1800 વીઘા ફળદ્રુપ જમીન કપાત સામે ખેડૂતોનો મોરચો, 24 ગામોના ખેડૂતોએ કલેક્ટરને આવેદન પાઠવાયું
એકરે 3 થી 5 લાખની જૂની જંત્રી સામે પ્રવર્તમાન ભાવ મુજબ ચુકવણી કરવા રજૂઆત
- Advertisement -
‘તંત્ર મનમાની કરશે તો જમીન નહીં સોંપીએ’: ખેડૂતોની હાઈકોર્ટના દ્વાર ખખડાવી ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી
સડક પીપળીયાથી હિરાસર એરપોર્ટને જોડતા સૂચિત ૬-લેન ગ્રીન ફિલ્ડ રાજકોટ બાયપાસ (NH-27) પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનની પ્રક્રિયા સામે અસરગ્રસ્ત પંથકના ખેડૂતોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. આ પ્રોજેક્ટમાં ૨૪ જેટલા ગામોના ખેડૂતોની આશરે ૧૮૦૦ વીઘા ફળદ્રુપ જમીન કપાતમાં જતી હોવાના વિરોધમાં અસરગ્રસ્ત ખેડૂતોએ એકઠા થઈ જિલ્લા કલેક્ટર, સક્ષમ સત્તાધિકારી તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ને વિગતવાર આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોએ એકસૂરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તંત્ર પોતાની મનમાની ચલાવશે તો કોઈ પણ સંજોગોમાં જમીનનો કબજો સોંપવામાં નહીં આવે અને સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
- Advertisement -
ખેડૂતો દ્વારા રજૂ કરાયેલા આવેદનમાં જણાવાયું છે કે સ્થાનિક ખેડૂતો કે ગ્રામજનો સાથે કોઈ પણ પરામર્શ કર્યા વિના ‘એક્સેસ કંટ્રોલ’ બાયપાસ થોપી દેવામાં આવ્યો છે, જેના કારણે ગામો વચ્ચેના વર્ષો જૂના રસ્તાઓ કટ થઈ જશે. તંત્ર દ્વારા અગાઉ મૌખિક રીતે સામાન્ય ઓપન રોડ બનશે તેવી ખાતરી અપાઈ હતી, પરંતુ સત્તાવાર દસ્તાવેજોમાં હજુ પણ તેને એક્સેસ કંટ્રોલ રોડ દર્શાવી ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે ફળદ્રુપ ખેતરોનું નિકંદન કાઢવાને બદલે અલાઈનમેન્ટ નજીકની સરકારી પડતર કે બિન-ખેતી જમીન તરફ વાળવામાં આવે અથવા હયાત રસ્તાનું જ વિસ્તરણ કરી નિયમિત ઓપન રોડ બનાવવામાં આવે.
જમીનના વળતર સામે વાંધો ઉઠાવતા ખેડૂતોએ જણાવ્યું છે કે હાલમાં સરકાર જે જંત્રી ધ્યાને લઈ રહી છે તે રૂ. ૩ લાખથી ૫ લાખ પ્રતિ એકર છે, જે અત્યંત જૂની છે. જ્યારે આ વિસ્તારનો વાસ્તવિક બજારભાવ રૂ. ૩ કરોડથી ૫ કરોડ પ્રતિ એકર જેટલો બોલાઈ રહ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોની માલિકીની જમીન સંપાદિત થતી હોવા છતાં પ્રોજેક્ટનો ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) કે જંક્શન ડિઝાઇન આજદિન સુધી ઉપલબ્ધ કરાવાઈ નથી, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે.
ખેડૂતોની સરકાર પાસે માંગ
- રોડ ખેતરની મધ્યમાંથી પસાર થતાં જમીનના બિનઉપયોગી ખૂણા-ખાંચાવાળા ટુકડા થઈ રહ્યા હોવાથી આવા બાકી રહેતા ટુકડાઓનું પણ ૧૦૦% વળતર ચૂકવી સંપાદન કરવામાં આવે.
- રેવન્યુ, બાગાયત અને માર્ગ-મકાન વિભાગની હાજરીમાં કૂવા, બોરવેલ, ડ્રિપ ઈરિગેશન, પાકી ઓરડી, તારફેન્સિંગ અને ફળાઉ વૃક્ષોનું સ્થળ પર સંયુક્ત પંચનામું કરી સરકારી રેકોર્ડ પર લેવામાં આવે.
- ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહેવાથી ખેતીની જમીન ધોવાઈ ન જાય તે માટે પૂરતા અંતરે આરસીસી ક્રોસ ડ્રેનેજ (Pipe Culvert) મૂકવામાં આવે.
આ ગામોના ખેડૂતો લડતના મૂડમાં
સડક પીપળીયાથી હિરાસર એરપોર્ટ સુધીના આ પંથકમાં આવતા સડક પીપળીયા, ખરડોઇ, નારણકા, રાજપરા, ભાયાસર, કાથરોટા, પાડાસણ, અણિયાળા, ઢાંઢણી, ગઢકા, રફાળા, મઘરવાળા, સાયપર, કુચીયાદળ અને રામપરા બેટી સહિતના ગામોના ખેડૂતોએ એકઠા થઈને અન્યાય સામે સામૂહિક રીતે રસ્તા પર ઉતરી લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.




