પ્રથમવાર કોર્પોરેટરોએ મોબાઈલ લોકરમાં મૂક્યા : વખાણમાં શાસકોએ પ્રશ્ર્નકાળ પૂરો કર્યો
શાસક પક્ષ બહુમતીનો લાભ લઇ પ્રજાના પ્રશ્ર્નો અંગે બોર્ડમાં ચર્ચા નહીં કરતો હોવાનો આક્ષેપ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાનાં નવા વર્ષના પ્રથમ જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં પ્રથમવાર કોર્પોરેટરોએ મોબાઈલ લોકરમાં મૂકી હાજરી આપી હતી. જોકે આ જનરલ બોર્ડમાં વિપક્ષનાં પ્રશ્ર્નો ટાળવા આંગણવાડી અને સ્વચ્છતા અંગેના શાસક પક્ષના કોર્પોરેટરના એક જ પ્રશ્ર્નમાં એક કલાક પસાર કરવામાં આવી હતી. બીજો પ્રશ્ન વિપક્ષી નેતાનો હતો, પરંતુ આ પ્રશ્ન આવે તે પહેલાં જ કલાકનો સમય પૂર્ણ થઈ જતા વિપક્ષ નેતા ભાનુ સોરાણીએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ શાસક પક્ષ બહુમતીનો લાભ લઇ પ્રજાના મુખ્ય પ્રશ્ર્નો અંગે જનરલ બોર્ડમાં ચર્ચા નહીં કરતો હોવાનો આરોપ લગાવ્યો હતો.
આજે મળેલી જનરલ બોર્ડમાં પહેલો પ્રશ્ર્ન ભાજપના કોર્પોરેટર વર્ષા પાંધીનો હતો. તેઓએ રાજકોટ શહેરમાં કુલ કેટલી આંગણવાડી છે, તેમાંથી કેટલી ભાડાના મકાનમાં ચાલે છે અને કેટલું ભાડું ચૂકવાય છે તે સહિતના પ્રશ્ર્નો ઉઠાવી મનપાએ સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત કરેલી કામગીરીનો અહેવાલ પણ માગ્યો હતો. આ પછી બીજો પ્રશ્ર્ન વિપક્ષી નેતા ભાનુ સોરાણીનો હતો. જેમાં તેઓએ છેલ્લા 6 મહિનાના રોગચાળાની સ્થિતિ અને મોતની માહિતી માગી હતી. તેમજ સર્વેશ્વર ચોકમાં વોકળામાં સ્લેબ તૂટી જવાની ઘટનામાં જે પણ તપાસ થઈ હોય તેનો રિપોર્ટ અને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ કાલાવડ રોડ પહોળો કરવા જે શરતો મંજૂર કરાઈ છે. તેને લઈ ભૂતકાળમાં બોર્ડના ઠરાવથી વિરુદ્ધ શા માટે નિર્ણય લેવાયો છે અને ઈરાદો શું હતો તે પણ પૂછ્યું હતું.
આમ વિપક્ષે તાજા મુદ્દાઓને લઈ જ બોર્ડને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન પ્રશ્નનો જવાબ વહેલો પૂર્ણ થતાં અન્ય કોર્પોરેટરોએ આ મુદ્દે પેટા પ્રશ્ર્નો પૂછવાનું શરૂ કર્યું હતું. જેને લઈને વિપક્ષના નેતાએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નિયમ મુજબ પેટા પ્રશ્ર્નો બાદ તેમના પ્રશ્ર્નનો જવાબ આપવાનું કહી શાસકોએ તેમની વાત ટાળી દીધી હતી. આમ આંગણવાડીના આંકડાઓ અને સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીના વખાણ કરવામાં જ શાસકોએ પ્રશ્નકાળ પૂરો કરી દીધો હતો.
આ અંગે વિપક્ષ નેતા ભાનુ સોરાણીએ જણાવ્યું હતું કે, શાસક પક્ષ દ્વારા પ્રજાનાં પ્રાણપ્રશ્ર્નો ની ચર્ચા કરવાને બદલે જનરલ બોર્ડમાં અન્ય પ્રશ્ર્નો પુછીને સાવ ખોટી રીતે સમય પસાર કરવામાં આવ્યો હતો. મેયરના વોર્ડમાં ગંદકી, રોગચાળો તેમજ સર્વેશ્વર ચોક સહિતના મુદ્દે પૂછેલા પ્રશ્ર્નો અંગે આજે સતત બીજા જનરલ બોર્ડમાં ચર્ચા કરવામાં
આવી નથી.
લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ કાલાવડ રોડ પહોળો કરવા જે શરતો મંજૂર કરાઈ છે. તેને લઈ ભૂતકાળમાં બોર્ડના ઠરાવથી વિરુદ્ધ નિર્ણય લેવામાં આવતા તેનો પણ આ તકે મેં વિરોધ કર્યો હતો. જોકે શાસક પક્ષ બહુમતીના જોરે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે.
કોર્પોરેટરોના મોબાઈલ લોકરમાં મુકવામાં આવ્યા
અગાઉ જનરલ બોર્ડમાં કોર્પોરેટરો મોબાઈલમાં મશગૂલ હોવાની ઘટનાઓ સામે આવી હતી. સોશિયલ મીડિયામાં ચેટ કરતા અને શોર્ટ વીડિયો જોતા પણ ઘણી વખત કોર્પોરેટરો પકડાયા છે. જેને લઈને આજથી જનરલ બોર્ડમાં ફોન લઈ જવા ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. કોર્પોરેટરોએ સભાખંડમાં પ્રવેશતા પહેલા પોતાના મોબાઈલ મૂકીને આવવાના હોય આ માટે અલગથી લોકરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
કોંગી કોર્પોરેટરના પ્રશ્ર્નોની ચર્ચા થઈ શકી નહીં : સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, આજના જનરલ બોર્ડમાં 19 જેટલી દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી અને ગરીબ વર્ગના નાના બાળકો માટે અત્યંત જરૂરી એવા આંગણવાડીના પ્રશ્ર્ને જનરલ બોર્ડમાં ચર્ચા કરવામાં આવી હતી. જનરલ બોર્ડમાં સવાલ પૂછવાની પ્રક્રિયા ખૂબ પારદર્શક હોય છે. જ્યારે કોંગ્રેસનો સવાલ પ્રથમ હોય ત્યારે ભાજપનાં કોર્પોરેટરોના સવાલો રહી જતા હોય છે.