બોધામૃત
માતા-પિતાને તમામ પ્રકારની પીડામાંથી મુક્તિ અપાવવી એ દરેક સંતાનની પવિત્ર ફરજ છે. ક્યાંક એવું તો નથી ને કે આપણા માતા-પિતા કષ્ટદાયક પરિસ્થિતિમાં જીવન વ્યતિત કરતા હોય, અને આપણે રાજમહેલ જેવા મકાનમાં જલસા કરતા હોય !
- Advertisement -
કથામૃત: ભગવાન શ્રીકૃષ્ણના બાળપણનો એક અદ્ભુત પ્રસંગ છે. નંદ-યશોદાને ત્યાં રહેતા બાળપ્રભુને મારી નાંખવાની મેલી મુરાદથી મામા કંસે એમને મથુરા બોલાવવાનું નક્કી કર્યું. આ જવાબદારી અક્રુરજીને સોંપી. રાજાની આજ્ઞા મુજબ અક્રુરજી ભગવાન કૃષ્ણને તેડવા માટે મથુરા આવ્યા અને કૃષ્ણને સાથે લઈને મથુરા પરત ફર્યા. મહારાજા કંસ કૃષ્ણને રાજમહેલમાં રાખવા માંગતા હતા. રાજમહેલમાં કૃષ્ણના ઉતારાની તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી હતી. કૃષ્ણ હજુ તો બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થામાં કદમ માંડતા હતા. એવા સમયે બીજો કોઈપણ કિશોર મહેલના વૈભવથી આકર્ષાયા વગર ન રહે. કૃષ્ણને જ્યારે રાજમહેલમાં ઉતરીને મહારાજા કંસનું આતિથ્ય સ્વીકારવા માટેનો સંદેશો મળ્યો; ત્યારે પળનોય વિચાર કર્યા વગર કૃષ્ણે કહી દીધું, મારા માતા-પિતા જેલમાં બંદીવાન છે. મારા જન્મદાતા જો એમની ઇચ્છા વગર મુશ્કેલભરી સ્થિતિમાં રહેતા હોય, તો મને વૈભવી મહેલમાં રહેવાનો કોઈ અધિકાર નથી. મારા માતા-પિતા મુશ્કેલીમાં હોય અને હું મહારાજા કંસનું આતિથ્ય સ્વીકારું તો મારો પુત્રધર્મ લાજે. શ્રીકૃષ્ણને મહારાજા કંસ દ્વારા કરવામાં આવેલી વૈભવી વ્યવસ્થાનો અસ્વીકાર કર્યો અને આલિશાન મહેલમાં રહેવાના બદલે નગરની બહાર આવેલા બગીચામાં રહેવાનું પસંદ કર્યું. રાજા કંસનો વધ કર્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ સૌથી પહેલા જેલમાં કેદ થયેલા માતા-પિતાના દર્શન કરવા પહોંચ્યા હતા. માતાપિતાના ચરણસ્પર્શ કરી બે હાથ જોડીને માફી માંગતા કહ્યું, મને માફ કરજો. આપને પારાવાર પીડામાંથી મુક્તિ અપાવવામાં મારાથી વિલંબ થયો છે. ભગવાન શ્રીકૃષ્ણે એના જન્મદાતા માતા-પિતા દેવકી વસુદેવની જેમ જ પાલક માતા-પિતા યશોદા-નંદનું એટલું જ ધ્યાન રાખ્યું છે.