કાર્તિકોલોજી: કાર્તિક મહેતા
કોરા કાગઝ નામની એક હિન્દી ફિલ્મનું ટાઇટલ સોન્ગ છે “મેરા જીવેન કોરા કાગઝ.. કોરા હી રહ ગયા”
તદ્દન ખોટી વાત છે. જીવન કોઈનું કદી કોરો કાગળ નથી હોતું. માણસ માતાના પેટમાં હોય ત્યારથી પોતાના મગજમાં ડેટા ભરવાનું શરુ કરી દે છે. હિન્દૂ સભ્યતા આ ડેટાને “સંસ્કાર” કહે છે. આથી બાળક ગર્ભમાં હોય ત્યારે જે ક્રિયા કરવામાં આવે તે ગર્ભ સંસ્કાર. બાળક માતાના પેટમાં હોય ત્યારે બહારના અવાજો સાંભળીને રિએક્ટ કરે છે, થડકાર આવે તો એકદમ સવળે છે જેને માતા ફીલ કરી શકે છે.
ગર્ભ સંસ્કારથી શરુ થયેલી આ યાત્રા અંતિમ સંસ્કારે પુરી થાય છે. માણસ માતાના પેટમાં હોય ત્યારથી મગજમાં ડેટા ભરવાનું શરુ કરી દે છે. યોગસૂત્રોમાં પતંજલિ કહે છે કે: “સ્મૃતિસંસ્કારયોરેકરૂપત્વાત” અર્થાત સ્મૃતિ અને સંસ્કાર સમય જતા એક જ થઇ જાય છે. મગજમાં ડેટા ભરી ભરીને જ માણસ બોલતા શીખે છે, હાવભાવ શીખે છે, કોઈ પરિસ્થિતિમાં કેવું રિએક્ટ કરવું તે શીખે છે, તરતા શીખે છે, વાહન ચલાવતા શીખે છે.
- Advertisement -
ધીમે ધીમે એ ડેટા એટલો સોલિડ બને છે કે તે “સંસ્કાર” બની જાય છે. એકવાર સાયકલ શીખી જાય એને બીજીવાર શીખવી નથી પડતી.
હજારો વર્ષો સુધી એક જ પ્રકારનું કામ કરવાનું થાય તો તે એટલા ગાઢ સંસ્કાર બને છે કે તે આગલી પેઢીમાં ઉતારી આવે છે.
અમુક વિચારધારાઓ પ્રાચીન સમયથી માને છે કે મગજ જ આ જગતનું રચયિતા છે. જો મગજ નથી તો આ જગતનું અસ્તિત્વ નથી. પ્રાણીનું મૃત્યુ થાય એટલે તેની માટે સૃષ્ટિનો નાશ થઇ જાય છે. ભારતીય શાસ્ત્રોમાં મૃત્યુને પણ “પ્રલય” કહેવાય છે. કેમકે મૃત્યુ પણ એક રીતે સૃષ્ટિનો નાશ થવાની ઘટના છે. એક જાણીતો કોયડો છે કે પ્રાણીઓ વીનાનું એક જંગલ છે. એમાં બે વૃક્ષો ઘસાઈને આગ લાગી. જો કોઈ પ્રાણીઓ છે જ નહીં તો કેમ નક્કી કરવું કે એ આગ ખરેખર લાગી? કોણ નક્કી કરે કે આગ લાગી કે નહિ ? કેમકે આગને “જોવા” કે “અનુભવવા” વાળું તો કોઈ છે જ નહિ.
આમ, મગજ જ આપણને દેખાતી અનુભવાતી સૃષ્ટિનું નિર્માતા છે એ વાત એક દ્રષ્ટિએ સાચી છે.
માણસના મગજમાં ડીલીટ બટન નથી. મગજમાં ઉતરી ગયેલા નેગેટિવ ડેટાને કાઢવો જરૂરી છે નહીંતર તે અનેક સમસ્યાઓ ઉભી કરી શકે છે. માણસ શત્રુને, દુર્ઘટનાને, ઝઘડાને કે બીજી દુ:ખ દાયક ક્રિયાઓને ક્યારેય ભૂલી શકતો નથી. એકવાર બાળક ગરમ વાસણને હાથ લગાડે અને દાઝે પછી બીજી વાર કદી એવું સાહસ કરતું નથી. એકવાર સટાબાજીમાં કોઈ બરાબર ખોટ કરે પછી ઘણા બીજીવાર ખો ભૂલી જાય છે.
પરંતુ આવા નેગેટિવ પ્રકારના ડેટા અથવા સંસ્કારને કારણે માણસ સતત પીડાય છે, ભયભીત રહે છે, અકારણ દુ:ખી રહે છે, અનેક રોગોનો ભોગ બને છે.
અષ્ટાનગ યોગના પ્રણેતા પતંજલિ સંસ્કારને “બીજ” કહે છે. આ દુનિયાની તમામ ક્રિયાઓ વિચારોથી શરુ થાય છે અને વિચારો સંસ્કાર/ડેટા રૂપે રહેલા બીજથી જન્મે છે. આથી મહર્ષિ પતંજલિ જણાવે છે કે નિર્બીજ સમાધિ એટલે કે ચિત્તમાં કોઈપણ વિચાર હોય નહિ એવી સમાધિ જ યોગ છે. યોગમાર્ગના પાંચ યમ/નિયમ, જૈનોના પંચ વ્રત, બૌદ્ધોના પંચશીલ ત્રણેય એક જ છે. આ નિયમો ચિત્તની શુદ્ધિ માટે છે જેથી એકેય નેગેટિવ વિચાર જન્મે નહીં, નેગેટિવ વિચાર જન્મે નહીં તો કોઈ અપરાધ કરે નહિ અને એક આદર્શ સમાજની રચના શક્ય બને. મૂળે એક વાત પાકી છે કે મગજમાંથી નેગેટિવ વિચારોને કાઢવા અનિવાર્ય છે. આની માટે બે માર્ગ છે. એક છે પ્રાયશ્ર્ચિત અને બીજો છે પશ્ર્ચાતાપ.
પશ્ર્ચાતાપ એટલે પાછળથી તપવું. કોઈ ભૂલ થઇ કે કોઈ અણગમતું થયું એટલે માણસ એ બન્યા બાદ સતત બળવા લાગે છે.
જાણીતા અમેરિકન વિચારક પોલ ગુડમેન કહે છે કે “ગિલ્ટ (પશ્ર્ચાતાપ)ને કારણે આજ સુધી કોઈનું કલ્યાણ થયું નથી, તે એક નકામી ચીજ છે”
નેગેટિવ સંસ્કારોને કાઢવા માટે પશ્ચાતાપનો રસ્તો તો ખોટો છે.
બીજો એક રસ્તો છે જેના વડે નેગેટિવ સંસ્કારો/મેમરી ને કાઢી શકાય અને તે છે પ્રાયશ્ર્ચિત.
પ્રાય: + ચિત્ત અર્થાત ચિત્તને એની પ્રાય એટલે કે જૂની અવસ્થામાં પાછું લાવવું.
નેગેટિવ વિચારો કાઢવાનો આ એક બહેતરીન માર્ગ છે.
આપણે ભારતીયો ચન્દ્ર સૂર્ય અને ગુરુ એમ ત્રણ અવકાશી પીન્ડોથી આપણા જીવનની ઘટનાઓને માપીએ છીએ.આપણે દરેક કાર્ય આ ત્રણ અવકાશી પિંડોની ગતિને આધારે કરીએ છીએ. ચન્દ્ર દરરોજ પૃથ્વી ફરતે એક ચક્કર લગાવે છે. એટલે દરરોજ ઉઠીને આપણે એક વાર સ્નાન કરીએ છીએ. તે એક રીતે “પ્રાયશ્ર્ચિત” ની ક્રિયાનું દૈહિક સ્વરૂપ છે. અંગ્રેજો આપણે ત્યાં આવ્યા એ પહેલા અઠવાડિયા સુધી નહાતા નહોતા. નાહતા શીખ્યા બાદ તેઓ પણ ભારતીયો જેવા ક્લચર્ડ બન્યા છે.
સૂર્ય ફરતે પૃથ્વી એક ચક્કર 365 દિવસમાં પૂરું કરે છે, ગુરુ એક રાશિમાંથી બીજી રાશિમાં 360 દિવસે જાય છે. આથી દર 360 અથવા 365 દિવસે સંવત્સર મનાવામાં આવે છે, ત્રિવેણી સંગમ જ્યા ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ હોય ત્યાં સ્નાન કરવાની પરમ્પરા હજારો વર્ષો જૂની છે. દર બાર વર્ષે મહા કુમ્ભ થાય ત્યારે એ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું મહત્તમ છે કેમકે દર બાર વર્ષે ગુરુ સૂર્ય ફરતે પોતાની પ્રદક્ષિણા પૂર્ણ કરે છે.
ત્રિવેણી સંગમની નદીઓ ગંગા યમુના અને સરસ્વતી તંત્ર માર્ગમાં ઈડા પિંગળા અને સુષુમ્ણા તરીકે ઓળખાતી શક્તિઓના સાંકેતિક નામો છે. ત્રણેય શક્તિઓ એક થાય એ ઘટના એટલે યોગ એવું હઠયોગશાસ્ત્ર કહે છે. આથી દરેક વર્ષે ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને શરીર સાથે ચિત્તને શુદ્ધ કરવાનો પ્રયાસ થાય છે આથી ત્રિવેણી સંગમ્મ્મ સ્નાન પાપોનો નાશ કરવાવાળું કહેવાય છે.
જૈન પંથીઓ દર સંવત્સરે મિચ્છામિ દુક્કડમ કરીને એકબીજાની નેગેટિવ સ્મૃતિઓ ડીલીટ કરે છે જેથી નવા વર્ષનો પ્રારંભ શુદ્ધ ચિત્તથી થાય.
આ બધી ક્રિયાઓ પ્રાયશ્ર્ચિત છે. ખ્રિસ્તી ધર્મમાં કેથાર્સીસનું મહત્વ છે. જીસસ ક્રાઈસ્ટે મનુષ્ય જાતિઓના પાપના પ્રાયશ્ચિત રૂપે પોતાનું બલિદાન આપ્યું કહેવાય છે. ચર્ચોમાં ક્ધફેશનલની વ્યવાસ્થા હોય છે જ્યા વ્યક્તિ જઈને પોતાની ભૂલોનો એકરાર કરીને હળવો થઇ શકે છે. આ પ્રાયશ્ર્ચિત જ છે.
બધી કળાઓનો મૂળ હેતુ માણસના મનમાં રહેલા દબાયેલા ભાવને બહાર લાવવાનો છે. કળાથી નકારાત્મક મેમરી ઉપર સારી મેમરીનો ઢોળ ચડે છે.કેથાર્સીસનું પોતાનું અલાયદું વિજ્ઞાન છે અને આ વિજ્ઞાન આપણા યોગીઓ અને મુનિઓ પહેલેથી જાણતા આવ્યા છે.
આથી આજે પણ અનેક હાડમારી ગરીબી ભ્રષ્ટાચાર વગેરે હોવા છતાં ભારતમાં વસ્તી દીઠ ક્રાઇમ રેટ એકદમ ઓછો છે જયારે વિકસિત દેશોમાં વસ્તીદીઠ ક્રાઈમરેટ ઘણો ઊંચો છે. આ ચોક્કસ ગૌરવ લેવા જેવી બાબત છે પણ એનું શ્રેય આપણા કોઈ નેતા કે અભિનેતાને નહિ પણ આપણા મહાન પૂર્વજોને જાય છે જેણે યોગમાર્ગ થી વિશ્વને જીવતા શીખવ્યું છે.