ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર બેટર ડેવિડ વોર્નર સિડનીમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ઝડપાતા વિવાદમાં સપડાયા છે. રિપોર્ટ મુજબ, વોર્નર જ્યારે કાર ચલાવી રહ્યો હતો ત્યારે તેના બ્લડમાં આલ્કોહોલનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતા બમણાથી પણ વધુ જોવા મળ્યું હતું. 5 એપ્રિલના રોજ પોલીસે વોર્નરને અટકાવી તેમની તપાસ કરી હતી, જેમાં તેનું બ્લડ આલ્કોહોલ રીડિંગ 0.104 નોંધાયું હતું. હાલમાં બિગ બેશ લીગમાં સિડની થંડરની કેપ્ટનશીપ કરી રહેલો 39 વર્ષીય વોર્નર આ મામલે ગુરુવારે કોર્ટમાં હાજર રહ્યો નહોતો, હવે આ કેસની આગામી સુનાવણી 24 જૂન પર રાખવામાં આવી છે.
વકીલની કબૂલાત: ‘ટેક્સી કરવાને બદલે કાર ચલાવવાનો નિર્ણય મૂર્ખામીભર્યો હતો’
- Advertisement -
કોર્ટની બહાર વોર્નરના વકીલ બોબી હિલે મીડિયાને જણાવ્યું હતું કે, ડેવિડ વોર્નરે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને તે ટૂંક સમયમાં જ ગુનાની કબૂલાત કરશે. વકીલના જણાવ્યા અનુસાર, ઇસ્ટર સન્ડેના દિવસે વોર્નરે મિત્રના ઘરે વાઇનના ત્રણ ગ્લાસ પીધા હતા. તેણે સ્વીકાર્યું કે ટેક્સી કરવાને બદલે પોતે કાર ચલાવવાનો નિર્ણય લેવો એ વોર્નરની મોટી મૂર્ખામી હતી. જોકે, વકીલે એવો પણ દાવો કર્યો હતો કે વોર્નરના છેલ્લા ડ્રિંક અને પોલીસ ટેસ્ટ વચ્ચેના સમયમાં થોડો તફાવત હતો, પરંતુ વોર્નર પસ્તાવો અનુભવી રહ્યો છે અને ન્યૂ સાઉથ વેલ્સના કાયદા મુજબ જે પણ સજા થશે તે સ્વીકારવા તૈયાર છે.
કેપ્ટનશીપ પર સંકટ અને વિવાદાસ્પદ ભૂતકાળ
આ ઘટના બાદ સિડની થંડરના કેપ્ટન તરીકે વોર્નરના ભવિષ્ય પર સવાલો ઉભા થયા છે. ક્રિકેટ ન્યૂ સાઉથ વેલ્સના ચીફ એક્ઝિક્યુટિવ લી જર્મનએ આ મામલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ સુરક્ષિત ડ્રાઇવિંગના હિમાયતી છે અને આ પ્રકારની ઘટનાને ગંભીરતાથી લેવામાં આવશે. ડેવિડ વોર્નર, જેણે 2024માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, તેનું કરિયર શાનદાર રહ્યું છે પરંતુ તે અગાઉ 2018ના બોલ ટેમ્પરિંગ વિવાદમાં પણ ફસાઈ ચૂક્યો છે, જેના કારણે તેના પર 12 મહિનાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. હવે આ નવા કાયદાકીય વિવાદથી તેની ઈમેજ ફરી એકવાર દાગ લાગ્યો છે.




