લખધીરપુર રોડ ઉપર આવેલ સ્પામાં નાગાલેન્ડની છ મહિલાઓ પાસે કરાવવામાં આવતો હતો દેહ વ્યાપાર !
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના લખધીરપુર રોડ ઉપર સીરામીક પ્લાઝા-2 માં આવેલ ઓરલા સ્પામાં મસાજના નામે ગ્રાહકોને શરીર સુખની વ્યવસ્થા કરી આપવામાં આવતી હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે ડમી ગ્રાહક સાથે દરોડો પાડતા સ્પા સંચાલકને મસાજના રૂપિયા 1000 તેમજ શરીર સુખ માણવા માટે અલગથી રૂપિયા 500 આપી ડમી ગ્રાહકને રૂમમાં મોકલીને પોલીસે દરોડો પાડી મહિલાને કઢંગી હાલતમાં ઝડપી લઈને સ્પાના ઓઠા હેઠળ ચાલતા દેહ વ્યાપારના ગોરખધંધાનો ભાંડાફોડ કર્યો હતો.
સ્પાના નામે ચાલતી દેહવ્યાપારની આ ગેરકાનૂની પ્રવૃત્તિ મામલે પોલીસે ઓરલા સ્પાના કાઉન્ટર ઉપરથી સંચાલક જાનીસાર ફકીરભાઇ મીર નામના શખ્સને 4500 રૂપિયા રોકડા, રૂપિયા 5000 નો મોબાઈલ ફોન તેમજ કોન્ડમ સહિતની સામગ્રી સાથે ઝડપી પાડીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવવાની સાથે સ્પા માલીક જાહીદશા હુશેનશા શામદાર (રહે. તરઘરી, તા. માળીયા) અને સ્પા સંચાલક ઇરફાનભાઇ બસીરભાઇ સીંધી (રહે. મોરબી) ને ફરાર દર્શાવી તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પા સંચાલકો દ્વારા સ્પામાં આવતા ગ્રાહકોને મસાજની સાથે શરીર સુખ મળે તેવો ગોરખધંધો ચલાવવા માટે નાગાલેન્ડની છ મહિલાઓને કામે રાખવામાં આવી હતી અને ગ્રાહક પાસેથી મળતી રકમમાંથી યુવતીઓને અડધી રકમ આપી બાકીની રકમ સ્પા સંચાલકો રાખતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.