મિત્રો સાથે અગાસી ઉપર મહેફિલો માણતો પતિ અર્ધી રાત્રે 1-1 લીટર ચા બનાવવાનું કહેતો
ચારિત્ર્ય અંગે શંકા કરતા તેના પતિ સામે પડધરી પોલીસમાં પરિણીતાની ફરિયાદ
- Advertisement -
પડધરી તાલુકાના રંગપર ગામે રહેતી પરિણીતાએ પોતાના પતિ સામે શારીરિક અને માનસિક ત્રાસ, મારકૂટ, તથા ધમકીઓ આપ્યાની ફરિયાદ નોંધાવતા પડધરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મમતાબેન અનુપકુમાર શાહએ તેમના પતિ અનુપકુમાર નટવરલાલ શાહ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્ન ઓગસ્ટ-2023માં અમદાવાદના અનુપકુમાર સાથે પ્રેમલગ્નથી થયા હતા. લગ્નજીવનના શરૂઆતના મહિનાઓ બાદ પતિ નશાની હાલતમાં ઘરે આવતો, મિત્રો સાથે મોડી રાત સુધી નશો કરતો અને વિરોધ કરતાં પત્નીને માર મારતો હતો. ઉપરાંત ફોન પર વાત કરવા બાબતે શંકા-વહેમ રાખી ગાળાગાળી અને ધમકીઓ આપતો હતો. આરોપી પતિની હેરાનગતિ અહીં જ ન અટકી. તેણે પત્નીનું સિમકાર્ડ પોતાના નામે કરાવી લઈ તેને બદનામ કરવાનું શરૂ કર્યું. હદ તો ત્યારે થઈ જ્યારે 25 મે 2026ની રાત્રે પત્નીએ તેનો ફોન ન ઉપાડડ્યો, તો આરોપીએ બદલો લેવા માટે મોડી રાત્રે 112 પર ફોન કરીને એવી ખોટી અફવા ફેલાવી કે ‘મારી પત્નીના ઘરે સેક્સ રેકેટ ચાલે છે’. પોલીસ ફરિયાદીના ઘરે દોડી આવતા પરિવાર માનસિક આઘાતમાં સરી પડયો હતો આરોપી પતિ તેના મિત્રોને પણ ઘરે લઈ આવતો અને અગાશી પર મોડી રાત સુધી મહેફિલો માણતો હતો. એટલું જ નહીં, અડધી રાત્રે પત્ની પાસે 1-1 લીટર ચા બનાવડાવતો અને રસોઈ ઠંડી થઈ જવાના બહાને જમવાનું બહાર ફેંકી દઈ હેરાન કરતો હતો. જ્યારે પત્નીએ આવા આવારા તત્વોને ઘરે લાવવાની ના પાડી, ત્યારે તેની સાથે ઢોર માર મારવાનું શરૂ કરી દીધું હતું.



