ગોંડલની જામવાડી ચોકડી પાસે હોટલના વેઈટરનો આપઘાત પ્રેમમાં નાસી પાસ ઉનાના સંખેડાના યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું

ગોંડલના જામવાડી ચોકડી પર આવેલી શ્રી હોટેલનાં કર્મચારીએ હોટેલનાં કવાર્ટરમાં રાત્રીના સમયે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી પ્રેમમાં નાસીપાસ થઈ આત્મઘાતી પગલુ ભર્યાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

ગોંડલ -નેશનલ હાઈવે જામવાડી ચોકડી પર આવેલી શ્રી હોટલમાં છેલ્લા સાત વર્ષથી વેઈટર તરીકે કામ કરતા મૂળ ઉનાના સંખેડાના વતની જયેશભાઈ ઉકાભાઈ પરમાર ઉ.૨૭ ગતરાત્રે અગીયારના સુમારે હોટલની પાછળ આવેલ કવાર્ટરની રૂમમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

દરમિયાન હોટેલના અન્ય કર્મચારીએ બારીવાટે રૂમમાં નજર કરતા જયેશભાઈ ફાંસો ખાધેલી હાલતમાં લટકતાં જોવા મળતા હોટેલના માલીક પ્રફલભાઈ ટોળીયાને જાણ કરતા દોડી આવેલા પ્રફુલભાઈએ તાલુકા પોલીસને જાણ કરી શાપર રહેતા મૃતકના પિતરાઈ પ્રજ્ઞેશભાઈને બનાવ અંગે વાકેફ કરતા તેઓ ગોંડલ દોડી આવ્યા હતા. બાદમાં મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવ અંગે પોલીસે ફાંસો ખાઈ જીવન ટુંકાવનાર જયેશભાઈનો મોબાઈલ ચેક કરતા કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધી મેસેજ મળી આવતા પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા કે અન્ય બાબતે આત્મહત્યા કર્યાના પ્રાથમિક અનુમાન સાથે પોલીસનાં પુનીતભાઈ અગ્રાવતે તપાસ હાથ ધરી છે. મૃતકના પિતા સંખેડામાં મજુરી કામ કરે છે. બે ભાઈઓનાં પરિવારમાં જયેશ મોટો હોવાનું જાણવા મળ્યું હતુ.