પંદર વર્ષથી રજૂઆતો છતાં નર્મદા વિભાગની બેદરકારી યથાવત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
- Advertisement -
રાજ્યમાં નર્મદા કેનાલો ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે, પરંતુ આ જ કેનાલો કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે આફત બની છે. કચ્છનું નાનું રણ પાટડી અને ધ્રાંગધ્રા તાલુકામાં વિસ્તરેલું છે, જ્યાં હજારો અગરિયાઓ કઠોર પરિસ્થિતિઓમાં મીઠાની ખેતી કરીને જીવન ગુજારે છે. એક અંદાજ મુજબ, દેશની કુલ મીઠાની ખપતનું લગભગ 40 ટકા ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણમાં થાય છે.
અગરિયાઓ તીવ્ર ઠંડી તેમજ 50 ડિગ્રી સુધીના તાપમાનમાં પણ રણમાં ઝુંપડામાં રહી મીઠું પકવે છે. પરંતુ છેલ્લા પંદર વર્ષથી સરકારની અણઆવડત અને તંત્રની બેદરકારીને કારણે અગરિયાઓને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાના નિમકનગર, કોપરણી, કુડા, ખારાઘોડા સહિતના વિસ્તારોમાં અંદાજે પાંચ હજાર જેટલા અગરિયાઓ રણમાં પાટા ભરી મીઠાની ખેતી કરે છે. ખેડૂતોને સિંચાઈ માટે જરૂરી પાણી પૂરૂં કર્યા બાદ નર્મદા વિભાગ દ્વારા વધારાનું કિંમતી પાણી રણ વિસ્તારમાં છોડવામાં આવતા લગભગ 50 કિલોમીટર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. અગરિયાઓ છેલ્લા 15 વર્ષથી સરકાર અને સ્થાનિક ધારાસભ્યો સમક્ષ વારંવાર રજૂઆતો કરતા આવ્યા છે, પરંતુ તંત્રનું પેટનું પાણી હલતું નથી. પરિણામે રણમાં પાણી ભરાવાથી 450થી વધુ અગરિયાઓના મીઠાના પાટાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. પોતાના માલસામાનને બચાવવા માટે અગરિયાઓને રેતીના પાળા બાંધવા મજબૂર બનવું પડ્યું છે.



