અલગ અલગ લોકો પાસે નાણાંની માંગણી કરાઇ : સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશભરમાં સાયબર માફિયાઓ કોઈને કોઈ રીતે પૈસા પડાવવા કાવતરા કરતાં હોય છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના નામણ ફેક ફેસબુક આઈડી બનાવી અલગ અલગ લોકો પાસેથી પૈસાની માંગણી કરતાં મેસેજ કરવામાં આવતા આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરવામાં આવી છે અને તેથી આ નકલી એકાઉન્ટ બનાવનાર શખ્સને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં DPમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં પોલીસ કમિશનર ઊભા હોય તેવો ફોટો રાખવામાં આવેલો છે.
- Advertisement -
આ સાથે જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથેના પણ ફોટા મુકવામાં આવ્યા છે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, મારા એક બે મિત્રો દ્વારા મને ફોન કરી કહેવામાં આવ્યું કે તમારા નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનેલું છે. જે બાદ મેં તપાસ કરતા મને ધ્યાન આવ્યું કે તે વાત સાચી છે. જેથી તુરંત જ આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી છે અને તે તપાસ કરી રહ્યા છે. આ નકલી એકાઉન્ટમાંથી મેસેજ કરી નાણાની માંગણી કરવામાં આવતી હોવાનું પણ ધ્યાને આવ્યું છે. જેથી લોકોને પણ વિનંતી છે કે, આ પ્રકારનો કોઈ મેસેજ આવે તો કોઈએ નાણા આપવા જોઇએ નહીં.