અન્ય ટ્રક ડ્રાઇવરો દ્વારા હાઇવે પર ચક્કાજામ કરતા રાહદારીઓ ફસાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
કચ્છ અમદાવાદ હાઇવે પર આજે વહેલી સવારથી ટ્રક ડ્રાયવરો દ્વારા હાઇવે પર પોતાના ટ્રક ઊભા કરી ચક્કાજામ કર્યું હતું. ધ્રાંગધ્રા હાઇવે પર સોલડી ટોલટેક્ષ નજીક ટ્રક ડ્રાયવરને માર મારવાના બનાવમાં ટ્રક ડ્રાયવરો એકઠા થઈ હાઇવે પર ટ્રકો ઊભા કરી દીધા હતા જેના એની વાહનોની લાંબી કતારો લાગી હતી આ તરફ જે ટ્રક ડ્રાયવરને માર માર્યો હતો તે લોહી લુહાણ હાલતમાં હાઇવે પર બેસી ગયો હતો. ટોકટેક્સ પર ઉઘરાણા કરતા કેટલાક ઈસમો દ્વારા ટ્રક ડ્રાયવરોને માર મારવાનો આક્ષેપ કરાયો હતો જે બાદ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા.
જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના દરેક હાઈવે પર નકલી પોલીસ દ્વારા ઉઘરાણા કરવામાં આવી રહ્યા હોય છે આ પ્રકારના ઉઘરાણા કરતા ઇસમો દ્વારા વારંવાર માત્ર સો અથવા બસો રૂપિયાની મામૂલી રકમ માટે ટ્રક ડ્રાયવરોને માર મારતા હોય છે ત્યારે આ પ્રકારનો કિસ્સો ધ્રાંગધ્રા ખાતે આજે વહેલી સવારે સામે આવ્યો હતો
- Advertisement -
જેમાં ધ્રાંગધ્રા હાઈવે પર સોલડી ટોલટેક્ષ નજીક ટ્રક ડ્રાયવરને માર મારવાના કિસ્સામાં અન્ય ટ્રક ડ્રાયવરો એકઠા થઈ હાઇવે પર પોતાના ટ્રકો મૂકીને વિરોધ્ધ નોંધાવ્યો હતો જ્યારે ઈજાગ્રસ્ત ટ્રક ડ્રાયવર હાઇવે પર લોહી લુહાણ હાલતમાં બેસી ગયો હતો અને અન્ય રાહદારીઓના વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા જ્યારે ઈજાગ્રસ્ત ટ્રક ડ્રાયવર દ્વારા સોલડી ટોલટેક્ષ નજીક ઊભા રહેતા ઉઘરાણા કરનાર કેટલાક ઈસમો દ્વારા વધુ રૂપિયાની માંગણી કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. જોકે સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થયા જ તાત્કાલિક ટોલટેક્ષ ખાતે પહોંચી ટ્રાફિકની હળવો કરવા માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ મોટા પ્રમાણમાં ટ્રક ડ્રાયવરો એકઠા થઈ પોતાના ટ્રકો હાઇવે પર થંભાવી દેતા લગભગ દશેક કિલોમીટર ટ્રાફિક જામ થતા અન્ય રાહદારીઓ કલાકો સુધી ટ્રાફીકમાં ફસાયા હતા જ્યારે ટ્રક ડ્રાયવરો દ્વારા માર મારનાર ફોલ્ડરને તાત્કાલિક પકડી પાડવા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી.
હાઇવે ઉઘરાણા કરતા ફોલ્ડરો દ્વારા ડ્રાયવરોને માર મારવાના કિસ્સા સામે આવે છે
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, માલવણ, દસાડા, પાટડી, લીમડી, સાયલા સહિત હાઇવે પર રાત્રીના સમયે નકલી પોલીસ ઉભા રહીને ટ્રક ડ્રાઇવરોને પજવતા હોય છે જેમાં ટ્રક ડ્રાયવરો પાસેથી 100,200 અથવા 500 રૂપિયાનું ” એન્ટ્રી “ના નામે લઈ ઉઘરાણું કરતા હોય છે અને જો ટ્રક ડ્રાયવરો આ બાબતે દલીલ કરે તો માર મારવાના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવે છે.
- Advertisement -
એક અઠવાડિયા પૂર્વે માલવણ ખાતે પણ જાગૃત નાગરિકને માર માર્યો હતો
એકાદ અઠવાડિયા પૂર્વે માલવણ હાઈવે પર રાત્રીના સમયે આ પ્રકારે ટ્રકો ઊભા રાખવી રૂપિયા ઉઘરાવતા નકલી પોલીસ સામે એક જાગૃત નાગરિક દ્વારા અવાજ ઉઠાવ્યો હતો જેને આ નકલી પોલીસ દ્વારા પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો જે અંગે પણ વિવાદ થયો હતો.
ઉઘરાણા સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ચાલતા હોવાનો આક્ષેપ!
ધ્રાંગધ્રા હાઇવે પર છેલ્લા કેટલાય સમયથી ટોલટેક્ષ પાસે ઉઘરાણા થઈ રહ્યા છે જેમાં સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ નજરે પડે છે કારણ કે સ્થાનિક પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં રાત્રીના સમયે ખુલ્લેઆમ ઉઘરાણા થઈ રહ્યા હોય અને નાઇટ પેટ્રોલીંગમાં હોવા છતાં પોલીસને જાણ ન હોય તેવું બની શકે નહીં જેથી સ્પષ્ટ રીતે પોલીસની રહેમનજર હેઠળ જ ઉઘરાણા થઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે.