બાંગ્લાદેશ સામેની વનડે મેચમાં સલમાન અલી આગાના રન આઉટ અંગે મોટો વિવાદ પેદા થઇ ચુક્યો છે. પાકિસ્તાની બેટ્સમેને બાંગ્લાદેશી કેપ્ટન મેહદી હસન મિરાજના વર્તન અંગે સવાલો ઉઠાવતા કહ્યું કે, જો તે મિરાજની જગ્યાએ હોત તો ક્યારેય આ રીતે રન આઉટ ન કરત. આ આઉટ જરૂર છે પરંતુ ખેલભાવના વિરુદ્ધ છે.
શું હતી સમગ્ર ઘટના?
- Advertisement -
પાકિસ્તાનની ઇનિંગની 39મી ઓવરમાં જ્યારે મોહમ્મદ રિઝવાને બોલને હળવા હાથે રમ્યો, ત્યારે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા સલમાન અલી આગા અને બોલર મેહદી હસન મિરાજ વચ્ચે હળવી ટક્કર થઈ હતી. સલમાન તે સમયે ક્રીઝની બહાર હતો. સલમાનને લાગ્યું કે, બોલ ‘ડેડ’ થઈ ગયો છે, તેથી તે મિરાજને મદદ કરવા માટે બોલ ઉપાડવા નીચે નમ્યો. જોકે, મિરાજે તકનો લાભ ઉઠાવીને તરત જ બોલ સ્ટમ્પ પર મારી દીધો અને અપીલ કરી. થર્ડ અમ્પાયરે રિપ્લે જોયા બાદ સલમાનને આઉટ જાહેર કર્યો કારણ કે, બોલ હજુ પણ ‘પ્લે’માં હતો.
સલમાન અલી આગાએ શું કહ્યું?
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં સલમાને પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, “ક્રિકેટમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોવી જરૂરી છે. મિરાજે જે કર્યું તે નિયમો મુજબ કદાચ સાચું હશે, પણ જો હું તેની જગ્યાએ હોત તો રમતની ગરિમા જાળવવા માટે આવું ન કરત. મને લાગ્યું હતું કે બોલ મારા પેડ અને બેટને અડીને રોકાઈ ગયો છે, તેથી રન આઉટની કોઈ શક્યતા નથી.”
- Advertisement -
મેદાન પર ગરમા ગરમી
આ ઘટના બાદ સલમાન અલી આગા અને બાંગ્લાદેશના વિકેટકીપર લિટન દાસ વચ્ચે પણ ઉગ્ર દલીલો થઈ હતી. સલમાને આ અંગે ખુલાસો કરતા કહ્યું કે, તે બધું ‘હીટ ઓફ ધ મોમેન્ટ’ હતું અને મેદાન પર જે કંઈ પણ કહેવાયું તે હવે ભૂતકાળ છે.
પાકિસ્તાનની શાનદાર જીત
આ વિવાદ છતાં પાકિસ્તાની ટીમના મનોબળ પર કોઈ અસર પડી નહોતી. પાકિસ્તાને શાનદાર પ્રદર્શન કરતા આ મેચમાં DLS નિયમ મુજબ 128 રનથી મોટી જીત મેળવી હતી. સલમાને વધુમાં ઉમેર્યું કે તે ટૂંક સમયમાં જ આ બાબતે મેહદી હસન મિરાજ સાથે વાત કરશે.




