રોબિન હૂડ આર્મીની માનવતાવાદી પહેલ ‘એક મુઠ્ઠી અનાજ’ અભિયાનને મળ્યો જોરદાર પ્રતિસાદ
રોબિન સભ્યોના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારો સુધી ઘઉં-ચોખા સહિતની અનાજ કીટ પહોંચાડાઈ
- Advertisement -
સ્વતંત્રતા પર્વની ઉજવણીને માત્ર રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના કાર્યક્રમો પૂરતી સીમિત ન રાખી સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી મદદનો હાથ લંબાવવાના સંકલ્પ સાથે રોબિન હૂડ આર્મી રાજકોટ ટીમ દ્વારા અનોખી
માનવતાવાદી પહેલ હાથ ધરવામાં આવી હતી. ‘એક મુઠ્ઠી અનાજ’ અભિયાન અંતર્ગત રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી 6,000 કિલોથી વધુ અનાજ એકત્ર કરી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ
કરવામાં આવ્યું હતું. રોબિન હૂડ આર્મી રાજકોટ ટીમ છેલ્લા નવ વર્ષથી કોઈપણ પ્રકારનું રૂપિયા-પૈસાનું દાન સ્વીકાર્યા વિના ‘ઝીરો ફંડ’ મોડલ પર નિઃશુલ્ક ભોજનસેવાનું કાર્ય કરી રહી છે. ટીમ દ્વારા સમાજના વિવિધ વર્ગોમાંથી
વધારાનું અથવા ઉપયોગમાં લઈ શકાય તેવું ભોજન એકત્ર કરી જરૂરિયાતમંદ અને ભૂખ્યા લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આ સેવા પ્રવૃત્તિ સાથે આ વર્ષે સ્વતંત્રતા પર્વ નિમિત્તે અનાજ એકત્ર કરવાની વિશેષ ઝુંબેશ પણ
જોડવામાં આવી હતી.
‘એક મુઠ્ઠી અનાજ’ અભિયાનને રાજકોટની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, સામાન્ય નાગરિકો તેમજ રોબિન હૂડ આર્મીના સભ્યોનો નોંધપાત્ર સહયોગ મળ્યો હતો. લોકો દ્વારા પોતાની ક્ષમતા મુજબ ઘઉં, ચોખા સહિત વિવિધ પ્રકારના
અનાજનું યોગદાન આપવામાં આવ્યું હતું. આ રીતે એકત્ર થયેલા 6,000 કિલોથી વધુ અનાજને જરૂરિયાત મુજબ કીટ સ્વરૂપે તૈયાર કરી રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારો સુધી
પહોંચાડવામાં આવ્યું હતું. આ અભિયાનમાં માત્ર અનાજનું વિતરણ જ નહીં, પરંતુ સમાજના દરેક વર્ગને ‘અન્નદાન’ જેવી સામાજિક જવાબદારી સાથે જોડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને વિદ્યાર્થીઓને આ
અભિયાન સાથે જોડવાથી નવી પેઢીમાં સેવા, સહકાર અને રાષ્ટ્રપ્રેમના સંસ્કારો વિકસે તેવો હેતુ પણ સાકાર થયો હતો.
‘કોઈ ભૂખ્યું ન રહે’નો સંકલ્પ
રોબિન હૂડ આર્મીનું મુખ્ય ધ્યેય દરેક ભૂખ્યા વ્યક્તિ સુધી ભોજન પહોંચાડવાનું અને કોઈપણ વ્યક્તિ ભૂખમરાનો ભોગ ન બને તે માટે સામાજિક સહભાગિતાથી પ્રયાસ કરવાનો છે. રાજકોટ ટીમ દ્વારા છેલ્લા નવ વર્ષથી આ
દિશામાં સતત સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે. રોબિન સભ્યોના જણાવ્યા મુજબ, ‘એક મુઠ્ઠી અનાજ’ અભિયાનને માત્ર સ્વતંત્રતા પર્વ નિમિત્તેની ભોજનસેવા તરીકે જોવું યોગ્ય નથી. આ અભિયાન લોકોમાં રાષ્ટ્રપ્રેમ,
બંધુત્વ, સહકાર અને અન્નદાનની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ છે. દેશની આઝાદીની ઉજવણી સાથે સમાજના નબળા અને જરૂરિયાતમંદ વર્ગને પણ જોડીને તેમની મદદ કરવી એ સાચા અર્થમાં સામાજિક
જવાબદારી નિભાવવાનો એક માર્ગ છે.
- Advertisement -
રોબિન હૂડ આર્મી રાજકોટ ટીમનો દેશપ્રેમની સાથે સેવાભાવનો અનોખો સંદેશ
આ સમગ્ર પહેલ દ્વારા રોબિન હૂડ આર્મી રાજકોટ ટીમે સ્વતંત્રતાના પર્વને સેવાભાવ સાથે જોડવાનો સંદેશ આપ્યો હતો. દેશ પ્રત્યેનો પ્રેમ માત્ર શબ્દો કે ઉજવણી પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ સમાજના જરૂરિયાતમંદ લોકો માટે
કંઈક કરવાની ભાવનામાં પણ પ્રગટે તેવો સંદેશ આ અભિયાનમાંથી મળ્યો હતો. 6,000 કિલોથી વધુ અનાજનું સંકલન અને તેનું જરૂરિયાતમંદ પરિવારોમાં વિતરણ એ રાજકોટના નાગરિક સમાજમાં રહેલી સેવાભાવના અને
સહકારની ભાવનાનું પણ ઉદાહરણ બન્યું છે. રોબિન હૂડ આર્મીની ટીમે આગામી સમયમાં પણ ‘કોઈ ભૂખ્યું ન રહે’ના સંકલ્પ સાથે પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની ભાવના વ્યક્ત કરી છે.




