પીઆઈ ગોંડલીયા અને પીએસઆઈ જાડેજાની ટીમની સરાહનીય કામગીરી


- Advertisement -
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને ગુનેગારો પર લગામ કસવા માટે રાજકોટ શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ – PCBએ એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક સફળતા મેળવી છે. છેલ્લા ચાર દિવસમાં પીસીબીની ટીમે સપાટો બોલાવીને કુલ ૧૧ રીઢા આરોપીઓને ૨૪ અત્યાધુનિક ગેરકાયદે હથિયાર અને ૩૨ જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડીને ગેરકાયદે હથિયારોના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોલીસના ઈતિહાસમાં ક્યારેય પણ એકસાથે આટલી મોટી માત્રામાં ગેરકાયદે વેપન્સ કે આરોપીઓ પકડાયા ન હોય, આ ઓપરેશનને અત્યાર સુધીની સૌથી મોટી સફળતા માનવામાં આવી રહી છે.
આ સમગ્ર ઓપરેશનની શરૂઆત મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્રમાં હથિયારો સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર શકીલ સાદિક મન્સૂરી સહિત ૫ આરોપીઓની ધરપકડથી થઈ હતી. આ ટોળકી પાસેથી ૧૬ ગેરકાયદે હથિયાર અને ૩૦ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. મુખ્ય આરોપીઓની કડક પૂછપરછ અને સચોટ બાતમીદારોના નેટવર્કના આધારે પીસીબીની ટીમે એક પછી એક કડીઓ જોડીને હથિયાર ખરીદનારા અને વેચનારા અન્ય ૬ આરોપીઓને પણ દબોચી લીધા હતા અને વધુ ૮ હથિયારો રિકવર કર્યા હતા.
આ રેકોર્ડબ્રેક ઓપરેશનને સફળ બનાવવામાં PCBના પીઆઇ મેહુલ ગોંડલીયા, પીએસઆઈ આર.કે. જાડેજા તેમજ પીએસઆઈ પી.બી. ત્રાજીયા અને તેમની સમગ્ર ટીમની ભૂમિકા અત્યંત પ્રશંસાપાત્ર રહી છે. અધિકારીઓએ રાત-દિવસ જોયા વગર, અત્યંત ગુપ્તતા અને પ્રોફેશનલ પ્લાનિંગ સાથે આ આખા વેપન કાર્ટેલ એટલે કે હથિયાર રેકેટ પર ત્રાટકીને ગુનેગારોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. પીઆઇ ગોંડલીયાના કુશળ નેતૃત્વ અને પીએસઆઈ જાડેજાની ફિલ્ડ પરની ચોક્કસ રણનીતિને કારણે જ સૌરાષ્ટ્રમાં કોઈ મોટી ગુનાહિત ઘટના આકાર લે તે પહેલાં જ હથિયારોનો આ જંગી જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ જાંબાઝ અધિકારીઓની ત્વરિત અને નીડર કામગીરીને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ રાજકોટના નાગરિકો તરફથી ભારે સરાહના મળી રહી છે. આ સફળ ઓપરેશને સાબિત કરી દીધું છે કે રાજકોટ પોલીસ ગુનેગારોને નેસ્તનાબૂદ કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. પીસીબીની આ કામગીરીથી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
- Advertisement -
વેપન કાર્ટેલ ગેંગના પકડાયેલા આરોપીઓ
શકીલ સાદિક મન્સૂરી : મિર્ઝાપુર
જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલા : જસદણ
ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલિક ઉર્ફે અનિલભાઈ રોજાસરા : ચોટીલા
અનિલ વીરાભાઇ ખેતરીયા : ચોટીલા
પ્રદીપ અનકભાઈ કરપડા : ચોટીલા
સંદીપસિંહ પ્રભાતસિંહ પરમાર : વડ વાજડી
આરીફ ગફારભાઈ પઠાણ : ગંજીવાડા
જયપાલ રાજેશભાઈ ડેડાણિયા : વેલનાથપરા
ધ્રુવ ઉર્ફે કનૈયો સુનિલગિરી ગોસ્વામી : રાધેશ્યામ સોસાયટી
જયરાજ ઉર્ફે લાલો પીઠુભાઈ ખાચર : ચોટીલા
શ્યામ રાજુભાઈ પરમાર : ચોટીલા
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
જયસુખ સામે આર્મ્સ, હત્યાની કોશિષ, ધમકી સહીત 9 ગુના
ગાવસ્કર સામે આર્મ્સ એક્ટ સહીત બે ગુના
પ્રદીપ સામે આર્મ્સ એક્ટ સહીત બે ગુના
આરીફ સામે હત્યાની કોશિષ, આર્મ્સ, ધમકી સહીત 10 ગુના
જયપાલ સામે દારૂ સહીત 3 ગુના
જયરાજ સામે હત્યા, હત્યાની કોશિષ સહીત 4 ગુના



