અરજદારે 70થી વધુ ગેરકાયદેસર બાંધકામોનું લીસ્ટ રજુ કર્યું: 95 જેટલા સર્વે નંબરની ઈમારતો ગેરકાયદે હોવાનો દાવો
12-12 માળની ઈમારતો મામલે સરકારી નિયમોની હાંસી ઉડાવતા સ્થાનિક તંત્રની હાઈકોર્ટે ઝાટકણી કાઢી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેર અડીને આવેલા રવાપર ગામમાં દિન પ્રતિદિન નિયમોને નેવે મૂકીને આડેધડ બાંધકામ ખડકાઈ રહ્યા છે. આ વિસ્તાર ભૂકંપ ઝોન 4 માં ગણાતો વિસ્તાર હોવા છતાં નિયમોની ઐસી તૈસી કરીને 12-13 માળ સુધીની બહુમાળી ઈમારતો ખડકી દેવાના અનેક વખત આક્ષેપ થયા છે તો ફાયર સેફટીના પણ નિયમનો ભંગ કરવામાં આવ્યા પણ આક્ષેપ થયા છે. આ આક્ષેપ બાદ હવે આ મુદો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને તાજેતરમાં એક અરજદાર રવાપર ગામમાં નિયમ વિરુદ્ધ ખડકાઈ રહેલા બાંધકામ મુદે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા છે.
અરજદાર દ્વારા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ગામ પાસે ફાયર સેફટીને લગતી સુવિધા નથી. મોરબી નગરપાલિકા પાસે વધુમાં વધુ ત્રણ માળ સુધી આગ પહોંચે તેટલા જ ફાયરનાં સાધનો હોવાનો અરજદારે આક્ષેપ લગાવ્યો છે.
હાઈરાઈઝ મકાનમાં આગ લાગે તો પણ લોકોને જીવનું જોખમ હોવાનો અરજદારનો આરોપ છે. રવાપરમાં 95 થી વધુ સરવે નંબર પર થયેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવા હાઇકોર્ટમાં માંગ કરવામાં આવી છે. અરજદાર દ્વારા ગ્રામ પંચાયતના હાલના સરપંચ તેમજ પૂર્વ સરપંચ દ્વારા નિયમ નેવે મૂકીને સત્તા ન હોવા છતાં બાંધકામને મંજુરી આપી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
આ મામલે હાઇકોર્ટે પણ ગંભીરતાથી લેતા કડક શબ્દોમાં તંત્રની ઝાટકણી કાઢતા નોંધ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં જમીન બિનખેતીની બની જાય તો શું આડેધડ બાંધકામોને છૂટ આપી દેવાની ? ગ્રામીણ વિસ્તારમાં બાર બાર માળની ઈમારતો ઉભી કરવાની પરવાનગી કઈ રીતે આપી શકાય ? ગ્રામ્ય વિસ્તારમાં કઈ રીતે આટલા મોટા બાંધકામને મંજૂરી મળી શકે ? તેવા પણ આકરા સવાલ કર્યા હતા અને સાથે સાથે આ મામલે 16 ઓકટોબરના રોજ વધુ મુદત નક્કી કરવામાં આવી છે જેની વધુ સુનાવણી આવનારી મુદતમાં હાથ ધરવામાં આવશે.