અભિલાષનું અક્ષયપાત્ર: અભિલાષ ઘોડા
વર્ષ 2024ની ઘણી સારી ફિલ્મો પ્રચાર પ્રસારના યોગ્ય આયોજનના અભાવે બાળ મરણ પામી !
- Advertisement -
જાન્યુઆરી 2024થી આજ સુધીમાં અંદાજીત 36 ફિલ્મો રીલીઝ થઇ ચુકી છે. અને હજી ઓગસ્ટ મહીનાના અંત સુધીમાં આ આંકડો 38 સુધી પહોંચશે. એટલે અંદાજીત માસીક પાંચની એવરેજમાં હાલ ગુજરાતી ફિલ્મો રીલીઝ થાય છે. આમાં અમુક ફિલ્મો ઉત્તમ કક્ષાની હોવા છતાં પ્રચાર પ્રસારના યોગ્ય આયોજનના ભોગે પ્રેક્ષકો લાવવામાં સાવ નિસ્ફળ ગઈ. આવી ફિલ્મોના પ્રચાર પ્રસારની જવાબદારી સંભાળનાર ને કદાચ ટાર્ગેટ ઓડિયન્સ વિષે કોઇ જ જ્ઞાન ન હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.હાલ ફિલ્મોના પ્રચાર પ્રસારનું કામ કરતી અનેક નવી એજન્સીઓ માત્ર સોશિયલ મીડીયા પર પોસ્ટર કે ટ્રેલરની ભ્રામક રીચ બતાવીને નિર્માતાઓ ને રીલીઝ પહેલા જ સુપરહીટ ના સપના બતાવે છે. અને આવા ભ્રાહ્મક આંકડાઓ જોઈને નિર્માતા બીચારો સુપરહીટના સપના માંથી ત્યારે જ બહાર આવે છે જ્યારે શનિવારે તેને સાચી પરિસ્થિતિનો અહેસાસ થાય છે. પ્રચાર પ્રસારના નામે અમુક બીનજરૂરી ખર્ચાઓ નિર્માતાઓ પાસે કરાવવામાં આવે છે. મેં અનેક વખત જાહેર માધ્યમોમાં લખ્યું છે અને આજે દોહરાવું છું કે ગુજરાતી ફિલ્મોનો સાચો અને બહોળો પ્રેક્ષક વર્ગ ગ્રામ્ય વિસ્તારોમાં જ છે. પરંતુ આપણી ફિલ્મોનો પ્રચાર ત્યાં સુધી પહોંચતો જ નથી જ્યાં ખરેખર પહેલાં જ પહોંચવો જોઈએ. અને અમુક વિસ્તારો માં એટલો બધો પ્રચાર થાય છે જ્યાં ખરેખર એ ફિલ્મના શો જ નથી હોતા !!!! એકપણ એજન્સી ફિલ્મના વિતરક પાસે સિનેમા અને શો ના સમયની વિગતો ક્યારેય નથી માંગતી જે ખરેખર યોગ્ય આયોજન માટે ખુબ જ જરૂરી છે.
બીજી પણ એક બાબત નોંધી છે કે જે ફિલ્મો સાવ બકવાસ હોય છે તેના નિર્માતાઓ પાસે પ્રચાર પ્રસાર નું બજેટ પુષ્કળ હોય છે અને જે ફિલ્મો ખરેખર ઉત્તમ કક્ષાની છે તેના નિર્માતાઓ પાસે પ્રચાર પ્રસારનું બજેટ ખુબ મર્યાદિત હોય છે. અને માટે જ બકવાસ ફિલ્મો વધુ શો લેવામાં સફળ થાય છે ( આમાં અપવાદો બાદ કરવા ) અને ઉત્તમ ફિલ્મના નિર્માતાઓ સારા શો માટે ટળવળે છે. આગળ જતાં આવી નબળી ફિલ્મો ટીકીટ વેચાણના મસ મોટા આંકડાઓ બતાવી વધુ સબસીડી લેવામાં સફળ થાય છે. ખરેખર સરકારે સબસીડીની રકમ નક્કી કરવા નિયત અને હાલ પુર્ણત: ગુજરાતી ફિલ્મો સાથે કાર્યરત જ્યુરીને બદલે રીલીઝ થતી ફિલ્મોનો ખાનગી સર્વે કરાવી સબસીડીની રકમ નક્કી કરવી જોઇએ. હાલ છેલ્લા બે ત્રણ વર્ષથી સબસીડીની જ્યુરીમાં બેસતા અમુક સભ્યો ‘ભુવો ઘરભણી નારીયેળ ફેંકે’ તે કહેવતને સાર્થક કરી પોતાના તાબા હેઠળની ફિલ્મોને સારા માર્ક આપી સબસીડીની પહેલી હરોળમાં મુકી દે છે. મેં વારંવાર ડંકાની ચોટ પર કહ્યું છે કે ગુજરાતી ચલચિત્ર પ્રોત્સાહક નીતી અંતર્ગત મળતી સબસીડીના નિયમો હજી વધુ કડક બનાવી, ગુજરાતી ફિલ્મો ના અનુભવી છતાં નિવૃત અને કોઇપણ જાતની બાંધછોડ ન જ કરે તેવા તજજ્ઞોને જ્યુરીમાં સ્થાન આપવું જોઇએ. સારી ફિલ્મોની યોગ્ય કદર થાય તે અંગે ગંભીરતાપૂર્વક સરકારશ્રી એ વિચારવું જોઇએ.
ગુજરાતી મેગા ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નો કાફલો શૂટિંગ માટે પહોંચ્યો પોરબંદર પાસેના માધવપુર બીચ
માધવપુર બીચ, ભગવાન શ્રીકૃષ્ણ અને ઋક્ષ્મણીના
- Advertisement -
લગ્ન થયેલા તે ઋક્ષ્મણી મંદિર સહીતના લોકેશન્સ પર શુટીંગ કરશે
હાલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે ફિલ્મની સખત ચર્ચાઓ ચાલે છે તે ‘સંઘવી સન્સ’નું શુટિંગ છેલ્લા એક મહીનાથી અમદાવાદ ખાતે ચાલી રહ્યું હતું પરંતુ હવે આ ફિલ્મનું યુનીટ અગામી દ્રશ્યો કંડારવા સૌરાષ્ટ્રના આલ્હાદક લોકેશન માધવપુર ( ઘેડ ) બીચ પર પહોંચ્યું છે. પદ્મશ્રી મનોજ જોષી, હીતેન તેજવાણી, ગૌરવ પાસવાલા, ધર્મેશ વ્યાસ, ફિરોઝ ઇરાની, નિસર્ગ ત્રીવેદી, મકરંદ અન્નપુર્ણા, સુનીલ વિશ્રાણી, પ્રેમ ગઢવી, મૌલીક ચૌહાણ, ભાવિની જાની, મોરલી પટેલ, બંસી રાજપુત, કોમલ ઠક્કર, કલ્પના ગાગડેકર, સાત્વી ચોક્સી, પ્રીયંકા પટેલ, જ્હાનવી પટેલ, હેતલ પરમાર સહીત 35થી વઘુ દિગ્ગજ કલાકારો આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે.
ચંદ્રેશ ભટ્ટના દિગ્દર્શન માં તૈયાર થઈ રહેલી આ ફિલ્મ ’રાડો’ અને ’કસુંબો’ની જેમ જ બીગ બજેટ ફિલ્મ છે. ગુજરાત ટુરીઝમની સિનેમેટીક પોલીસીના લગભગ તમામ ગુણો ધરાવતી આ ફિલ્મ આપણા રીત રીવાજો, સંયુકત પરીવાર અને આપણી મુળ સંસ્કૃતીને ઉજાગર કરનારી ઉત્તમ વાત લઈને તૈયાર થઇ રહી છે.
ગત શુક્રવારે રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘નટવર ઉર્ફ NTR’નો પ્રીમિયર યોજાયો
ગત શુક્રવારે નવી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ, નટવર ઉર્ફ NTR, યુવા દિગ્દર્શક દેવેશ રાવલના નિર્દેશનમાં તૈયાર થયેલી આ ફિલ્મ ના લેખક છે શ્રી ચેતન દૈયા… આ હતા સમાચાર..
હવે વાત ફિલ્મ વિશે..
મારા ગત આર્ટીકલમાં મે કારખાનું ફિલ્મ વિષે વાત કરેલી અને તેમાં મે કહેલું કે આ ફિલ્મમાં કોઈ હીરો નથી.. હવે આજે હું થોડું ટ્વિસ્ટ કરું છું કે, નટવર ઉર્ફ NTR માં હીરો છે..
બે બે હીરો છે..
હીરો 1..: 10 ઓગસ્ટ 1982 ના રોજ જન્મેલા પરિપક્વ કલાકાર જેણે ફિલ્મમાં 52 વર્ષની વ્યક્તિનો કિરદાર સિટી મારવાનું મન થાય તે રીતે નિભાવ્યો તેવા ચેતન દૈયા..
અને હીરો 2…: 6 મે 1974 ના રોજ જન્મેલા 50 વર્ષ ના મંજયેલા કલાકાર કે જેને અભિનય વારસામાં મળ્યો છે તેવા સિદ્ધ પિતા હ્રદયસ્થ વિનોદ જાનીના પ્રસિદ્ધ પુત્ર રાગી જાની.
આ બંને હીરો કદાચ જિમમાં નહીં જ જતાં હોય એટલે સિક્સ પેક બોડી પણ નહીં જ હોય, કદાચ સોસિયલ મીડિયા પર સહેજ પણ એક્ટિવ નહીં જ હોય, કદાચ નિર્માતા પાસે પોતાના કપડાંથી લઈને અન્ય સવલતો નહીં જ માંગતા હોય.. છતાં ગર્વ સાથે કહેવું પડે કે, બંને એ સાથે મળીને એક આખી ફિલ્મ પોતાના ખભે ઉપાડી લીધી છે.
આ ફિલ્મ જોયા પછી ઘણાને હીરો અને એક્ટર વચ્ચેનો ફરક સમજાશે. મને સમજાય છે ત્યાં સુધી ચેતન અને રાગીના સહિયારા સીનમાં કદાચ સ્ક્રિપ્ટ ને સાઈડ માં રાખી બંને એ પોતાનો રંગભૂમિનો અનુભવ કામે લગાડ્યો છે તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. આ ફિલ્મ માં મૌલિક ચૌહાણ, આંચલ શાહ, કલ્પના ગાગડેકર, હરેશ ડાગીયા, સોનલ નાયર જેવા અનુભવી કલાકારો કામ કરે છે. એટલે અભિનયની દ્રષ્ટિએ આ ફિલ્મ ચોક્કસ જોવાલાયક ગણાય. ફરી કહું છું ચેતન અને રાગીને હટકે માણવા હોય તો પહોંચી જજો નટવર ઉર્ફ ગઝછ જોવા. લાગી ગયું છે.
ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતેન કુમારનું ABP અસ્મિતા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે સન્માન
પ્રતિ વર્ષ ની જેમ આ વર્ષે પણ ગુજરાત ની જાણીતી સમાચાર ચેનલ અઇઙ અસ્મિતા દ્વારા શનિવારે ‘એ.બી.પી. અસ્મિતા સન્માન પુરસ્કાર 2024’નું આયોજન કરવામાં આવ્યું. ગત શનિવારે સાંજે અમદાવાદની પંચતરક હોટેલમાં ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિમાં ગુજરાતના નવ શ્રેષ્ઠીઓને સન્માનવામાં આવ્યા. આ શ્રેષ્ઠીઓમાં ગુજરાતી ફિલ્મોના સ્ટાર હિતેનકુમારનો પણ સમાવેશ કરવામાં આવ્યો. ગુજરાતી ફિલ્મોમાં અલગ અલગ વિષય પર સુંદર ફિલ્મો આપી હિતેનકુમાર એ પોતાનો એક અલગ પ્રેક્ષક વર્ગ ઊભો કર્યો છે. ત્યારે આ મહત્વ નું સન્માન મેળવવા બદલ ખાસ-ખબર તરફથી હિતેન કુમારને ખૂબ ખૂબ અભિનંદન.
રવિશંકર એક્ટિવ આર્ટિસ્ટ ગ્રૃપ (રાગ) દ્વારા ઉદયપુર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ ના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી રવિશંકર રાવલ આર્ટ ગેલેરી ખાતે મળતા નાટક, ટેલીવિઝન અને ફિલ્મોના કલાકારો રવિશંકર એક્ટિવ આર્ટિસ્ટ ગ્રુપ (રાગ)ના નેજા હેઠળ વારંવાર સુંદર પ્રવૃત્તિઓ કરતા હોય છે. જેમાં ગણપતી ઉત્સવ દરમ્યાન ‘કલા ગણેશ’ની સ્થાપના, નવરાત્રીમાં એક દિવસ ‘કલા ગરબા’ જેવી અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ જ ગૃપ દ્વારા ગત તારીખ 4 અને 5 ઓગષ્ટ, રાજસ્થાન ના ઉદયપુર ખાતે પ્રવાસનું આયોજન કરવામાં આવેલું. 40 જેટલા કલાકારો આ પ્રવાસમાં જોડાયેલ. ઉદયપુર ના સુંદર રીસોર્ટ ખાતે એક રાત્રી – બે દિવસનું રોકાણ કરી સૌએ આનંદ કર્યો હતો.