વ્હાલી જિંદગી,
તું મારા જીવતરનું એ નિરભ્ર આકાશ છે જેમાં હું બહુ દૂર સુઘી જોઈ શકું છું. બંધ ચાંચમાં કશુંક પકડીને ઊડતા જતાં પંખીની પાંખનો ફરકાટ છે. સૂર્યોદય પછી મક્કમપણે આગળ વધતા પ્રત્યેક પ્રહર મને જીવવાનું જોમ આપી જાય છે. તારી હાજરી જ મારે મન જીવવાના કરોડો બહાના છે. તું મારી આંગળીના ટેરવામાંથી પ્રગટતી હૂંફની સરવાણી છે. તારી આંખોની ઊંડાઈ ને હું તારી છાતીના દરિયા સાથે સરખાવી શકતો નથી કારણ કે આંખો તો ઊંડું અને અઢળક જુએ છે જ્યારે છાતીના દરિયામાં તો હું રોજ ડૂબકી લગાવી મારા અસ્તિત્વને અવારનવાર પંપાળ્યા કરું છું. તું મારા આયખાનું એ અજવાળું છે જે મારા અસ્તિત્વના બત્રીસ કોઠે દીવાઓને પ્રગટતા રાખી શકે છે. તું મારા ભાલ પર ચમકતો સુખનો સૂરજ છે. આંખો બંધ થતા નજર સામે દેખાતું રમણીય દ્રશ્ય મને તારા ચહેરાના દર્શન કરાવે છે. તું હસતા ચહેરે મારી સામે ઊભી રહી મને આવકારી રહી છે, જાણે મારું નસીબ મને બોલાવતું હોય. તું મારા માથા પર હાથ ફેરવે છે ત્યારે મારું નસીબ સતત મારી સાથે હોય એવો અનુભવ થાય છે. તારા રૂપાળા ચહેરા ઉપર હાસ્ય ભળી જાય છે ત્યારે જ સોનામાં સુગંધ ઉમેરાય છે. તું જ્યારે જ્યારે ખુશ હોય છે ત્યારે હું પણ તારી સાથે આનંદનો ઉત્સવ ઉજવી લઉં છું. જિંદગી! તું મારી આરાધના છે અને તું જ મારી ભક્તિ છે. સતત તારામાં રત રહેવા માટે મારે કોઈ જ પ્રકારના પ્રયત્નો નથી કરવા પડતા. અનાયાસે જ તું મારામાં સતત જોડાયેલી રહે છે જે આપણો પ્રેમ દર્શાવે છે. સુરજનું ઊગવું અને આથમવું નિશ્ચિત છે એમજ તારા ધોધમાર પ્રેમનું મારા પર અવિરત વરસવું પણ નિશ્ચિત છે. જિંદગી! હું તને અત્યંત ચાહું છું કારણ કે તું મારા જ આત્માની છબિ છે…
- Advertisement -
તું મારા શરીરના પ્રત્યેક અંગની શિરા છે… તું મારા જીવનની આસપાસ અને આરપાર કોળેલી બોગનવેલ છે… તું પૂનમની રાતનો આછેરો અજવાસ અને નમણો અંધાર છે… તું જ મારા હૈયાની હાટમાં પથરાયેલ રૂમાલ છે… જિંદગી! હું તારા આત્માના ઓવારણા લેવા માટે અધીરો થાઉં છું. મને તારી લત પડી ગઈ છે એ ક્યારેય છૂટે એવી નથી. વાસ્તવિકતા એ છે કે તું મારા હૈયાના ગોખલાને મહેકાવે છે અને હું સતત તારામાં ઓળઘોળ રહું છું. તું મારા હૈયાનો ગરમાળો છે જેના છાંયડે હું માળો બનાવી રહી શકું છું, જીવી શકું છું. પ્રેમની કોઈ ભાષા નથી હોતી કે પ્રેમમાં મૌન પણ નથી હોતું. બસ એમાં તો બે આત્માની પોતીકી મીઠાશ હોય છે જે મૌનને બોલતું કરે છે અને બોલાયેલા દરેક શબ્દને ફરીથી મૌનમાં પરોવી હૃદયની ફૂલમાળા બનાવીને પરસ્પર બંને પ્રેમીઓના દિલમાં આવી સમાઈ જાય છે. તારા હોઠ જે પ્રેમની ભાષા બોલે છે એને હું સમજી લઉં છું. તારી આંખોમાંથી પ્રેમની ઝલક દેખાય છે એનો તરજૂમો કરવાની મને જરૂર નથી લાગતી. તારા સ્પર્શમાં રહેલી પ્રેમની હલેસા જેવી લાગણીને તારા શરીરમાં સમાઈ જવા માટે હું તારા ઈજનની રાહ પણ નથી જોતો. આના ઉપરથી હું સમજી જાઉં છું કે પ્રેમ એ ઘોડાપૂર છે અને તેમાં સતત વહેતા રહેવાની રહેવાની ક્રિયા એ ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલી સહજ પ્રસાદી છે. આ પ્રેમપ્રસાદ પામીને હું ખરેખર ધન્ય થયો છું.
સતત તને ચાહતો…
જીવ.