ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓ, જેમાં મુખ્ય કાયદો 1952માં ઘડવામાં આવ્યો એ ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ’ છે એમાં પરદેશીઓની સગવડખાતર, સવલતખાતર તેમ જ સુવિધાખાતર અનેક પ્રકારના પ્રબંધો કરવામાં આવ્યા છે. તમે જ્યારે અમેરિકામાં બી-1/બી-2 વિઝા ઉપર પ્રવેશો છો ત્યારે તમને ઈમિગ્રેશન ઓફિસર ‘તમે અમેરિકા શા માટે આવ્યો છો? અહીં કેટલું રોકાવવા ઈચ્છો છો?’ આ સવાલ પૂછીને જો તમે બિઝનેસના કાર્ય માટે આવ્યા હોય તો ‘બી-1 સ્ટેટસ’ આપે છે અને ફરવા માટે ગયા હોવ તો ‘બી 2 સ્ટેટસ’ આપે છે. એક દિવસથી માંડીને વધુમાં વધુ છ મહિના રહેવા માટેનો સમય આપે છે. હવે જો કોઈ કારણસર તમને આપવામાં આવેલ સમય કરતાં વધુ સમય તમારે અમેરિકામાં રહેવું પડે એમ હોય તો અમેરિકાના કાયદાઓમાં ‘એક્સટેન્શન ઑફ ટાઈમ’ની સગવડ કરી આપવામાં આવી છે. તમે અરજી કરીને અમેરિકામાં રહેવા માટે આપવામાં આવેલ સમય વધારવાની માગણી કરી શકો છો. જો તમે એક બિઝનેસમેન તરીકે અમેરિકામાં દાખલ થયા હોવ અને પછી ત્યાંનું વાતાવરણ જોઈને તમારા બિઝનેસની ત્યાં શાખા ખોલવાની ઈચ્છા હોય, બધું ઝડપથી કરો, પ્રીમિયમ પોસેસિંગથી કરો તો પંદર દિવસમાં જવાબ મળી શકે છે અને તમે તમારું બી-1 બિઝનેસ ‘સ્ટેટસ ચેન્જ’ કરીને ‘એલ-1 સ્ટેટસ’ પ્રાપ્ત કરી શકો છો અને એલ-1 સ્ટેટસ ઉપર અમેરિકામાં સાત વર્ષ રહી શકો છો. જો તમે બી-2 સ્ટેટસ અમેરિકામાં દાખલ થયા હોવ અને ત્યાં ગયા બાદ તમને કોઈ એવી વ્યક્તિ મળી જાય જેની જોડે તમે પ્રેમમાં પડો અને લગ્ન કરો અને એ વ્યક્તિ જો અમેરિકન સિટિઝન હોય અને તમારા લાભ માટે ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરે તો તમે તમારું નોન- ઈમિગ્રન્ટ ‘સ્ટેટસ એડ્જસ્ટ’ કરીને ઈમિગ્રન્ટ સ્ટેટસ મેળવવાની અરજી કરી શકો છો. તમે ફેમિલી થર્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળના બેનિફિશિયરી હોવ અને તમારું સંતાન તમારી સાથે સાથે ડિપેન્ડન્ટ બેનિફિશિયરી હોય, પણ તમારું પિટિશન જ્યારે કરન્ટ થાય ત્યારે એની ઉંમર એકવીસ કરતાં વધી ગઈ હોય, તો તમે ‘ચાઈલ્ડ સ્ટેટસ પ્રેાટેક્શન ઍક્ટ’ હેઠળ અરજી કરીને તમારા લાભ માટે જે દિવસે પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય અને જે દિવસે એ પ્રોસેસ થઈને એપ્રૂવ કરવામાં આવ્યું હોય એટલો સમય તમારા સંતાનની ઉંમરમાંથી બાદ માગી કરી શકો છો. આ બાદબાકી કરતાં જો તમારા સંતાનની એડ્જસ્ટેડ એજ એકવીસ વર્ષથી ઓછી હોય તો એને તમારી સાથે ડિપેન્ડન્ટ ઈમિગ્રન્ટ વિઝા મળી શકે છે.
- Advertisement -
તમારા પિતાશ્રીએ તમારા લાભ માટે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કર્યું હોય અને એ પ્રોસેસ થઈને એપ્રૂવ પણ થઈ ગયું હોય, પણ એ કરન્ટ થાય એ પહેલાં તમારા પિતાશ્રીનું મૃત્યુ થાય તો એ પિટિશનનો આપોઆપ અંત આવે છે. આવા સંજોગોમાં અમુક જણાવેલ તમારા અમેરિકન સિટિઝન અંગત સગાંઓ તમારા મૃત પિતાશ્રીની ‘સબ્સ્ટિટ્યુશન’ની અરજી કરીને જગ્યા લઈ શકે છે અને એમણે દાખલ કરેલ પિટિશન સજીવન કરી શકે છે. તમે વર્ષો પહેલાં અમેરિકા બી-1/બી-2 વિઝા ઉપર અમેરિકામાં ગયા હો અને તમને આપવામાં આવેલ સમય કરતાં ખૂબ વધારે સમય ત્યાં રહ્યા હો અથવા તો ઈમિગ્રેશનને લગતો કોઈ ગુનો કર્યો હોય અને તમને અમેરિકામાં ફરી પ્રવેશવા ન દેવા એવી પાબંદી લાગી હોય તો આવા સંજોગોમાં અમેરિકાના ઈમિગ્રેશનના કાયદા હેઠળ ‘ઈમિગ્રન્ટ વેવર’ યા ‘નોન-ઈમિગ્રન્ટ વેવર’ માગવાની છૂટ છે. લગ્નના આધારે જે બે વર્ષની મુદતના કન્ડિશનલ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે એ કાયમ કરવા માટે બે વર્ષ પૂરાં થાય ત્યારે પતિ-પત્નીએ સંયુક્ત અરજી કરવાની રહે છે. જો કોઈ કારણસર અમેરિકન સિટિઝન પતિ યા પત્ની એમાં જોડાવાની ના પાડે, પણ તમારા લગ્ન સહજીવન સાથે ગાળવા માટે થયા હોય, નહીં કે ગ્રીનકાર્ડ મેળવવા માટે તો તમે એ વાતની ખાતરી કરાવી એકલા પણ તમારું ગ્રીનકાર્ડ કાયમનું કરવાની છૂટ મેળવી શકો છો. ગ્રીનકાર્ડધારકો અમેરિકન સિટિઝન બનવા માટે, જ્યારે નેચરલાઈઝેશનની અરજી કરે છે ત્યારે એમણે તેઓને અંગ્રેજી ભાષા આવડે છે અને અમેરિકા વિશે સામાન્ય જ્ઞાન છે એ દર્શાવી આપવા માટે પરીક્ષા આપવાની રહે છે. વયસ્ક ગ્રીનકાર્ડધારકોને અમુક સંજોગોમાં આમાંથી મુક્તિ આપવામાં આવે છે. અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓમાં આવા આવા પરદેશીઓને મૂંઝાવતા અનેક પ્રશ્ર્નોના નિવારણરૂપ કાયદાઓમાં ઘડવામાં આવ્યા છે.
ખેદની વાત એ છે કે ભારતીયો અમેરિકાના વિઝાની બાબતમાં યોગ્ય સલાહ મેળવતા નથી. અનેક ભારતીયો, જેમના લાભ માટે એમના નજીકના સગાઓએ ગ્રીનકાર્ડના પિટિશનો દાખલ કર્યા હાયે છે અને એ એપ્રૂવ થયા બાદ એ સગાઓના મૃત્યુ થયા હોય તેઓને સબ્સ્ટિટ્યુશનની જાણ નથી હોતી અને તેઓ હવે શું કરી શકાય? એવો પ્રશ્ર્ન અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના જાણકારોને પૂછતા પણ નથી. આથી વર્ષોની વાટ જોયા બાદ તેઓ અમેરિકાના ઈમિગ્રન્ટ વિઝા મેળવવાનું જતું કરે છે. આ વાત પણ ખેદપૂર્વક જણાવવી પડે છે કે ભારતીયો અને એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ કાયદાકીય જાણકારી મેળવવા માટે એડ્વોકેટોની ફી આપવાનું ટાળે છે. તેઓ જ્યાં મફત સલાહ મળતી હોય એવી વ્યક્તિઓ પાસે જાય છે. આવી વ્યક્તિઓ એમને હકીકતમાં સલાહ નથી આપતી હોતી, પણ ગેરરસ્તે દોરતી હોય છે. જો તમારે અમેરિકા જવું હોય અને જો કોઈ મુશ્કેલી નડતી હોય તેમ જ કોઈ પણ પ્રકારની મુશ્કેલી નડતી ન હોય તો પણ તમે અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓ વિશે, એ કાયદાના જાણકાર એડ્વોકેટ પાસેથી સાચી સલાહ મેળવશો તો એ તમને ખૂબ ખૂબ ફાયદાકારક પુરવાર થશે. યાદ રાખજો,, અમેરિકા ઈમિગ્રન્ટોનો દેશ છે. એલિસ આઈલેન્ડ, જે ન્યુ યોર્ક શહેરની બાજુમાં જ આવેલો છે એમાં જે ઊભી કરવામાં આવેલ છે એ સ્વતંત્રતાની દેવી ચોખ્ખેચોખ્ખું જણાવે છે કે ‘વિશ્ર્વના એ હારેલા-થાકેલા માનવીઓ તમે અહીં આવો. હું તમને આશરો આપીશ.’ અમેરિકા ખરેખર આ મુજબ આશરો આપે છે, પણ જો તમે ગેરકાયદેસર એ આશરો લેવા ઈચ્છો તો તમને એ મળવો મુશ્કેલ છે. બાકી, અમેરિકાના ઈમિગ્રેશન કાયદાઓમાં દરેક પ્રકારની સગવડ, સવલત અને સુવિધા આપવામાં આવેલ છે.