પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
જો આપણે જે માનતા હોઈએ અને જે કરતા હોઈએ તેની વચ્ચે તફાવત હોય તો કોઈ પણ પ્રકારનું સુખ જીવનમાં હોવાનું નથી.
– આલ્બેર કામૂ
- Advertisement -
રાજા શલ્ય પાંડવોના મામા હોવાને લીધે પાંડવોના પક્ષે રહીને લડવાના હોય છે. પછી બને એવું કુરુક્ષેત્ર જવાના માર્ગમાં એક સ્થળે એક બહુ જ ભવ્ય ભોજન સમારંભ હોય છે. શલ્યને મન તો એમ જ હોય કે આ બધું યુધિષ્ઠિરે આયોજિત કર્યું હશે એટલે તે અને તેના સૈનિકો હોંશેહોંશે તે ભોજનનો લાભ લે છે. આ આતિથ્ય દ્વારા સંતુષ્ટ એવા શલ્ય મનોમન જ આ યજમાનનું ઋણ ચૂકવવા પોતાની જાતને કટિબદ્ધ કરે છે. તેના આશ્ચર્યની વચ્ચે દુર્યોધન તેની સામે આવે છે અને પોતે આ મેજબાની આયોજી તેવું જણાવે છે. પોતાની પ્રતિજ્ઞાથી બંધાયેલા શલ્યને નાછૂટકે તેની ઋણ ઉતારવા કૌરવોની સેનામાં જોડાવું પડે છે. વ્યથિત શલ્ય કૃષ્ણને આનો ઉકેલ પૂછે ત્યારે તેઓ તેને સૂચવે છે કે તેઓ કર્ણના સારથી બની જાય અને વારંવાર તેને હતોત્સાહ કરતા રહે. અત્યારના સમયના અંડરકવર એજન્ટ જેવી હાલ શલ્ય રાજાની ત્યારે હતી. રાજા શલ્યે જે કર્યું તે બરોબર હતું નહીં? તેઓએ પોતાની પ્રતિજ્ઞાને વફાદાર રહેવું જોઈએ કે ભગવાને કીધું તે પ્રમાણે કરવું જોઈએ? હવે અહીં જુઓ તો આધુનિક શબ્દપ્રયોગ પ્રમાણે એક ઊડ્ઢશતફિંક્ષશિંફહ ભશિતશત છે. શલ્યને નાયક ગણીએ તો તેની પાસે બે હેતુ છે યુદ્ધ લડવાના અને તેમાંથી તેઓ ગમે તે હેતુ સિદ્ધ કરે તેઓ ક્યાંકને ક્યાંક તો બેઈમાન સાબિત થાય છે જ. હવે વાત કરીએ શકુનિની. કપટ અને દુષ્ટતાના પર્યાય એવા આ ખલનાયકની બેકસ્ટોરી રસપ્રદ છે અને તેમાં દ્રષ્ટિપાત કરીએ તો તે ખલનાયકને બદલે પીડિત પણ લાગી શકે. એક બેકસ્ટોરી મુજબ, ગાંધારી માટે એવી ભવિષ્યવાણી થયેલી હોય છે કે તેનો પહેલો પતિ મૃત્યુ પામશે. એટલે, ગાંધારીના પિતા સુબલ અને તેનો ભાઈ શકુનિ એક બકરા સાથે તેના વિવાહ કરાવીને તે બકરાને મારી નાખે છે. ગાંધારીના લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થયા પછી આ વાર ભીષ્મ અને વિદુરને જાણ થાય ત્યારે તેઓ ગાંધારીના પરિવાર પાર કુપિત થાય છે અને તેના પરિવારના બધા પુરુષોને કારાવાસમાં પૂરીને તેઓને તે બધાની વચ્ચે ખાવા માટે એક મુઠ્ઠી ચોખા દરરોજ આપે છે. શકુનિના અત્યંત કુટિલ અને લડાયક હોવાના લીધે તે ખોરાક પિતા તેને જ આપી દે છે અને તેની પાસેથી આ અત્યાચારનો બદલો વાળવાનું વચન લે છે. અંતે શકુનિ આખા કુરુકુળનો નાશ કરીને પોતાનું વચન પૂરું કરે છે.
વિરામ:
અમુકવાર લોકોને સાચું સાંભળવું નથી હોતું કારણ કે તેઓ ચાહતા હોય છે તેમની ભ્રમ તૂટે નહિ.
– ફ્રેડરીક નિત્શે
શકુનિના પાત્રની પશ્ચાદ્ભૂ જોઈને ખબર પડે કે તે એક લક્ષ્ય માટે જીવતો હતો, પછી તે લક્ષ્યનું પરિણામ દીર્ઘકાલીન વિનાશ નોતરનારું કેમ ન હોય. પોતાના મક્સદને પૂરું કરવા માટે તેને પોતાની સગી બહેનના સુખચેનની આહુતિ પણ આપી દીધી, કેટકેટલાય મનુષ્યોના મૃત્યુનું નિમિત્ત તે બન્યો પણ તેણે પોતાના અસ્તિત્વના અર્થને સિદ્ધ કર્યો અને પોતાના વચનને છેક સુધી તે વળગી રહ્યો. અહીં શકુનિના પાત્રને અસ્તિત્વવાદી કહેવું કે વિનાશવાદી? અસ્તિત્વવાદ તીવ્ર બની જતા ક્યારે વિનાશવાદ અથવા કહો કે શૂન્યવાદમાં પરિણમે છે તે નક્કી કરી શકાતું નથી. આ સ્પેક્ટ્રમના સાવ સામ છેડે કહી શકાય તેવું પાત્ર વિભીષણનું છે. એની પહેલાના લેખમાં અસ્તિત્વવાદી પાત્રો વિષે વાત કરી તે બધા પાત્રો ઘણી હદ સુધી હકારાત્મક અને મોટીવેટિંગ હતા પણ ઘણા બધા મૂવીઝમાં નકારાત્મક પાત્રો પણ હોય છે કે જેઓ અસ્તિત્વવાદની છાંટ ધરાવે છે. શટર આઇલેન્ડમાં ડિકેપ્રિઓ હોય, મેમેન્ટોમાં ગાય પીઅર્સમાં હોય કે અત્યંત ચર્ચિત ધ ડાર્ક નાઇટનો જોકર હોય. આ બધા પાત્રો જીવનની વ્યર્થતા જાણે પામી ગયા છે. એક જીવનની હકીકતથી દૂર પોતાના કાલ્પનિક વાસ્તવિકતાના સિટાડેલમાં રહેવાનું પસંદ કરે છે તો બીજો પોતાની ક્ષતવિક્ષત સ્મૃતિના આધારે જીવે છે. ત્રીજો તો જીવનની વ્યથાને આત્મસાત કરીને દુનિયાનો વિધ્વંસ કરવા માટે તત્પર છે. અસ્તિત્વવાદની ચર્ચા અનંત છે આપણે તેમાંથી શું મેળવી શકીએ કે જે આપણને આપણા રોજીંદા જીવનમાં મદદરૂપ થાય તે આપણે જોવાનું છે.
- Advertisement -
પૂર્ણાહુતિ:
પાને પાને ખાલી જગ્યા, જીવન યાને ખાલી જગ્યા;
મારા નામે હોલ ખચાખચ, મારા સ્થાને ખાલી જગ્યા.
-ડો. નીરજ મહેતા