્વાભાવિકરીતે જ મોચી બજારમાં કોર્ટ વાળા રોડ પર વાહનવ્યવહારનું ભારણ વધ્યું છે. લોકોની આ મુશ્કેલી હળવી કરવા માટે પણ મહાનગરપાલિકા વાહનવ્યવહાર માટેના અન્ય વિકલ્પ વિશે વિચારણા કરી રહી છે. આ આયોજનના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ આજે તા,૧૩-૧૦-૨૦૨૧ ના રોજ સિવિલ હોસ્પિટલ ચોકની મુલાકાત લીધી હતી.

- Advertisement -
આ મુલાકાત દરમ્યાન કમિશનર એ બ્રિજની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. ચોમાસાને કારણે કાર્ય પ્રગતિમાં જે કાંઈ અવરોધ આવ્યો હતો તેને હવે ઝડપથી સરભર કરવા માટે વધારાના મજુરો અને મશીનરી કામ પર લાવવા સંબંધિત અધિકારી ઓ અને એજન્સીને સૂચના આપી હતી.

વિશેષમાં, મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ બ્રિજની કામગીરીને કારણે મોચી બજાર, કોર્ટ બિલ્ડિંગવાળા રોડ પર વાહનોના આવાગમનનું જે પ્રમાણ વધ્યું છે તેના શકય ઉકેલ લાવવા અન્ય સર્વિસ રોડ ઉપલબ્ધ બનાવવા વિચાર્યું છે. જેમાં પારેવડી ચોક તરફથી આવતા ફોર વ્હીલ વાહનો માટે જમણી બાજુ ડાઈવર્ઝન તૈયાર કરાવી જુની કલેકટર કચેરી પાસેના રોડ પર જઈ શકાય. આ રોડ રૂખડીયા કોલોની પાસેના રેલ્વે ફાટક પહેલા ડાબી બાજુએ વળે છે અને ત્યાંથી સીધો જ જંકશન મેઈન રોડને એપ્રોચ કરે છે.
- Advertisement -

મ્યુનિ. કમિશનરએ શકય તેટલી ઝડપે આ આ વૈકલ્પિક રસ્તાની સુવિધા ઉપલબ્ધ બનાવવા અધિકારી ઓને સૂચના આપી હતી. કમિશનર એ આ અંગે વાત કરતા એમ જણાવ્યું હતું કે, આ નવા ડાઈવર્ઝન ફોર વ્હીલ વાહનોને ડાઈવર્ટ કરવાથી મોચી બજાર કોર્ટવાળા રોડ પર ટ્રાફિકનાં ભારણમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાશે તેવી અપેક્ષા છે. રાજકોટ મહાનગરપાલિકા આ સર્વિસ રોડ સુવિધા ઉપલબ્ધ બનાવવા ઝડપભેર આગળ ધપી રહી છે.



